અમદાવાદઃ સાઠનો દસકો એવો હતો, જ્યારે ભારતમાં વસતીવધારો મોટી સમસ્યા હતી. વસતીવધારાના પશ્ચિમી નિષ્ણાતો એવું કહેતા હતા કે ભારતમાં જે રીતે વસતી વધે છે એ જોતાં લાખો લોકો ભૂખે મરશે. કેમ કે ભારતનું કૃષિ ઉત્પાદન બહુ મર્યાદિત હતું. કેટલાક નિષ્ણાતોએ એમ કહ્યુ કે ભારતનું કોઈ ભવિષ્ય નથી, પરમાણુ બોમ્બ વિસ્ફોટમાં નાશ પામે તો થાય. એવા મહેણાનું કારણ એ હતું કે ભૂમિ હોવા છતાં ભારતનું ખેત ઉત્પાદન બહુ ઓછું હતું. એ વધારવાનું બીડું સ્વામીનાથને ઝડપ્યું હતું.
ભારતની એ સ્થિતિનો ગેરલાભ લઈને અમેરિકા જેવા દેશો પોતાને ત્યાં ન ખાઈ શકાય એવી ગુણવત્તાના ઘઉં પીએલ-480 ભારતને મોકલી આપતા હતા. એવી સ્થિતિ વચ્ચે દેશનું માથું ખેતી ક્ષેત્રે ઊંચુ કરવાનું કામ એમ.એસ. (માનકોમ્બુ સામ્બાસિવાન) સ્વામીનાથને કર્યું.
યુવાન સ્વામીનાથન્ પાસે ઝૂઓલોજીમાં કારકિર્દીની તક હતી, પરંતુ યુવાન હતા ત્યારે બંગાળના દુકાળમાં 30 લાખથી વધુને મરતા જોયા હતા. એટલે નક્કી કર્યું કે દેશને કૃષિ ક્ષેત્રમાં આગળ લઈ જવો અને બીજા કોઈ એ દિશામાં કામ કરે તેની રાહ જોયા વગર કામ શરૂ કરી દેવું. અમેરિકી વિજ્ઞાની નોર્મન બોર્લોગ વધુ ઉપજ આવે એવું (હાઈ યિલ્ડ વેરાઈટિઝ) બિયારણ તૈયાર કરી ચૂક્યા હતા. સ્વામીનાથનને પણ એ વખતે અમેરિકા અભ્યાસ કરવાની તક મળી. ભારતમાં આવીને ભારતમાં પણ ઘઉં-ચોખાનું ઉત્પાદન વધે એ માટે નવી નવી પ્રજાતિ વિકસાવવાનું શરૂ કર્યું.
ખેતરે ખેતરે ફરીને સ્વામીનાથને ખેડૂતોને સમજાવ્યું કે ભાઈ તમે વાપરો છો એ બિયારણને બદલે માત્ર આ વાપરવાનું છે. બાકી તમારે કંઈ ગુમાવવાનું નથી. એ પછી કેટલાક ખેડૂતો તૈયાર થયા, પાક લીધો અને હેક્ટરદીઠ અકલ્પનીય વધારે ઉત્પાદન મળ્યું ત્યારે બીજા ખેડૂતોને પણ તેમાં વિશ્વાસ પડ્યો. એ રીતે એક પછી એક ખેડૂતો સ્વામીનાથને શોધેલી ખેતી-રીત અપનાવતા ગયા અને છેવટે સમગ્ર પ્રક્રિયા હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખાઈ. દેશ કી ધરતી ભલે સોના ન ઉગલે પણ સોના જેવો પાક જરૂર આપી શકે એ તેમણે સાબિત કર્યું.
બટાકા, બાસમતી ચોખા, ઘઉંનું સંશોધન
ભારતમાં સારો પાક લઈ શકાય એટલા માટે અમેરિકી કૃષિ વિજ્ઞાની નોર્મન બોર્લોગે મેક્સિકન ડ્વાર્ફ પ્રકારના ઘઉંનું બિયારણ ભારતમાં મોકલ્યું હતું. ડો. સ્વામીનાથને એ બિયારણ વાપર્યું અને ઘણું સારું પરિણામ મળ્યું. એ પછી 10 હજાર વર્ષથી વપરાતા ઘઉંના બિયારણ પર સંશોધન કરી ભારતના વાતાવરણને માફક આવે એવી ઘઉંની જાતો વિકસાવી. એ ઉપરાંત બટાકા અને ચોખાની વેરાઈટી પણ તૈયાર કરી. કેમ કે આ ત્રણેય ખેત પેદાશો ભારતમાં સૌથી વધુ વપરાતી પેદાશો છે. ચોખાની તેમણે વિકસાવેલી વિવિધ જાતોમાંથી એક જાતનું નામ બાસમતી છે, જે આજે આખા જગતમાં વ્યાપકપણે ખવાય છે.
ખેતીની સુધારણા વિશે તેમણે એકલા હાથે 46 રિસર્ચ પેપર એવાં લખ્યાં જે તેમના એકલાના હતા. વિજ્ઞાની તરીકે એ પણ મોટી સિદ્ધિ છે.
જમીન દાન કરી દીધી
વિનોબા ભાવેની ભૂદાન ચળવળ ચાલતી હતી ત્યારે સ્વામીનાથન્ તેમનાથી પ્રભાવિત થયા. તેમના પરિવાર પાસે 2000 એકર જમીન હતી. એમાંથી ત્રીજા ભાગની જમીન એમણે ભૂદાન માટે આપી દીધી હતી. સ્વામીનાથન્ અંગત રીતે ગાંધીજી, રમણ મહર્ષી અને સ્વામી વિવેકાનંદથી પ્રભાવિત હતા. એમના પિતા ગાંધીજી સાથે કામ કરતાં હતા. એમાંથી જ દેશના ખેડૂતો-ગ્રામ્ય વિસ્તાર માટે કંઈક કરવાની એમને પ્રેરણા મળી હતી.
ગાંધી, ટાગોરની હરોળમાં સ્થાન
વર્ષ 1999માં 20મી સદીની પૂર્ણાહુતિ વખતે પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિન દ્વારા સર્વશ્રેષ્ઠ 20 એશિયોનોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર પછી ત્રીજા ભારતીય તરીકે એમ.એસ. સ્વામીનાથનને સ્થાન આપવામાં આવ્યું હતું. તેઓ માત્ર હરિયાળી ક્રાંતિના જ નહીં પણ પર્યાવરણને હાનિ પહોંચાડ્યા વિના કૃષિ ક્રાંતિના પક્ષધર હતા. એટલે જ 1990માં તેમણે એવરગ્રીન રેવોલ્યુશનનો વિચાર રજૂ કર્યો હતો.
1960ના અરસામાં પશ્ચિમના નિષ્ણાતો એમ કહેતા કે ભારતનું કોઈ ભવિષ્ય જ નથી, એ જ દેશ આજે પશ્ચિમના દેશોને અનાજ સપ્લાય કરે છે, દેશને અન્નનિર્ભર બનાવતી આ ક્રાંતિ એમ.એસ. સ્વામીનાથનને આભારી છે.


