સહારનપુર: અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહ્યો હોવાના ઉલ્લાસ વચ્ચે એ જાણવું સુખદ બની રહેશે કે એશિયાની સૌથી મોટી મદરેસા દારૂમ ઉલૂમના પુસ્તકાયલમાં ઉર્દૂમાં અનુવાદિત વાલ્મીકિ રામાયણ અનેશ્રીરામચરિત માનસ જેવા ગ્રંથો સચવાયેલા છે.
શ્રી રામચરિત માનસનો ઉર્દૂ અનુવાદ 1921માં મહર્ષિ સ્વામી શિવ બરતલાલ બર્મન (એમએ) દ્વારા થયો હતો. 1321 પાનાના આ ઉર્દૂ ગ્રંથનું પ્રકાશન લાહોરના જેએસ સંતસિંહ એન્ડ સન્સ દ્વારા થયું હતું.
મહર્ષિ વાલ્મીકિ દ્વારા લિખિત રામાયણ ગ્રંથનો અનુવાદ 1949માં કીર્તન કલાનિધિ બાની ભૂષણ નાટિયા આચાર્ય મહાકવિ શિવ નારાયણ તરસ્કીન દ્વારા થયો હતો. દિલ્હીના ગોલારામ એન્ડ સન્સ દ્વારા તેનું પ્રકાશન થયું હતું. પુસ્તકાલયમાં ગ્રંથના દ્વિતીય સંસ્કરણની નકલ ઉપલબ્ધ છે.
પુસ્કાલયના પ્રભારી મૌલાના શફીકે જણાવ્યા મુજબ ગ્રંથ નકલ ખૂબ જૂની થઈ ગઈ હોવાથી બંને ગ્રંથોના પાનાં ખૂબ નબળા પડી ગયા છે, પરંતુ રસાયણ લગાવીને ગ્રંથોની સાચવણી થઇ રહી છે. પુસ્તક અને પાનાંનો રંગ બદલાઈ ગયો છે. પુસ્તકને શોકેસમાંથી બહાર કાઢીને જોવા માટે સંસ્થાના મોટા પદાધિકારીની લેખિત મંજૂરી જરૂરી છે. બંને ગ્રંથોને દૂરથી જ જોઈ શકાય છે.


