ઓડિસ્સી અને રામાયણ મહાકાવ્યો વચ્ચે સમાનતા

મારે પણ કાંઈક કહેવું છે.....

નીતિન મહેતા Wednesday 22nd July 2026 07:10 EDT
 
 

ક્રિસ્ટોફર નોલાનની માસ્ટરપીસ ફિલ્મ ઓડિસ્સી સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે ત્યારે રામાયણ સાથે તેની સમાનતાઓ વિશે પણ ચર્ચા થઈ રહી છે. ગ્રીક કવિ હોમરે ઈસવીસન પૂર્વે બીજી અને આઠમી સદી વચ્ચે લખેલું મહાકાવ્ય ઓડિસ્સી દેશનિકાલ થયેલા રાજકુમારની વાર્તા છે, જે દેશવટાની લાંબી યાત્રામાં અનેક પડકારોનો સામનો કરે છે. આ મહાકાવ્ય લખાયું તે પહેલા અનેક ભાટચારણોના મુખેથી તે કહેવાયું હતું. ભારતીય મહાકાવ્ય રામાયણની માફક જ આ ગ્રીક મહાકાવ્યમાં સારી અને ખરાબ તાકાતો વચ્ચે યુદ્ધની ચમત્કારિક કથાના ઘણા અદ્ભુત પાત્રો છે તેમજ માત્ર ગ્રીક જ નહિ, યુરોપિયન સમાજોમાં પણ તેનો પ્રભાવ જણાય છે.

ઓડિસ્સીમાં ઈથાકાનો ગ્રીક રાજવી ઓડિસિયસ ટ્રોજન યુદ્ધમાં 10 વર્ષ વીતાવ્યા પછી વતન તરફ એક દસકાની લાંબી યાત્રાએ પ્રયાણ કરે છે. પત્ની પેનેલોપ અને પુત્ર ટેલેમાકુસ સાથે મિલન પહેલા આ યાત્રા દરમિયાન, તેણે અનેક અવરોધો, રાક્ષસોનો સામનો કરવો પડે છે. મહાકાવ્ય રામાયણમાં પણ રામને પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યામાંથી દેશનિકાલ થઈ 14 વર્ષનો વનવાસ સહન કરવાનો આવે છે. તેઓ જંગલોમાં વસે છે, રાવણ દ્વારા સીતાનું અપહરણ કરાયા પછી સમુદ્ર પાર કરી રાવણ સાથે યુદ્ધ કરે છે. રામાયણમાં રામ સ્વયંવરમાં ધનુષ તોડી સીતાજીને વરે છે. ઓડિસ્સીમાં પણ પેનેલોપ ધનુષની પણછ- દોરી બાંધે તેની સાથે લગ્ન કરવાની શરત રાખે છે. ભીખારીના વેશમાં રહેલો ઓડિસિયસ ધનુષની પણછ બાંધે છે. રામાયણ અને ઓડિસ્સીમાં ઘણા દૈવી-અલૌકિક બળો અને રાક્ષસો છે. હોમરના બીજાં મહાકાવ્ય ઈલિયડની વાર્તા પણ મહાભારતની કથા સાથે મળતી આવે છે. મહાભારતની જેમજ ઈલિયડમાં બે યુદ્ધરત છાવણીઓ છે અને 14 દિવસનું યુદ્ધ છે. મહાભારતમાં સંજય અંધ રાજા ધૃતરાષ્ટ્રને દૂર ખેલાતાં યુદ્ધની કથા સંભળાવે છે તે જ રીતે ઈલિયડમાં પણ રાજાને યુદ્ધની કથા સંભળાવાય છે.

ગ્રીકો ઈ.પૂ. 200 વર્ષ પહેલાથી વેદિક સંસ્કૃતિની અસરથી પ્રભાવિત હતા. મધ્ય ભારતમાં બેસનગર (હાલ મધ્ય પ્રદેશમાં વિદિશા નગર) ખાતે ભારતસ્થિત ગ્રીક રાજદૂત દ્વારા ઈ.પૂ. 113માં ઉભા કરાયેલા હેલિઓડોરસ સ્તંભનું લખાણ આના પૂરાવા આપે છે. તેમાં હેલિઓડોરસનો ઉલ્લેખ ભગવાન વિષ્ણુના પૂજક અને તક્ષશિલાના નિવાસી તરીકે કરાયો છે. કપાળે વૈષ્ણવ તિલક અને ભારતીય ધોતી પહેરેલા ગ્રીક પુરુષોના પૂતળાં પણ છે. ગ્રીકો યવન તરીકે પણ ઓળખાતા હતા અને મહાભારતમાં પણ તેમનો ઉલ્લેખ છે. દંતકથારુપ હરક્યુલસની વાર્તા પણ કૃષ્ણ અને બલરામની વાર્તાઓ સાથે સામ્ય ધરાવે છે. બાળ હરક્યુલસે અનેક રાક્ષસોને મારી નાખ્યા હતા, જેમાં તેને સ્તનપાન કરાવવા આવેલા રાક્ષસનો પણ સમાવેશ થતો હતો. આ બાળ કૃષ્ણ દ્વારા પૂતના રાક્ષસીના વધ જેવી જ વાત છે.

પ્લેટો (428-347 BCE)નું પુસ્તક ફેડ્રસ (Phaedrus) પણ ભગવદ્ ગીતાના વિષયોને અનુસરે છે. આત્મા, શરીરમાંથી તેનું ઉર્ધ્વગમનની વાત પણ પ્લેટો કરે છે. કથા ઉપનિષદમાં શરીરને રથનું રૂપક અપાયું છે તેનો ઉપયોગ પણ પ્લેટોએ કર્યો છે. પ્લુટાર્ક, એરિસ્ટોટલ, પ્લેટો, પાયથાગોરસ અને સોક્રેટિસ સહિત તમામ ગ્રીક ફીલોસોફર્સ ચૂસ્તપણે શાકાહારી હતા. તેઓ અવિનાશી આત્મા, પુનર્જન્મ અને ઈન્દ્રિયગમ્ય બાહ્ય વિશ્વ આખરે તો ભ્રમ હોવાના મૂળભૂત હિન્દુ વિચારોમાં પણ માનતા હતા. પ્લેટોએ તેના પુસ્તક ‘રિપબ્લિક’માં હિન્દુ વર્ણાશ્રમની માફક આદર્શ સમાજને ચાર સમૂહમાં વિભાજિત કરવાની તરફેણ કરી છે.

ગ્રીસ બૌદ્ધવાદનું પણ કેન્દ્ર બન્યું હતું. ગ્રેકો-બુદ્ધિસ્ટ બૌદ્ધ અને હેલેનિક સંસ્કૃતિનું મિશ્રણ હતું. ક્રિશ્ચિયાનિટીના આગમન સાથે ગ્રીસ વીરાસત અને તેની સંસ્કૃતિનો અંત આવ્યો હતો. ઈસુની ચોથી અને છઠ્ઠી સદીઓ વચ્ચે બૌદ્ધ પ્રતિમાઓનો પણ ઝનૂનપૂર્વક નાશ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter