ઓશવાળ હેલ્થ કેર અને અવેરનેસ ફેરને મળેલ અદ્ભૂત સફળતા

-જ્યોત્સના શાહ Wednesday 19th June 2019 06:23 EDT
 
 

રવિવાર ૨ જૂન ૨૦૧૯ના રોજ વહેલી સવારથી ઓશવાળ સેન્ટર, પોટર્સબાર ખાતે ચહલ-પહલ મચી ગઇ હતી. સમાજમાં આરોગ્ય વિષયક જાગ્રતતા લાવવા યોજાયેલ આ મેળામાં નાના-મોટા સૌ કોઇ માટે અલગ-અલગ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. વાર્તાલાપો, નિદાન-તપાસ, પ્રાથમિક સારવાર અને હોલીસ્ટીક વર્કશોપ્સ, કુકરી ડેમોન્સ્ટ્રેશન્સ, માર્કેટ પ્લેસ અને ફુડ કોર્ટ વગેરેનો સમાવેશ કરાયો હોવાથી હાજર સૌ કોઇએ પોતપોતાની રૂચિ અનુસાર એમાં ભાગ લીધો હતો.

૨૦૦ મેડીકલ પ્રોફેશનલ્સ સહિત ૫૦૦ સ્વયંસેવકોએ પોતાનું અમૂલ્ય અનુદાન સમાજના હિતાર્થે આપ્યું હતું.

સદ્નસીબે સૂર્યદેવની પણ કૃપા હતી. ૨૮૦૦ જેટલી વિશાળ હાજરી અને પ્રોફેશનલ્સ કક્ષાના વહિવટે એને અદ્ભૂત સફળતા સાંપડી હતી. ઉપસ્થિત સૌ કોઇએ પ્રશંસાના પુષ્પો વેર્યા હતા.

આ પ્રસંગે એમ.પી. રિચાર્ડ હેરીંગ્ટન, લોર્ડ ડોલર પોપટ, હેરોના મેયર કાઉન્સિલર નીતિન પારેખ, સ્પોન્સર્સ ( સિગ્મા ફાર્માસ્યુટીકલ્સના શ્રી ભરતભાઇ, મનીષભાઇ અને કમલભાઇ, એપ્રીરોસ રીયલ પ્રોપર્ટી ઇનવેસ્ટમેન્ટ અને મોટર પાર્ટ્સ ડાયરેક્ટ), ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના તંત્રી/ પ્રકાશક સી.બી. પટેલ, કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબેન શાહ, માર્કેટીંગ મેનેજર સુરેન્દ્રભાઇ પટેલ વગેરેની હાજરી ધ્યાનાકર્ષક રહી. પરંપરાગત દીપ પ્રાગટ્ય બાદ મેળો ખુલ્લો મૂકાયો હતો.

૧૨૦૦થી વધુ લોકોએ પ્રાથમિક નિદાન, ઓરલ અને આઇ ચેક્સ, ફિઝીયોથેરાપી, ચીરોપ્રેક્ટર તપાસ અથવા વૈકલ્પિક થેરાપીનો લાભ લીધો હતો. બે ઓડીટોરીયમમાં ૧૪ વાર્તાલાપો જે તે ક્ષેત્રના નિષ્ણાત અને ઉચ્ચ શ્રેણીના કન્સ્લટન્ટોએ સેવા સાદર કરી હતી.

કુકરી ડેમોસ્ટ્રેશન્સ માટે નૂન પ્રોડક્ટસના શેફ બી.એસ.રાવ, કાજલ મહેતા, શેફ વસીમ ખાન, લવનબેન શાહ વગેરેએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આયોજકોની છ મહિનાના અથાક પરિશ્રમનું આ મીઠું ફળ હતું. આયોજક ટીમના સર્વશ્રી હીતેશ શાહ, અરવિંદ શાહ, રૂમિત શાહ, નિર્મલ શાહ, મીના શાહ, મુકેશ શાહ, અશ્વિન શાહ, નીલેશ શાહ, નીના શાહ અને કુંજલ શાહને અભિનંદન આપવા ઘટે.

આ પ્રસંગે ૧૪૦ પાનાનું દળદાર બ્રોશર પ્રકાશિત કરાયું હતું જેમાં આરોગ્યને લગતા માહિતિપ્રદ લેખો અને થેરાપીની વિગતોનો સમાવેશ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter