સેવા રૂરલ (SEWA Rural-સોસાયટી ફોર એજ્યુકેશન, વેલ્ફેર એન્ડ એક્શન-રૂરલ) દક્ષિણ ગુજરાતના ઝગડીઆ ક્ષેત્રના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં 1980થી કાર્યરત સ્વૈચ્છિક વિકાસ સંસ્થા છે. આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં પ્રોફેશનલ્સ દ્વારા સ્થાપિત આ સંસ્થાની કામગીરી સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત છે.
ભરૂચ જિલ્લાના ગરીબ અને આદિવાસી સમુદાયોના સમગ્રતયા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે SEWA Rural જનરલ હોસ્પિટલ, કોમ્યુનિટી આધારિત આરોગ્ય પહોંચ, સુગઠિત આંખસંભાળ પ્રોગ્રામ, આરોગ્ય તાલીમ કેન્દ્ર, ગ્રામીણ યુવકો માટે વોકેશનલ ઈન્સ્ટિટ્યૂટ અને મહિલાવિકાસ કેન્દ્રનું સંચાલન કરે છે.
ચંદ્રકાન્ત અને લોર્ડ ભીખુ પારેખની રાહબરી હેઠળ પારેખ પરિવાર આ કાર્યમાં મુખ્ય મદદગાર છે અને અત્યાર સુધી આશરે રૂ. 10 કરોડ (860,000 પાઉન્ડ)નું યોગદાન આપ્યું છે. કોમ્યુનિટીના ઘણા લોકોને અર્થસભર યોગદાન આપવાનું પોસાય તેમ હોવાની નોંધ લેવા સાથે તેઓ સાથી ભારતીયોને આ કાર્યમાં સહયોગ આપવા પ્રોત્સાહિત કરે છે. લોર્ડ પારેખે તેમના ભાઈ ચંદ્રકાન્તના માતબર યોગદાન સંદર્ભે વિશેષ અંજલિ આપી છે.
યોગદાનનાં મૂળમાં વિશ્વાસ અને સાતત્યતા
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. પંકજ પન્નાલાલ શાહ અને ટ્રસ્ટી ડો. શ્રેય અનિલ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોર્ડ પારેખ અને તેમના પરિવાર દ્વારા સેવા રૂરલને કરાયેલું યોગદાન ઉદાર હોવાની સાથે જ ઊંડા પારંપરિક વિશ્વાસને આધારિત છે. તેમણે જણાવ્યું હતું કે, ‘સપોર્ટ માત્ર વ્યાપકતામાં નોંધપાત્ર રહ્યો નથી, પરંતુ આરોગ્ય અને કૌશલ્યવિકાસ ઈનિશિયેટિવ્ઝમાં પણ સાતત્યતા ધરાવે છે. તેઓ તેમની મુલાકાતો દરમિયાન અર્થસભર વાતચીતો કરે છે પરંતુ, વધુપડતા સુચનો કરતા નથી, જે અમારા વચ્ચે વિશ્વાસનું પ્રતિબિંબ દર્શાવે છે. લોર્ડ પારેખ સાથે પરિચય અને પાર્ટનરશિપની સ્થાપનામાં ડો. જયશ્રીબહેન મહેતા કારણભૂત હતાં. ડો. મહેતાએ વર્ષો દરમિયાન આ ભાગીદારીને જાળવી રાખવામાં ઊંડો રસ લીધો હતો અને અમે તેમના આભારી છીએ.’
સેવા રૂરલનું નેતૃત્વ કરતા ડોક્ટર્સ તરીકે તેમણે નોંધ્યું હતું કે તેમની મેડિકલ પશ્ચાભૂઓ ગ્રામીણ આરોગ્ય અને શિક્ષણ સંદર્ભે સંસ્થાના અભિગમને ભારે અસર કરે છે. ‘અમારી તાલીમ અમને મર્યાદિત સ્રોતો હોવાં છતાં, હાઈ ક્વોલિટી હેલ્થકેર જાળવી રાખવામાં મદદ કરે છે. અમારું લક્ષ્ય હંમેશાં ‘અતિ ગરીબો માટે અત્યાધુનિક આરોગ્યસંભાળ’નું રહ્યું છે. તબીબી રીતે તાલીમબદ્ધ લીડરશિપ હેઠળ કામ કરવામાં મેડિકલ ટીમને વધુ સપોર્ટની લાગણી અનુભવાય છે, પરંતુ અમે બિનતબીબી પ્રોફેશનલ્સ, સરકારી પાર્ટનર્સ અને કોમ્યુનિટીના સભ્ના યોગદાનને પણ સમાન રીતે મૂલ્યવાન ગણીએ છીએ. ઊચ્ચ ગુણવત્તાની સારસંભાળ હંમેશાં સામૂહિક પ્રયાસ રહે છે.’
