કરમસદમાં રૂ. 7.5 કરોડના ખર્ચે સાકાર થયેલા વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું લોકાર્પણ

કેન્યામાં જન્મ્યા છતાં માતૃભૂમિનું ઋણ ચૂકવતી બંધુબેલડી ભીખુભાઇ અને વિજયભાઇ પટેલ

Wednesday 14th January 2026 10:29 EST
 
 

કરમસદઃ ભાઈકાકા યુનિવર્સિટી ખાતે 7 જાન્યુઆરીના રોજ વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સિસનું ઉદ્ઘાટન વેમેઈડ ગ્રૂપ અને શાંતા ફાઉન્ડેશન-યુકેના સ્થાપકો ડો. ભીખુભાઈ સી. પટેલ અને ડો. વિજયકુમાર સી. પટેલ-ઓબીઇના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે તેમનો પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આણંદ જિલ્લા ભાજપના પ્રેસિડન્ટ શ્રી સંજયભાઈ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે અનુપમ મિશન મોગરીના ગુરૂહરિ પ.પૂ. સંત ભગવંત સાહેબદાદા હાજર રહ્યા હતા. વેમેઈડ ઈન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ સાયન્સિસનું ખાતમૂહૂર્ત ગત વર્ષે જાન્યુઆરીમાં ચરોતર પ્રાંતમાં તાલીમ પામેલ નર્સિંસની અછતને દૂર કરવાના હેતુથી કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન તારક પટેલ, ચેરમેન એમેરિટસ અતુલ પટેલ, સેક્રેટરી અમિત પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડો. ગૌરી ત્રિવેદી, પ્રોવોસ્ટ ડો. અભય ધરમસી, બોર્ડ મેમ્બર્સ, ગવર્નિંગ બોડીના સભ્યો, યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ, ફેકલ્ટી, સ્ટાફ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં ભાઈકાકા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. જ્યોતિ તિવારીએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યુ હતું અને વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવાના હેતુ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ડો. ભીખુભાઈ પટેલ અને ડો. વિજયભાઈ પટેલને સ્મૃતિ ચિહ્ન આપી બહુમાન કર્યું હતું.

કાર્યક્રમને સંબોધતા અતુલભાઇ પટેલે જણાવ્યુ હતું કે, વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસનું બાંધકામ ડો. ભીખુભાઈ સી. પટેલ અને ડો. વિજયકુમાર સી. પટેલ-ઓબીઇના માતબર દાન રૂ. 7.5 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું છે જે માટે સંસ્થા તેમની આભારી છે. વિદ્યાર્થીઓનો નર્સિંગમાં એડમિશન લેવા માટેનો ધસારો હોવાથી નર્સિંગ કોલેજનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેના કારણે વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય. હાલમાં નર્સિંગ કોલેજમાં જુદા જુદા પ્રોગ્રામ એમ.એસ.સી., બી.એસ.સી. અને ડિપ્લોમા નર્સિંગમાં 265 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિસ્તરણને કારણે 310 વધુ વિદ્યાર્થીઓનો જુદા જુદા પ્રોગ્રામમાં સમાવેશ કરવામાં આવશે જેને કારણે કુલ નર્સિંગના વિદ્યાર્થીઓની સંખ્યા 575 થશે.
ચારુતર આરોગ્ય મંડળ 5 દાયકાથી વધુ વર્ષનો નર્સિંગ એજ્યુકેશનનો અનુભવ ધરાવે છે. આ નવું બાંધકામ 25,000 સ્કવેર ફુટમાં ફેલાયેલું છે અને તેમાં આધુનિક વ્યવસ્થાઓ જેવી કે, અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ચાર સ્માર્ટ લેક્ચર હોલ, સ્પેશ્યલાઈઝ્ડ લેબોરેટરી, નર્સિંગ ફાઉન્ડેશન અને એડવાન્સ સ્કિલ લેબ, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ લેબ, ડિપાર્ટમેન્ટલ લાઈબ્રેરી, મલ્ટીપર્પઝ હોલ અને ફેકલ્ટી ઓફિસનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, શાંતા ફાઉન્ડેશન-યુકે દ્વારા વર્ષ 2019માં વેમેઈડ ક્રિટિકલ કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી જે ગુજરાતની સૌથી વધુ આઈસીયુ પથારી ધરાવતું સેન્ટર છે. આ સેન્ટર ખાતે કોવિડકાળ દરમિયાન આણંદ જિલ્લાની કોવિડની સારવાર આપતાં સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી હતી જેના હેઠળ બે વર્ષના ગાળામાં 10,000 થી વધુ કોવિડના દર્દીઓનો સારવાર અપાઇ હતી.
અતુલભાઇએ જણાવ્યું કે, પૂનાની બજાજ હોલ્ડીંગ લિમિટેડ દ્વારા નર્સિંગ, ફીઝિયોથેરાપી અને એલાઈડ હેલ્થ સાયન્સમાં ભણતા ભાઈકાકા યુનિવર્સિટીના 180 જરૂરિયાતમંદ અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પૂરી પાડવામાં આવશે.
કાર્યક્રમને સંબોધતા દાતા ડો. ભીખુભાઈએ જણાવ્યું હતું કે, શ્રીકૃષ્ણ હોસ્પિટલ અને ભાઈકાકા યુનિવર્સિટી ખાતે વેમેઈડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસની સ્થાપના એક સિમાચિહ્નરૂપ છે. આ સંસ્થા દર્દીઓને કરુણાભાવથી સેવા પ્રદાન કરે છે. અને તેના સંચાલનમાં ખૂબ જ પારદર્શકતા છે જેના કારણે સંસ્થાને ‘ઈકોનોમિક ટાઈમ્સ’ દ્વારા કોવિડમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ તરીકેના એવોર્ડથી નવાજવામાં આવી હતી.
ડો. વિજયભાઈએ જણાવ્યું કે, શાંતા ફાઉન્ડેશન ભારત, આફ્રિકા અને યુકેમાં આરોગ્ય, શિક્ષણ અને મેડિકલ રિસર્ચ ક્ષેત્રે કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાણ ધરાવે છે અને તેમનાં માતુશ્રી શાંતાબેનની દોરવણી હેઠળ જરૂરિયાતમંદને ફાયદો થાય તે હેતુથી દાન કરવામાં આવે છે.
સંજયભાઈ પટેલે જણાવ્યું કે, વિદ્યાનગરને વિદ્યાનગરી બનાવવા માટે સરદાર પટેલ, ભાઈકાકા, ભીખાભાઈ પટેલ અને એચ.એમ. પટેલનો મહત્વનો ફાળો છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ દેશભરની મેડિકલ કોલેજોમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને શ્રીકૃષ્ણ હોસ્પિટલ તેના સ્થાપક અધ્યક્ષના મૂલ્યોને અનુસરીને સારવાર અર્થે આવનાર દરેક દર્દીને ઉચ્ચતમ સારવાર એકસમાન ધોરણે પૂરી પાડે છે તથા આયુષ્માન યોજના હેઠળ પણ દર્દીઓને લાભ આપવામાં આવે છે.

ગુરુહરિ સંત પ.પૂ. ભગવંત સાહેબદાદાએ સંસ્થાના આગેવાનો અને સંસ્થાના ઉત્તમ કાર્યો માટે આશીર્વાદ પ્રદાન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter