લંડનઃ હોમ ઓફિસના નામે ઈમિગ્રન્ટ્સ સાથે ઠગાઈ થઈ રહી હોવાના કિસ્સા બહાર આવ્યા છે. ઠગાઈ કરનારા પોતાની ઓળખ યુકે બોર્ડર એજન્સીના ઈમિગ્રેશન ઓફિસર તરીકે આપીને વિઝા ધરાવતા લોકોને તેમના કિસ્સામાં કોઈ ખામી દર્શાવીને યુકેમાં રહેવા દેવાની મંજૂરી માટે હજારો પાઉન્ડની માગણી કરે છે. છેલ્લાં કેટલાંક મહિનામાં હજારો લોકો ઠગાઈનો ભોગ બન્યા હતા.
તેઓ બોર્ડર એજન્સીના સત્તાવાર નંબરનું ક્લોનિંગ કરતી એપ્લિકેશનના ઉપયોગ મારફત લોકોને ફોન કરી પાસપોર્ટની વિગતો આપવાની ફરજ પાડે છે અને રેસિડેન્સીના સ્ટેટસ વિશે પૂછપરછ કરે છે. આઈડી સ્પૂફીંગ તરીકે ઓળખાતી આ ટેક્નોલોજી દ્વારા કોલ કરનાર હોમ ઓફિસ અથવા બેંકના સત્તાવાર નંબરનો ઉપયોગ કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોલ રિસીવ કરે ત્યારે તેને સ્ક્રીન પર તે નંબર દેખાય છે. બીબીસીના ઈનસાઈડ આઉટ કાર્યક્રમ દ્વારા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
ભારતથી પીએચડીના અભ્યાસ માટે બ્રિટન આવેલા પ્રતિક વ્યાસના પત્નીને આવો કોલ આવ્યો હતો. એરપોર્ટ પર એક ફોર્મ તેમણે ભર્યું ન હોવાની વાત કહીને દેશમાં રહેવા દેવા માટે ૫૦૦ પાઉન્ડની માગણી કરાઈ હતી.
ગીતિકા કૌશલને પણ આવો કોલ આવ્યો હતો. પોતે યુકે બોર્ડર એજન્સીથી હોવાનું કહેનારી વ્યક્તિએ તેમની ફાઈલમાં કેટલીક વિગતો બાકી હોવાની અને તેને લીધે તેમને દેશનિકાલ કરવાની વાત કરી હતી. તેમણે ફોન નંબર ચેક કર્યો તો તે નંબર યુકે બોર્ડર એજન્સીનો જ હતો.