ગ્રામીણ આરોગ્યસંભાળમાં વર્તમાન પડકારોના સંદર્ભમાં તેમણે વયોવૃદ્ધ વસ્તીમાં બિનચેપી રોગોની વૃદ્ધિ તથા ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ડોક્ટરોની અછત પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી હોવાં છતાં, ગ્રામીણ વિસ્તારોમાં હજુ મહત્ત્વની ખાઈઓ રહેલી છે. સેવા રૂરલમાં અમારી હોસ્પિટલ અને કોમ્યુનિટી પ્રોગ્રામ્સ આરોગ્ય જરુરિયાતોની વ્યાપક રેન્જનું નિરાકરણ લાવે છે, અમારું તાલીમ કેન્દ્ર હેલ્થ વર્કર્સ અને વહીવટકારોમાં ક્ષમતાનું નિર્માણ કરે છે અને અમારા રિસર્ચ ઈનિશિયેટિવ્ઝ વ્યાપક ટેકનોલોજિકલ ઉપાયો વિકસાવે છે.’
તેમણે સેવા રૂરલના કાર્યોના આગામી તબક્કા માટે સહિયારા વિઝનને વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,‘અમારું લક્ષ્ય આગામી દાયકા દરમિયાન સેવા પુરી પાડવાનું વિસ્તરણ, અમારા હોસ્પિટલનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા તેમજ સ્થાનિક અને તેથી પણ આગળ હેલ્થકેર સિસ્ટમ્સને સુધારવાની પ્રક્રિયાઓ અને નવી પ્રોડક્ટ્સ વિકસાવવાનું છે. આ મિશનમાં સંકળાવા માટે વધુ યુવા લોકોને પ્રેરિત કરવાની આશા રાખીએ છીએ તેમજ ગ્રામ્ય આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને કોમ્યુનિટીની સમૃદ્ધિને આગળ વધારે તેવી ભાગીદારીઓના નિર્માણનું સાતત્ય જાળવવા ઈચ્છીએ છીએ. આ બધા ઉપરાંત, અમે વિશ્વાસપાત્ર, મૂલ્ય આધારિત અને વાસ્તવમાં સમુદાયલક્ષી બની રહેવા પ્રતિબદ્ધ રહીશું.’
ડો. જયશ્રીબહેન મહેતાએ સેવા રૂરલમાં લોર્ડ પારેખ અને તેમના પરિવારના યોગદાનને બિરદાવતાં કહ્યું હતું કે,‘ તેમનો સપોર્ટ ખરેખર નોંધપાત્ર છે. સેવા રૂરલ જેઓને સૌથી વધુ જરૂરિયાત હોય તેમને આરોગ્યસંભાળ અને કૌશલ્યવિકાસ ઓફર કરવા સાથે સૌથી ગરીબ સમુદાયો માટે કામ કરે છે. તેઓ વિવેકાનંદ ટ્રેનિંગ સેન્ટર મારફત ગ્રામીણ પરિવારોમાંથી યુવા લોકોને પસંદ કરે છે, તેમને નિઃશુલ્ક તાલીમ આપે છે, રહેઠાણ પુરું પાડે છે તેમજ નજીકની ઈન્ડસ્ટ્રીઝમાં કુશળ પ્રોફેશનલ્સ તરીકે કામ કરવા તૈયાર કરે છે. આ અસાધારણ પહેલ છે. તેમનો અન્ય અસરકારક પ્રયાસ મહિલાની પ્રથમ પ્રસૂતિ નિઃશુલ્ક રહે તેવા આગ્રહનો છે, જે લોકોને પોસાતું ન હોય તેમને તબીબી સંભાળ પહોંચે તેની ચોકસાઈનું છે. અશ્વિનભાઈ સહિત ત્યાં કામ કરતા ઘણા સમર્પિત લોકો મારાં એક સમયના વિદ્યાર્થીઓ છે અને તેઓ જે તફાવત સર્જી રહ્યા છે તેનું મને ગૌરવ છે.’
સેવા રૂરલ કોમ્યુનિટીની જરૂરિયાતોને આધારિત આરોગ્ય અને વિકાસ કાર્યક્રમો મારફત ગરીબ સમુદાયોની સેવાનું કાર્ય કરે છે. તેનો અભિગમ નિર્બળ જૂથો અને ખાસ કરીને મહિલા, બાળકો, વૃદ્ધો અને આદિવાસી વસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સામાજિક સેવા, સાયન્ટિફિક પદ્ધતિઓ અને આધ્યાત્મિક દૃષ્ટિકોને સંતુલિત કરવાનો છે. આ સંસ્થા વિકાસના લાભ સૌથી વંચિત-કચડાયેલા લોકોને પહોંચે તેની ચોકસાઈ અર્થે સ્થાનિક કોમ્યુનિટીઓ, દાતાઓ, સરકારી એજન્સીઓ, ઈન્ડસ્ટ્રીઝ અને શિક્ષણસંસ્થાઓ સાથે ગાઢ સહકારમાં કાર્ય કરે છે.


