કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત રજા હોય છે.
નોર્થ અમેરિકામાં અનાજના સફળ પાકના આશીર્વાદ બદલ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતો થેન્ક્સગિવિંગ ડે ઉજવાય છે.
યુરોપિયન વસાહતીઓ (યાત્રાળુઓ)એ નોર્થ અમેરિકામાં સ્થિર થયા પછી નવા વિશ્વમાં અનાજના પાકની પ્રથમ સફળ લણણી માટે 1621માં થેન્ક્સગિવિંગ ડે ઉજવવાની શરૂઆત કરી હતી. વિશ્વની વિવિધ સંસ્કૃતિ કે સભ્યતાઓમાં મોટાભાગના લોકો ઈશ્વર (God) અથવા સર્વોચ્ચ સત્તામાં આસ્થા ધરાવે છે અને આપણી અપેક્ષા કે જરૂરિયાત કરતાં પણ વધુ આપવા બદલ તેમજ આપણાં જીવનમાં વહેલામોડાં પણ ઊભી થતી જરૂરિયાતો પરિપૂર્ણ કરવા બદલ ઈશ્વરનો આભાર માની પ્રાર્થનાઓ કરે છે.
અમે 51 વર્ષ પહેલા થેન્ક્સગિવિંગ ડેના ત્રણ સપ્તાહ અગાઉ કેનેડામાં આવ્યા હતા. મેં ભારત અને અમેરિકામાં એકાઉન્ટિંગનો અભ્યાસ કર્યો હોવાથી એકાઉન્ટિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યો હતો. મારી પત્નીના કઝિન નરેન્દ્રભાઈ પટેલ અમેરિકામાં અભ્યાસ કરતા હતા અને તેમના મિત્રો સાથે કેનેડાની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમને મળવાની ઈચ્છા સાથે ફોન કર્યો અને અમે તેમને સરનામું પણ આપ્યું. તેઓ તેમના મિત્ર હિતેશભાઈ પટેલની સાથે આવ્યા હતા. હિતેશભાઈ બેન્કમાં કામ કરતા હતા, તેમણે મને બેન્કમાં અરજી કરવા જણાવ્યું અને અન્ય કંપનીઓમાં કરતો હતો તેમ મેં આ બેન્કમાં પણ નોકરી માટે અરજી કરી દીધી. મેં અરજી કરી અને રેઝ્યુમ સાથે બેન્કના HR વિભાગમાં ઈન્ટરવ્યૂ પણ આપ્યો હતો. થેન્ક્સગિવિંગ ડે પહેલા જ મને બેન્કમાંથી નોકરીની ઓફર કરતો કોલ આવી ગયો.
આથી, અમારા જીવનમાં થેન્ક્સગિવિંગ ડેનું વિશેષ મહત્ત્વ છે કારણકે મારી સગર્ભા પત્ની ભાવના અને સાડા ચાર વર્ષની દીકરી અલ્પાની સાથે અમે કેનેડા સ્થળાંતર કર્યું હતું તે સંજોગોમાં અમારે ખાસ જરૂર હતી ત્યારે ઈશ્વરે અમારા જીવનમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષપણે અમને સહાય કરી હતી. હું સ્કોટિઆ બેન્કમાં નિવૃત્ત થયો ત્યાં સુધી 24 વર્ષ નોકરી કરી હતી. અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવા અમે હંમેશાં સ્કોટ મિશન ઓફ ટોરોન્ટોને ભૂખ્યા, ઘરવિહોણા અને વંચિત લોકોને ગરમ થેન્ક્સગિવિંગ ભોજન પુરું પાડવા દાન આપીએ છીએ. અમારી બે દીકરીઓએ અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અને અમે નિવૃત્ત જીવન માણીએ છીએ. અલ્પા યોર્ક રીજિયનમાં શિક્ષિકા છે અને આરતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાં સાથે ફોર સીઝન્સ હોટેલ અને રિસોર્ટ ગ્રૂપમાં ગ્લોબલ ફાઈનાન્સ વાઈસ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવે છે. બંને દીકરીઓ તેમનાં ઘેર સુખી લગ્નજીવન ગાળે છે અને બાળકોને ઉછેરે છે. બાળકોને કેનેડિયન અને ભારતીય વિરાસત, મૂલ્યો અને સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો આપી રહ્યાં છે.
મારખમ, કેનેડા