ક્વિનના પ્રથમ કાઉન્સેલ બેરિસ્ટર સિબ્ઘાતુલ્લાહ કાદરીનું નિધન

Tuesday 30th November 2021 15:51 EST
 
 

બ્રિટનના ક્વિનના સર્વ પ્રથમ કાઉન્સેલ બેરિસ્ટર સિબ્ઘાતુલ્લાહ કાદરીનું ૨ નવેમ્બર, ૨૦૨૧ના રોજ ૮૪ વર્ષની વયે નિધન થયું હતું. ઉંમર સંબંધિત બીમારી ઉપરાંત તેઓ કેન્સર, ફેફ્સા અને હૃદયરોગથી પીડાતા હતા. તઓ બ્રિટનની પ્રથમ મલ્ટિરેસિયલ ચેમ્બર્સના સ્થાપક હતા અને પાછળથી તેમની ઈનર ટેમ્પલના બેન્ચર તરીકે નિમણુંક થઈ હતી. તેઓ હાલ સોસાયટી ઓફ બ્લેક લોયર્સ તરીકે જાણીતી સોસાયટી ઓફ આફ્રો - એશિયન એન્ડ કેરેબિયન લોયર્સના સહ – સ્થાપક પણ હતા.

સિબ્ઘાતુલ્લાહ કાદરીનો જન્મ ૨૩ એપ્રિલ, ૧૯૩૭ના રોજ ભારતના ઉત્તર પ્રદેશના બદાઉં શહેરમાં થયો હતો. ભારતના વિભાજનના બે વર્ષ પછી ૧૯૪૯માં સલામત જીવન માટે તેમના પરિવારે પાકિસ્તાનના કરાંચી ખાતે સ્થળાંતર કર્યું હતું. પરંતુ, સિબ્ઘાતુલ્લાહ કાદરીને તેમના માતા- પિતા અને સાત ભાઈ-બહેનો સાથે ત્યાં કેટલીક તકલીફો વેઠવી પડી હતી અને એક જ રૂમમાં રહેવાની ફરજ પડી હતી.

તેઓ કેમીસ્ટ્રી અને મેથેમેટિક્સના અભ્યાસ માટે ૧૯૫૬માં કરાંચી યુનિવર્સિટીમાં દાખલ થયા હતા. પાછળથી તેઓ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા હતા અને સ્ટુડન્ટ્સ યુનિયનના હેડ તરીકે પણ ચૂંટાયા હતા. તે સમય દરમિયાન તત્કાલીન પ્રમુખ અયુબ ખાનના માર્શલ લોનો વિરોધ કરવા બદલ તેમણે સાત મહિનાનો જેલવાસ પણ ભોગવ્યો હતો. આ બનાવ પછી તેમને તેમના અભ્યાસનું છેલ્લું વર્ષ પૂરું કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો.

તેમની બહેન પણ ઈંગ્લેન્ડમાં હતી અને ૧૯૬૦માં આગની ઘટનામાં મૃત્યુ પામી હતી. હોસ્પિટલમાં તેમને મળવા માટે કાદરી પરિવાર ઈંગ્લેન્ડ આવ્યો હતો અને તેમના મૃત્યુ પછી તેઓ યુકેમાં સ્થાયી થયા હતા.

કાદરી પાસે એન્ટ્રન્સ ક્વોલિફિકેશન ન હતું તે છતાં ૧૯૬૧માં તેમને ઈનર ટેમ્પલમાં એડમિશન અપાયું હતું. વકીલાતના અભ્યાસ દરમિયાન તેમણે પોસ્ટમેન અને ક્લાર્ક તરીકે તેમજ ભારતીય રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કર્યું હતું. BBC ઉર્દૂ સર્વિસમાં તેમણે ન્યૂઝરીડર તરીકે પણ કામ કર્યું હતું. ૧૯૬૮માં લોના ફાઈનલ સ્ટડીઝ દરમિયાન તેમણે બાર રિફોર્મ કમિટીની રચનામાં મદદ કરી હતી. યુકેમાં વંશીય ભેદભાવ ખૂબ વધેલો હતો તે સમયે તેમણે બાર એક્ઝામ પાસ કરી હતી.

ટેનન્સી મેળવવા વર્ષોના સંઘર્ષ પછી તેમણે ૧૯૭૩માં પોતાની ચેમ્બર્સની સ્થાપના કરી હતી. બ્રિટનમાં તે વખતે વંશીય લઘુમતીના માત્ર દસ બેરિસ્ટરો પ્રેક્ટિસ કરતા હતા અને તે વખતે તેમાંથી ક્વિનના કાઉન્સેલ કોઈ પણ ન હતા. તેઓ પાકિસ્તાનમાંલોયર્સ કમિટી ફોર હ્યુમન રાઈટ્સના ચેરમેન પણ હતા. તેઓ નીડર કેમ્પેનર હતા અને વંશીય ભેદભાવ, અન્યાય અને અસમાનતા સામે મોખરે રહીને અવાજ ઉઠાવતા હતા. તેમણે પછાત વર્ગના સેંકડો વકીલોને તાલીમ આપી હતી અને બ્રિટનમાં વંશીય લઘુમતીના અધિકારો માટે ખૂબ યોગદાન આપ્યું હતું. તેઓ તેમની પાછળ તેમના પત્ની કેરીટા કાદરી, પુત્ર સદાકત કાદરી, પુત્રી મારિયા કાદરી અને બે ગ્રાન્ડચીલ્ડ્રનને છોડી ગયા છે. ABPL Group - ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter