લંડનઃ માન્ચેસ્ટર અરેના બોમ્બ વિસ્ફોટના પીડિતોની સારવાર કરનારા ૫૮ વર્ષીય ઈમામ અને મુસ્લિમ સર્જન નાસિર કુર્દીએ મસ્જિદ બહાર તેમના ગળા પર છૂરાથી હુમલો કરનાર વ્યક્તિને માફ કરીને ઉદારતા, પરિપક્વતા અને દૂરંદેશીનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. હુમલાને લીધે તેમના ગળા પર ૩ સેન્ટીમીટર ઉંડો ઘા પડી ગયો હતો.
ટ્રેફોર્ડના હેલમાં રહેતા ત્રણ સંતાનોના પિતા અને કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન નાસિરે જણાવ્યું હતું કે ખુદાએ તેમના પર રહેમ કરી હતી. તેમણે ઉમેર્યું, 'મને તેના પ્રત્યે લેશમાત્ર રોષ કે ઘૃણા નથી તે મેં જાહેર કરી દીધું છે, મેં તેને સંપૂર્ણપણે માફ કર્યો છે.'
તેમણે ઉમેર્યું હતું કે અરેના ગ્રેનેડ કોન્સર્ટ બોમ્બિંગમાં ૨૨ લોકો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા તેવી ઘટનાઓ પછી મુસ્લિમો સામેના હેટ ક્રાઈમમાં વધારો થયો છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે વાતાવરણ ખૂબ ભયજનક અને ચિંતાજનક છે.
તાજેતરમાં ચેશાયરના હેલમાં અલ્ટ્રીન્ચમ ઈસ્લામિક સેન્ટર પર થયેલા આ હુમલા અંગે પોલીસ એક ૫૪ વર્ષીય પ્રૌઢ અને ૩૨ વર્ષીય યુવાનની પૂછપરછ કરી રહી છે.
દરમિયાન ઈસ્લામિક સ્ટેટ સામે વિરોધ દર્શાવવા માટે ૧ ઓક્ટોબરે લંડનમાં યોજાનારી રેલીમાં મુસ્લિમો અને અન્ય ધર્મના હજારો લોકો ભેગા થશે.
એક વ્યક્તિ પર છૂરાથી હુમલો થયાના અહેવાલ પછી અલ્ટ્રીન્ચમ અને ગ્રોવ લેનના હેલ મુસ્લિમ એસોસિએશનમાં ઓફિસર્સને બોલાવાયા હતા. ઈમરજન્સી સર્વિસના આગમન પૂર્વે તે પહેલા મસ્જિદની અંદરના વીડિયો ફૂટેજમાં કુર્દી તેમના ઘામાંથી નીકળતા લોહીને રોકવાના પ્રયાસ કરતા દેખાયા હતા. તેમને વીધનશો હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમના સાથી ડોક્ટરો દ્વારા સારવાર બાદ તેમને ઘરે જવા રજા અપાઇ હતી. તેમણે તાત્કાલિક સહાય માટે ઈમરજન્સી સર્વિસનો આભાર માન્યો હતો.
નાસિરે જણાવ્યું હતું, 'આવું આપણી કોમ્યુનિટીમાં પણ બની શકે છે તે આઘાતજનક છે. હું સાંજની ઈબાદત માટે સેન્ટર પર જઈ રહ્યો હતો. આ ખૂબ પીડાજનક હતું. એક સર્જન તરીકે હું કહી શકું કે મારા મહત્વના અંગો પર તેની કોઈ અસર થઈ ન હતી.
તેમણે ઉમેર્યું, 'મેં ગળા પર દબાવ્યું તો થોડું જ લોહી નીકળ્યું હતું. હું ખૂબ નસીબદાર છું. ગળામાં આવેલી નસોથી હાથનું હલનચલન થતું હોય છે. તેમાંની કોઈને હાનિ પહોંચી ન હતી. આ નસો માથા સુધી જતી હોય છે. તે તમામ
સલામત હતી.'
યુકેની નાગરિકતા ધરાવતા નાસિરને સંતાનમાં ૧૩ અને ૨૦ વર્ષના બે પુત્ર તેમજ ૨૨ વર્ષની એક પુત્રી છે. તેઓ અલ્ટ્રીન્ચમ અને હેલ ઈસ્લામિક એસોસિએશનના વાઈસ ચેરમેન છે.


