લંડનઃ ઈલ્ફર્ડમાં ૨૦૧૬ના ડિસેમ્બરમાં રાત્રે ચોરી કરવા દરમિયાન ૬૯ વર્ષની મહિલા પર એસિડ છાંટનારા ચોર જેરાર્ડ વ્હેલાનને વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટે ૧૮ વર્ષની જેલની સજા ફરમાવી છે. વ્હેલાને ૧૨ અને ૧૩ ડિસેમ્બરે શ્રેણીબદ્ધ ગુનાઓ આચર્યા હતા અને લોકો પર એસિડ ફેંકવા ઉપરાંત, સ્ક્રુ ડ્રાઈવરથી ઈજા પણ પહોંચાડી હતી.
કોર્ટે સોમવાર ૨૫ સપ્ટેમ્બરે સજા ફરમાવી હતી. વ્હેલાને આ જ કોર્ટ સમક્ષ ૧૪ જુલાઈએ ગંભીર શારીરિક ઈજાના ઈરાદાની કબૂલાત કરી હતી. તેણે ૧૩ ડિસેમ્બરની રાત્રે મકાનમાં ચોરી કરવા દરમિયાન ૬૯ વર્ષની મહિલા પર સફેદ બોટલમાંથી પ્રવાહી છાંટ્યું હતું. આના પરિણામે, તેના શરીરના હાથ, પગ, ચહેરા અને શરીરના ૨૫ ટકા હિસ્સામાં દાઝવાની ઈજા થઈ હતી અને સ્કીન ગ્રાફ્ટિંગ તથા સર્જરીઓમાંથી પસાર થવું પડ્યું હતું.
તેણે આ મહિના અન્ય દિવસોએ પણ ચોરીઓ કરી હતી તેમજ ૮૯ વર્ષની મહિલાને સ્ક્રુ ડ્રાઈવર બતાવી એસિડ છાંટવાની ધમકી આપી ૧૯૦ પાઉન્ડ પડાવ્યા હતા. આ પછી, તેણે ૬૨ અને ૪૦ વર્ષના પુરુષ, ૩૯ વર્ષની મહિલાને પણ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ૩૮ વર્ષની અન્ય મહિલાની હેન્ડબેગ છીનવવાનો પ્રયાસ કરી તેના પર એસિડ છાંટ્યું હતું. આ મહિલાએ આંખો ગુમાવી હતી.


