નૈરોબીઃ કેન્યામાં નૈરોબી પાસેના માચા-કોસ વિસ્તારના એકદમ પછાત વિસ્તારમાં શ્રીકચ્છી લેવા પટેલ સમાજ - સામત્રા હિન્દુ કોમ્યુનિટી દ્વારા આઠ વિશાળ ક્લાસરૂમ અને દસ ટોઈલેટની સુવિધાવાળી શાનદાર શાળાનું નવનિર્માણ થયું છે. તાજેતરમાં આ શાળાનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP)ના અધ્યક્ષ પ.પૂ. સ્વામી માધવપ્રિયદાસજીના શુભ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કે. સોલ્ટવાળા કાનજીભાઈ વરસાણી તથા સામત્રા ગ્રુપના સભ્યો ઉપરાંત આ વિસ્તારના એમ.પી. વગેરે અગ્રણી રાજકીય આગેવાનો, ખ્રિસ્તી ધર્મગુરુ, શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સ્વામીશ્રી તથા સાથે પધારેલા અગ્રણી દાતાશ્રીઓએ અહીંની જૂની શાળાનું નિરીક્ષણ કર્યું. અને શાળાની હાલત ભારે દયનીય હાલત જોઇને ચોંકી ગયા હતા.
બે-ત્રણ ક્લાસરૂમ માત્ર પાતળી લાકડીઓના ખપાટિયા અને માટીની બનેલી હતી. આ શાળામાં બારી-બારણાંની જરૂર જ નહોતી, કારણ કે માટીની દીવાલમાં ઠેર ઠેર બાકોરા પડેલા હતા! સિમેન્ટની ખાલી થેલીઓનો ઉપયોગ બ્લેકબોર્ડ, એબીસીડી તથા ગણિતના સૂત્રો લખવા માટે થયો હતો! જ્યાં બેસવાની બેંચોની પણ વ્યવસ્થા ન હોય, ત્યાં કોમ્પ્યુટરની તો વાત જ ક્યાં કરવી? આપણા ગુજરાતના ગરીબમાં ગરીબ વિસ્તારમાં પણ આવી બિસ્માર હાલતની શાળાઓ નહીં હોય. આ એક ગામની વાત નથી, કેન્યામાં આવા તો સેંકડો ગરીબ ગામડાંઓ છે, જ્યાંની શાળાઓની હાલત લગભગ એકસરખી જ છે.
વરસાણી પરિવારનો પ્રશંસનીય સંકલ્પકચ્છ-સામત્રા હિન્દુ કોમ્યુનિટીએ કેન્યાના આવા અંતરિયાળ વિસ્તારના ગરીબ ગામડાંઓમાં 50 સ્કૂલો બાંધવાનો અભિનંદનીય સંકલ્પ કર્યો છે. કે. સોલ્ટવાળા કે. વરસાણી અને એમના ધર્મપત્ની ધનબાઈના પરિવારે 50 માંથી 10 શાળાઓ સ્પોન્સર કરી છે. 50 માંથી 29 શાળાઓનું બાંધકામ થઈ ચૂક્યું છે. સર્વપ્રથમ અંતરિયાળ વિસ્તારના આવા ગામડાંઓને પસંદ કરવામાં આવે છે અને પછી ત્યાં શાળાઓનું નિર્માણ થાય છે. જ્યાં પાણી વગેરેની કોઈ સગવડતા ન હોય એવા ગામડાંઓમાં આવું ભગીરથ કાર્ય સરળ નથી હોતું.
પરસ્પરના સહયોગથી ભંડોળ એકત્ર કર્યુંકચ્છ-સામત્રા મિત્રમંડળના કે. વરસાણી, દેવશીભાઈ વિશ્રામ વરસાણી, દિનેશભાઈ ધનજી વરસાણી, મનજીભાઈ હરજી વરસાણી, મેઘજીભાઈ વેલજી વરસાણી, મેઘજી કરસન વરસાણી, ભીમજી ગોપાલ વરસાણી, લાલજી કરસન વરસાણી વગેરેએ પરસ્પર સાથે મળી, ફંડ ભેગું કરી આ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે.
અંતરમાં આનંદ થાય તેવું કાર્યઃ સ્વામીશ્રી
સ્વામીશ્રીએ મંગલ ઉદ્બોધન કરતાં સર્વે દાતાઓને બિરદાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘આપ સર્વે આપની ધર્મભૂમિ ભારતને તો ભૂલતાં જ નથી, સાથે સાથે કર્મભૂમિ કેન્યામાં પણ આટલી સેવા કરો છો, એ જોઈને અમારા અંતરમાં આનંદ થાય છે. જૂની શાળા પણ અમે જોઈ અને નવી આઠ રૂમની શાળા પણ આપણે જોઈ રહ્યા છીએ. જૂની શાળાની દૃષ્ટિએ આ નવી શાળા ધરતી ઉપરના સ્વર્ગ જેવી લાગે છે!’તેમણે કહ્યું હતું કે ‘અહીં આ વિસ્તારના ખ્રિસ્તી ધર્મના મુખ્ય ધર્મગુરુ બેઠા છે. હિન્દુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મ બન્ને સેવાપ્રધાન ધર્મો છે. હિન્દુ કોમ્યુનિટી અહીં જે સેવા કરી રહી છે, એ કોઈપણ જાતના સ્વાર્થ વગર કરી રહી છે. હિન્દુ ધર્મના મહાન ધર્મગુરુઓએ ન માત્ર માનવ પરંતુ પ્રાણીમાત્રની સેવા કરવાનું શીખવ્યું છે. ખરેખર સામત્રા ગ્રૂપ વિદેશની ધરતી ઉપર સમગ્ર હિન્દુ ધર્મનું ગૌરવ વધે એવું કાર્ય કરી રહી છે. સામત્રા ગ્રૂપના સર્વે નાના-મોટા સભ્યોને અમે હૃદયથી અભિનંદીએ છીએ.’
આ વિસ્તારના ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પાસ્ટર, સ્થાનિક સાંસદ તથા શાળાના પ્રિન્સીપાલે હિન્દુ કોમ્યુનિટી દ્વારા થઈ રહેલી આ સેવાને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો.
29 મી શાળાના લોકાર્પણ સમારોહના આરંભે ધ્વજવંદન તથા ભારત તેમજ કેન્યાના રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. સ્વામી માધવપ્રિયદાસજી વગેરે સંતોએ વૈદિક મંત્રોનું ગાન કર્યું હતું. સ્વામીશ્રીએ અંગ્રેજીમાં આ મંત્રોનો અર્થ સમજાવ્યો હતો.