ઈન્ડિયા લીગઃ ભારતની સ્વતંત્રતા માટે વિદેશમાં લડત

રેશમા ત્રિલોચન Wednesday 10th January 2018 07:07 EST
 
 

વર્તમાનકાળમાં કોઈ ‘ઈન્ડિયા લીગ’ શબ્દ સાંભળે તો ભારતની ક્રિકેટ માટેની ઈન્ડિયા પ્રીમિયર લીગ (IPL)નો જ વિચાર આવે. ભારતીય ઈતિહાસનો જાણકાર અથવા અભ્યાસી હોય તેના સિવાય કોઈને જાણ ન હોય કે યુકે અને વિદેશમાં બ્રિટિશ રાજથી ભારતને આઝાદ બનાવવા માટેની લડત છેડવામાં ઈન્ડિયા લીગનું શું મહત્ત્વ રહ્યું હતું.

તો ઈન્ડિયા લીગ એ શું છે? ઈન્ડિયા લીગ, ઈન્ડિયન ઈન્ડિપેન્ટન્સ લીગ (IIL), હોમ રુલ ફોર ઈન્ડિયા લીગ અથવા કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા લીગ ભારતમાંથી બ્રિટિશ સામ્રાજ્ય અને સંસ્થાનવાદી શાસન દૂર કરવાની ઈચ્છા ધરાવતા અને ભારતીય ઉપખંડની બહાર રહેતા લોકોનું રાજકીય સંગઠન હતું. બ્રિટિશ મહિલા એની બેસન્ટે ૧૯૧૨માં હોમ રુલ ફોર ઈન્ડિયા લીગની સ્થાપના કરી હતી.

એની બેસન્ટઃ બ્રિટિશ વિચારક-તત્વચિંતક, સમાજવાદી, નારી અધિકારોનાં કર્મશીલ એની બેસન્ટને પોતાનાં આઈરિશ વારસા માટે ગર્વ હોવાથી તેઓ આઈરિશ અને ભારતીય સ્વ-રાજના પ્રખર સમર્થક હતાં. તેમણે થીઓસોફી કાર્યના સંદર્ભમાં ૧૮૯૮માં ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. મિસિસ બેસન્ટને ભારત અને તેની સંસ્કૃતિ, લોકો, વાનગીઓ, ઈતિહાસ અને ધર્મનું ઘેલું લાગ્યું હતું. બીજાં શબ્દોમાં, તો તેઓ વિદેશીભારતવાદીઓમાં એક હતાં જેઓ ભારતીય રાજકારણમાં સંપૂર્ણપણે ખૂંપી ગયા હતાં. તેઓ ૧૯૦૦ના દાયકાની શરુઆતથી જ ભારતીય આઝાદીમાં મજબૂત સક્રિય કાર્યકર હતાં અને એ કહેવું જરા પણ અસ્થાને નથી કે ભારતીય આઝાદીની લડતમાં ભારતની બહાર અને ખાસ કરીને યુકેમાં, ભલે તેઓનાં મૂળ ભારતીય ઉપખંડમાં હોય અથવા બ્રિટિશ સમાજમાં મોભાદાર વ્યક્તિ હોય, રહેતાં લોકોને સાંકળવામાં તેઓ પ્રણેતા હતાં. ભારત અને તેના જેવાં દેશોને પોતાનો અવાજ અને પોતાના કાયદા હોવાનો અધિકાર હોવાનું માનતાં બેસન્ટ બ્રિટિશ રાજ હેઠળના ભારતનો મુદ્દો પ્રકાશમાં લાવ્યાં હતાં.

ઈન્ડિયા લીગની સ્થાપના અગાઉ ૧૯૧૭માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ તરીકે તેમની વરણી કરાઈ હતી. પ્રમુખપદેથી ભાવવાહી સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે,‘કોંગ્રેસના ઈતિહાસમાં સૌપ્રથમ વખત તમે પ્રમુખપદે એવી વ્યક્તિને પસંદ કરી છે, જે જાહેર સલામતી માટે જોખમી ગણાવાં સાથે કેદમાં અને સરકારી નારાજગીના પ્રતિબંધ હેઠળ હતી. હું અપમાનિત હતી ત્યારે તમે માનસહ મારાં શિરે તાજ પહેરાવ્યો છે, હું નોકરશાહીની એડીઓ તળે કચડાતી હતી ત્યારે તમે મને નેતા તરીકે પસંદ કરી છે, હું મારી રક્ષા કરવા અસમર્થ હતી ત્યારે તમે મારું રક્ષણ કરી મને મુક્ત કરાવી છે. તમારો આભાર માનવા મારી પાસે શબ્દો નથી અને કોઈ રીતે આ ઋણ ઉતારી શકું તેમ નથી...’

ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપનાઃ તત્કાલીન બોમ્બેમાં ૨૮-૩૧ ડિસેમ્બર, ૧૮૮૫માં આયોજિત પ્રથમ સત્રમાં નિવૃત્ત સિવિલ સર્વિસ ઓફિસર એલન ઓક્ટોવિયન હ્યુમની પહેલથી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ હતી. હ્યુમે ૧૮૮૩માં કલકત્તા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સને પાઠવેલા ખુલ્લા પત્રમાં ભારતીય હિતોનું પ્રતિનિધિત્વ કરવા આવી સંસ્થા આવશ્યક હોવાનો વિચાર વહેતો મુક્યો હતો. વાઈસરોય લોર્ડ ડફરીનની મંજૂરી સાથે પ્રથમ બેઠક બોમ્બેમાં યોજાઈ, જેમાં ૫૩ હિન્દુ, બે મુસ્લિમ ઉપરાંત પારસી અને જૈન પશ્ચાદભૂ સાથેના કુલ ૭૨ ડેલિગેટ્સ હાજર રહ્યા હતા. સંસ્થાના સ્થાપક ડેલિગેટ્સમાં દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા, ગણેશ વાસુદેવ જોશી, ગોપાલ ગણેશ અગરકર, એન.જી. ચંદાવરકર, દિનશા વાચ્છા, બેહરામજી માલબારી, ગૂટી કેશવ પિલ્લાઈ, જસ્ટિસ કે.ટી. તેલંગ અને પી.રંગૈયાહ નાયડુનો સમાવેશ થયો હતો. આ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ તરીકે વ્યોમેશચંદ્ર બેનરજી ચૂંટાઈ આવ્યા હતા. એશિયા અને આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યમાં સૌપ્રથમ આધુનિક રાષ્ટ્રવાદી ચળવળ ચલાવવાનું ગૌરવ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ફાળે જાય છે.

જોકે, ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી પરત આવેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી કોંગ્રેસ સાથે જોડાયા પછી આઝાદીની ચળવળમાં ગતિ આવી હતી. તેમણે નાગરિક અસહકાર અથવા તો સત્યાગ્રહનું શસ્ત્ર ઉગામી બ્રિટિશ શાસનને મુંઝવણમાં મૂકી દીધું હતું. વલ્લભભાઈ પટેલ એટલે કે સરદાર પટેલે ઓક્ટોબર ૧૯૧૭માં વકીલાત છોડી મહાત્મા ગાંધી સાથે આઝાદીની લડતમાં જીવન સમર્પિત કરી દીધું હતું.

ઈન્ડિયા લીગનો અભ્યુદયઃ હોમ રુલ ફોર ઈન્ડિયા લીગની સ્થાપનાના એક દાયકા પછી ૧૯૨૨ તેમું નામ બદલીને કોમનવેલ્થ ઓફ ઈન્ડિયા લીગ કરાયું હતું. ઈન્ડિયા લીગનો અવાજ વધુ ક્રાંતિકારી હતો અને સમાજવાદી રાજકીય વિચારક હેરલ્ડ લાસ્કી અને તત્વચિંતક બર્ટ્રાન્ડ રસેલ સહિત તત્કાલીન બ્રિટનના સૌથી વધુ પ્રતિષ્ઠિત મહાનુભાવો તેની સાથે સંકળાયેલા હતા.

ઈન્ડિયા લીગનું પ્રાથમિક ધ્યેય ડોમિનિયન સ્ટેટસ મેળવવાનું હતું પરંતુ, પાછળથી સંપૂર્ણ આઝાદીના ઉચ્ચ ધ્યેયને પ્રાધાન્ય અપાયું. પ્રોફેસર હેરલ્ડ લાસ્કીના વિદ્યાર્થી અને મિસિસ બેસન્ટના માનીતા વેંગાલી કૃષ્ણન (V.K) કૃષ્ણા મેનન ૧૯૨૮માં જોઈન્ટ સેક્રેટરી તરીકે ઈન્ડિયા લીગમાં જોડાયા અને ૧૯૩૦માં જનરલ સેક્રેટરી બન્યા હતા. સેક્રેટરી તરીકે મેનને ઈન્ડિયા લીગનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સૌથી શક્તિશાળી ભારતીય લોબી તરીકે નિર્માણ કર્યું હતું અને સક્રિય રહીને બ્રિટિશ લાગણીઓ ભારતીય આઝાદીના ઉદ્દેશ તરફ કૂણી બનતી રહે તેમ કામગીરી આગળ વધારી હતી. આ માટે કૃષ્ણા મેનને બ્રિટિશરો મોટા પ્રમાણમાં ઈન્ડિયા લીગમાં જોડાય તેને પણ મહત્ત્વ આપ્યું હતું.

