લંડનઃ નાગરિકતા માત્ર અધિકારની બાબત નથી, તેમાં વિશેષ ફરજો પણ બજાવવાની આવે છે. ક્રોયડન કાઉન્સિલ અને ઓપરેશન બ્લેક વોટ (OBV) દ્વારા ક્રોયડન સિવિલ લીડરશિપ પ્રોગ્રામ યોજના જાહેર કરવામાં આવી છે, જે અન્વયે કોમ્યુનિટીની સેવા કરવા સ્કૂલ ગવર્નર, કાઉન્સિલર, મેજિસ્ટ્રેટ અથવા સ્થાનિક NHS બોર્ડ મેમ્બર બની શકાય છે. આ માટે અરજીઓ પણ મંગાવાઈ છે. લોકલાગણીને માન આપી અરજીની તારીખ ગુરુવાર ૨૬ ઓક્ટોબરના સાંજના ૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવી છે.
જો તમે ક્રોયડનમાં રહેતા હો અને આવા સ્થાનિક મહત્ત્વના સ્થાને પહોંચવા ઈચ્છતા હો અથવા આ માટે ઈચ્છા રાખતી અને મહાન નેતા બનવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિને જાણતા હો તો ઓપરેશન બ્લેક વોટ ક્રોયડન કાઉન્સિલ દ્વારા સિવિલ લીડરશિપ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સ્કૂલ ગવર્નર, મેજિસ્ટ્રેટ, બોર્ડ ઓફ ક્રોયડન હેલ્થ સર્વિસીસ NHS ટ્રસ્ટ કાઉન્સિલર, સેફર નેબરહૂડ પેનલ, ચેરિટી અથવા NGO બોર્ડ ટ્રસ્ટી બનવાની તાલીમ હાંસલ કરી શકાય છે.
અશ્વેત અને વંશીય લઘુમતી કોમ્યુનિટીઓના લોકો નાગરિક અને રાજકીય નેતાગીરીમાં વધુ પ્રમાણમાં સામેલ થાય તેને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે વધુ માહિતી www.obv.org.uk વેબસાઈટ પરથી મેળવી શકાશે. અશ્વેત અથવા વંશીય લઘુમતી પશ્ચાદભૂ, ૧૮ વર્ષથી વધુ વય અને ક્રોયડનના ભાવિ નેતા બનવાની તકમાં રસ ધરાવતી વ્યક્તિ OBVને 0208 983 5430 પર કોલ કરી શકે છે અથવા [email protected]ને ઈમેઈલ કરી શકે છે.

