પ્રોપર્ટી લે-વેચ તેમજ ફાઇનાન્સ ક્ષેત્રે કાર્યરત હેરોની સુવિખ્યાત ‘મેજર એસ્ટેટ’ એજન્સીના શ્રી દિનેશભાઇ સોનછત્રાના ૨૨ વર્ષના સુપુત્ર ચિ. નીલના હૃદયમાં પણ કોરોના મહામારીના સંઘર્ષમાં ઝઝૂમી રહેલાઓની મદદ માટે કરુણા જાગી.
નીલે પોતાની મિત્ર શિવાની પટેલને કિંગ્સ કોલેજ હોસ્પિટલ માટે ફુડની જરૂરિયાતમાં ફાળો નોંધાવ્યો ત્યારથી એને પણ થયું કે મારે NHS સ્ટાફ માટે કંઇક કરવું જોઇએ.
નીલે ફંડફાળાની શરૂઆત પોતાની મેજર એસ્ટેટ ઓફિસમાંથી કરી ૧૦૦૦ પાઉન્ડ એકત્ર કર્યા. તેના આ કાર્યમાં ઓફિસનો વધુ સહયોગ સાંપડ્યો અને અન્ય ઉદારમના દાતાઓએ પણ પોતાનો ફાળો આપ્યો, જેથી નીલનો ઉત્સાહ વધ્યો.
નીલે NHS સ્ટાફ માટે ૩૦૦૦ PPEના કિટ્સ ખરીદ્યા. જે NHS ટ્રસ્ટની નોર્થવીક પાર્ક હોસ્પિટલ, રોયલ બ્રોમ્પટન, લૂટન, સેન્ટ માર્કસ હોસ્પિટલ, શેફર્ડ બુશ મેડિકલ સેન્ટર, બ્રીજ વોટર સર્જરી અને અન્ય અનેક હોસ્પિટલોમાં એ સાધનોનું વિતરણ કરશે.
એ ઉપરાંત પીઝા હટ પાસેથી દાન મેળવી પીઝા, પાણીની બોટલ, સ્નેક્સ, કોફી, ટી વગેરેનું પણ હોસ્પિટલોમાં વિતરણ કર્યું.
સ્લાવ મંદિરના સહયોગથી ત્યાં ભોજન બનાવડાવી નિઃસહાય અને જરૂરતમંદ હોસ્પિટલના સ્ટાફને ભોજન પહોંચાડ્યું.
નીલે ‘ગુજરાત સમાચાર’ને જણાવ્યું કે ‘મારા ઘૂંટણમાં ઇજા થઇ હોવાથી આ કાર્યમાં મને તકલીફ પડી. જોકે મારા મમ્મી મને ડ્રાઇવ કરીને બધી હોસ્પિલોમાં જવામાં ખૂબ મદદરૂપ થયા. એમનો હું આભારી છું. દિવસના અંતે સારું કાર્ય કર્યાનો સંતોષ મનને આનંદ આપે છે.’