ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી દ્વારા મહાવીર જન્મ કલ્યાણક ઊજવણી અને જૈન સમુદાય એવોર્ડ્સ

Wednesday 07th May 2025 14:53 EDT
 
 

લંડનઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) દ્વારા પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે મહાવીર જન્મ કલ્યાણક ઊજવણી અને જૈન સમુદાય એવોર્ડ્સ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. ઈવેન્ટનું અધ્યક્ષસ્થાન IOJના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહૂલ સંઘરાજકા MBEએ સંભાળ્યું હતું. માનવંતા મહેમાનોમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ (લોર્ડ્સ મિનિસ્ટર ફોર ફેઈથ, કોમ્યુનિટીઝ એન્ડ રિસેટલમેન્ટ) લોર્ડ ખાન ઓફ બર્નલી, મિનિસ્ટર ફોર સર્વિસીસ, સ્મોલ બિઝનેસ એન્ડ એક્સપોર્ટ્સ ગેરેથ થોમસ MP અને હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન MPનો સમાવેશ થયો હતો. જૈન સાધ્વીજીઓ સમાણી મલય પ્રજ્ઞાજી અને સમાણી નીતિ પ્રજ્ઞાજીએ નવકાર મંત્રોનું ઉચ્ચારણ કરી વાતાવરણમાં પવિત્રતા અને શાંતિ પથરાવી હતી.

લોર્ડ ખાન ઓફ બર્નલીએ ભગવાન મહાવીરના અહિંસા, મિત્રતા, સત્ય અને આંતરિક આધ્યાત્મિક શાંતિના માર્ગના ઊપદેશોને સમયાતીત મૂલ્યો ગણાવ્યા હતા. તેમણે નજીકના ભવિષ્યમાં બ્રિટિશ પાર્લામેન્ટમાં જૈન સાંસદ હશે તેવી આશા વ્યક્ત કરી હતી. જૈન કોમ્યુનિટીના દીર્ઘકાલીન સમર્થક સાંસદ બોબ બ્લેકમેને જૈન કોમ્યુનિટીના સભ્યોને જાહેર જીવન અને રાજકારણમાં આગળ આવવા હાકલ કરી હતી.સાંસદ ગેરેથ થોમસે હાઉસ ઓફ કોમન્સમાં જૈન સમુદાયની યજમાની કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો.

IOJના ડાયરેક્ટર અમિત લાટીઆ દ્વારા નોંધપાત્ર સેવા અને સિદ્ધિઓ હાંસલ કરવા બદલ OneJAIN કોમ્યુનિટી એવોર્ડ્સની જાહેરાત કરાઈ હતી

 ધ OneJAIN યંગ એચિવર્સ એવોર્ડ ડો. સૌરભ શાહને એનાયત કરાયો હતો. જાહેર જીવનમાં જૈન મૂલ્યો પ્રત્યે નિષ્ઠા અને પ્રોફેશનલ ઉત્કૃષ્ટતા બદલ તેમને એવોર્ડ અપાયો હતો.

 ધ એક્સેલન્સ ઈન કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ મહાવીર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિ. નીરજ સુતરિયાને સામુદાયિક કલ્યાણ અને આધ્યાત્મિક જીવનમાં નોંધપાત્ર યોગદાન બદલ એનાયત કરાયો હતો. તેમના સાઈટેશનનું વાંચન IOJ ડાયરેક્ટર અજય પુનાતરે કર્યું હતું.

આ પછી, ઓશવાલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ નિર્મલ શાહે ભારતના દિલ્હીમાં યોજાયેલા પ્રથમ ખો ખો વિશ્વકપમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરનારા 10 જૈન ખેલાડીઓ અને કોચિંગ ટીમનું હાર્દિક અભિવાદન કર્યું હતું.

વિશ્વપ્રસિદ્ધ ઈન્ડોલોજિસ્ટ અને જૈનદર્શન, સંસ્કૃત અને પ્રાકૃતના વિદ્વાન પ્રોફેસર નલિની બલબીર (મધ્યમાં)ને તેમના વિદ્યાર્થીઓ અને વડીલો દ્વારા તૈયાર કરાયેલો અભિનંદન ગ્રંથ એનાયત કરાયો હતો. ડો. સંઘરાજકાએ જૈન સ્કોલરશિપને સેવા સહિત IOJ સાથે તેમના દાયકાઓના સંબંધનું વર્ણન કર્યું હતું. 15 વર્ષ અગાઉ IOJ અહિંસા એવોર્ડ મેળવનારાં પ્રોફેસર નલિની બલબીરે બ્રિટિશ લાઈબ્રેરી ખાતે જૈન મેન્યુસ્ક્રીપ્ટ્સનો કેટેલોગ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

બોડેન પ્રોફેસર ઓફ સંસ્કૃત પ્રોફેસર જિમ માલિન્સને ઈતિહાસ અને યોગની ફીલોસોફીના અહિંસા, યમ અને નિયમોમાં જૈન પ્રદાન વિશે પ્રવચન કર્યું હતું. પૂર્વ કોર્પોરેટ ટેક્સ સલાહકાર પલ્લવી શાહે તેમની કેન્યાસ્થિત સખાવતી સંસ્થા ‘હેલ્પ ચેઈન્જ લાઈવ્ઝ’ની કામગીરી વિશે જણાવ્યું હતું.

બ્રિટિશ મ્યુઝિયમના ડો. સુષ્મા જાનસારીએ ભારતની પવિત્ર કળા વિશે નવા પ્રદર્શનની જાહેરાત કરી હતી જેનો આરંભ 22 મે 2025ના રોજ થશે અને 19 ઓક્ટોબર 2025 સુધી ચાલશે. આ પ્રદર્શનમાં અન્ય ધાર્મિક પરંપરાઓ સાથે જૈન કળામય યોગદાનોને હાઈલાઈટ કરાશે.

યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ ખાતે જૈન સ્ટડીઝમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મેરી-હેલેન ગોરિસ્સેએ જૈન ફીલોસોફીના વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ વિશે જણાવ્યું હતું. IOJ અને કોમ્યુનિટી પાર્ટનર્સના સહયોગથી યુનિવર્સિટી વિશ્વભરમાં તેનું કાર્ય વિસ્તારી રહી છે.

--------------------------------------------------------------------

વિશ્વપ્રસિદ્ધ ઈન્ડોલોજિસ્ટ અને જૈનદર્શન, સંસ્કૃત અને પ્રાકૃતના વિદ્વાન પ્રોફેસર નલિની બલબીર (મધ્યમાં)ને અભિનંદન ગ્રંથ એનાયત કરાયો હતો. (ડાબેથી ) ડો. મેહૂલ સંઘરાજકા, બોબ બ્લેકમેન MP અને લોર્ડ ખાન દૃષ્ટિગોચર થાય છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter