લંડનઃ જુનિયર એશિયન ડોક્ટર જીવ્સ વિજેસૂર્યાએ વેસ્ટમિન્સ્ટર હુમલાનો ભોગ બનેલાની સારવારમાં પહોંચી કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પેશ કર્યું હતું. મૂળ શ્રી લંકાના મનાતા ડો. વિજેસૂર્યા તો એ દિવસે ડ્યૂટી પર ન હોવાં છતાં તેઓ બે અસરગ્રસ્તોની ઈમર્જન્સી સારવારમાં લાગી ગયા હતા
ડો. જીવ્સે જણાવ્યું હતું કે, તેઓ કોન્સ્ટેબલ કિથ પાલ્મર અને હુમલાખોરને એટેન્ડ કરવા પોલીસ કોર્ડની અંદર પ્રવેશ્યા હતા. તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે,‘મેં ચીસો સાંભળી હતી આથી હું દોડ્યો હતો અને પોલીસે મને ત્યાં જવા પણ દીધો હતો. અમે ઓફિસર અને હુમલાખોર બન્નેને બચાવવા પ્રયાસ કર્યા હતા. અમે તેમના શ્વસોચ્છવાસ ચાલુ કરવાની કોશિશ કરી હતી.’
ટોરી સાંસદ ટોબિઆસ એલવૂડે પણ ડો. જીવ્સની હિંમતને બિરદાવી હતી. રોયલ કોલેજ ઓફ પીડિયાટ્રિક્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થના પ્રેસિડેન્ટ નીના મોદીએ કહ્યું હતું કે,‘અમને તમારા પર અને જે દોડી આવ્યા તેમના પર ગર્વ છે.’ અન્ય સાથી ડોક્ટરોએ પણ ડો. જીવ્સને બિરદાવ્યા હતા. નજીકની સેન્ટ થોમસ હોસ્પિટલના ડોક્ટર્સ હુમલામાં ઈજાગ્રસ્તોની સારવાર માટે દોડી આવ્યા હતા.