૧૯૩૦ના દાયકામાં લીગે વિકાસ સાધ્યો અને પ્રભાવ વધવા સાથે લંડન ઉપરાંત, બોર્નમાઉથ, બર્મિંગહામ, બ્રેડફર્ડ, બ્રિસ્ટોલ, કાર્ડિફ, ડબ્લિન, હલ, લેન્કેશાયર, લીડ્સ, લિવરપૂલ, માન્ચેસ્ટર, ન્યૂકેસલ, શેફિલ્ડ, સાઉધમ્પ્ટન અને વુલ્વરહેમ્પ્ટ્ન શહેરોમાં તેની શાખાઓ ખોલાઈ હતી.

બ્રિટનમાં ભારતીય હોમ રુલ (સ્વ-રાજ) માટે સમર્થન વધતું હતું ત્યારે અમેરિકન પ્રેસ દ્વારા પણ ભારતમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઈંગ્લેન્ડમાં ઈન્ડિયા લીગની પ્રવૃત્તિઓ વિશે ધ્યાન રખાતું હતું. ભારતની સમસ્યાઓ વિશે જાહેર ચર્ચાઓને પ્રોત્સાહન આપી ભારતને તેમનું સમર્થન અપાતું હતું. ઈન્ડિયા લીગે વિદેશમાં ભારતની પરિસ્થિતિ વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી એટલું જ નહિ, આઝાદ અને વાસ્તવિકપણે સ્વતંત્ર ભારત માટેના અભિયાનમાં અન્યોનો મત જાહેર કરાય તેને પણ ઉત્તેજન આપ્યું હતું.

સેન્ટ્રલ લંડનમાં ગાંધીપ્રતિમાઃ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં ગાંધીપ્રતિમાને આસનસ્થ કરાવવામાં ઈન્ડિયા લીગનો મોટો ફાળો રહ્યો છે. ફ્રેડા બ્રિલિઅન્ટના હાથે નિર્માણ કરાયેલી આ પ્રતિમા ઈન્ડિયા લીગના સાથ અને માર્ગદર્શન હેઠળ મહાત્મા ગાંધી મેમોરીઅલ કમિટી દ્વારા ગોઠવાઈ હતી. ભારતના રાષ્ટ્રપિતાની પ્રતિમાનું અનાવરણ તત્કાલીન વડા પ્રધાન હેરલ્ડ વિલ્સનના હસ્તે ૧૯૬૮ની ૧૭ મેના દિવસે થયું હતું. બ્લૂમ્સબરીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાના અનાવરણ સમયે આઝાદ ભારતના પ્રથમ હાઈ કમિશનર વી.કે. કૃષ્ણ મેનન ઉપસ્થિત હતા. ૧૯૬૮માં મિ. એસ. એસ. ધવન યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર હતા. સેન્ટ્રલ લંડનમાં ગાંધી પ્રતિમાની સ્થાપના માટે લંડન બરો ઓફ કેમડને મોકાની જગા ફાળવી હતી, જેની સારસંભાળ ઈન્ડિયા હાઉસ દ્વારા આજ દિન સુધી લેવાય છે. ગાંધીજીના જન્મદિન (બીજી ઓક્ટોબર) અને નિર્વાણદિને (૩૦ જાન્યુઆરી) યુકેમાં ભારતીય હાઈ કમિશનનો સ્ટાફ ટેવિસ્ટોક સ્ક્વેર સ્થિત ગાંધીપ્રતિમાને બરાબર સ્વચ્છ કરવા ઉપરાંત તેની જાળવણી રાખે છે.

ઈન્ડિયા લીગનો વર્તમાનકાળઃ ઈન્ડિયા લીગના વર્તમાન ચેરમેન ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલ છે જ્યારે ડો. સીરિઆક માપ્રાઈલ વાઈસ ચેરમેન અને મિ. અશોક ગુપ્તા મુખ્ય કો-ઓર્ડિનેટર છે. ભારતની સ્વતંત્રતા હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ પૂરવાર થયેલી ઈન્ડિયા લીગને ઈતિહાસના ગ્રંથોમાં સ્થાન પ્રાપ્ત થયું છે. પરંતુ, શરમની બાબત એ છે કે ભારતમાં ન્યાયિક સુધારા અને આઝાદી પ્રાપ્ત કરવામાં મદદ કરનારી ઈન્ડિયા લીગની જાણકારીની સરખામણીએ વર્તમાન વિશ્વમાં ક્રિકેટની ઈન્ડિયન પ્રીમિયર લીગ અથવા હોકી ઈન્ડિયા લીગ વિશે વિશેષ જાણકારી ધરાવતા લોકો વધુ મળી આવશે.

ઈન્ડિયા લીગના વારસાને સાંકળતી સફળતા અને ઈતિહાસને જોતા વર્તમાન બ્રિટનમાં આ ધરોહરને જીવંત રાખવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તે જોવાનું પીડાદાયી છે.

જો ધ ઈન્ડિયા લીગ વિશે વધુ માહિતી અથવા ટીપ્પણીઓ તમારી પાસે હોય અને તે પ્રકાશિત થાય તેમ ઈચ્છતા હો તો [email protected] ને ઈમેઈલ કરવા વિનંતી છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter