ગાર્ડન કરવાના બહાને ધોળેદહાડે ચોરી-લૂંટ કરવા આવતા ઠગોથી ચેતજો

કોકિલા પટેલ Wednesday 07th June 2017 07:03 EDT
 

લંડનઃ બ્રિટનમાં આવતા યુરોપિયન ઇમિગ્રંટ્સ ભારતીયો પાસે સોનાનાં ઘરેણાં વધુ હોય છે એનાથી જાણકાર થઇ ગયા છે. સોનું દિનપ્રતિદિન મોંઘુ થતું જાય છે એટલે તસ્કરો એશિયનોના ઘરોને ટારગેટ બનાવી રહ્યા છે. લંડનમાં ધોળે દિવસે બની રહેલા કેટલાક ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં કેટલાક પાર્સલ લઇને તો કેટલાક ગાર્ડન કરવાના બહાને ગુજરાતીઓના બારણાં ખખડાવી એકલતાનો લાભ ઊઠાવતા હોય છે. તમારે ઘરે ડોરબેલ વગાડી આ ગઠિયાઓ સસ્તાદરે ગાર્ડન કરાવવું છે? એવી ઓફર કરી તમને ચોરી-લૂંટ માટે નિશાન બનાવે છે. સોમવારે (૫ જૂને) આવા યુરોપિયન લૂંટારાનો ભોગ બનેલા એક ગુજરાતી વાચક “ગુજરાત સમાચાર" કાર્યાલયમાં આવ્યા હતા અને તેમણે એમની આપવીતી જણાવી આપણા સમાજના ભાઇ-બહેનો અને ખાસ કરીને નિવૃત્ત વડીલોને ચેતતા રહેવા અપીલ કરી હતી.

રોમફર્ડ-એસેક્સના હાઇફિલ્ડ રોડ પર રહેતા આ ૬૫ વર્ષના ગુજરાતી દંપતીને ઘરે ગયા અઠવાડિયે એક યુરોપિયન જેવા દેખાતા શખ્સે "તમારું ગાર્ડન કરવું છે? હું ખૂબ જ સસ્તા દરે તમામ પ્લાન્ટ અને ટ્રી ટ્રીમ કરી, લોન સરખી કાપીને તમારો ગાર્ડન સુંદર બનાવી આપીશ. આ ગુજરાતી વડીલે એમના ઘરની સાઇડમાં રસ્તો (એલી વે) હતો ત્યાંથી પેલા શખ્સને ગાર્ડનમાં લઇ ગયા. એમની સાથે એમનાં ધર્મપત્ની પણ ગાર્ડનમાં ગયાં. એ દરમિયાન તકની રાહ જોઇ રહેલો બીજો એક યુરોપિયન શખ્સ સાઇડમાં કીચનનો દરવાજો ખુલ્લો હતો એમાંથી ઘરમાં ઘૂસ્યો. એ દરમિયાન પહેલાં આવેલા શખ્સે ગાર્ડનમાં આ કરીશ-તેમ કરીશ એવી વાતોમાં બીઝી રાખ્યાં ત્યાં સુધીમાં એના સાગરીતે ઉપરના માળે જઇ £૧૧૦૦૦ કિંમતના સોનાના ઘરેણાં અને એક હજારથી વધુ રોકડ રકમની તફડંચી કરી પલાયન થઇ ગયો.

આ ગુજરાતી વડીલે જણાવ્યું કે, “છ-સાત મિનિટ સુધી અમને બન્ને ને વ્યસ્ત રાખ્યાં ત્યાં સુધીમાં અમારી માલમત્તા લૂંટાઇ ગઇ. આ બન્ને લૂંટારા વચ્ચે ફોન પર ટેક્સ્ટ સાઇન ચાલતી હશે. એ ગાર્ડનર યુરોપિયન ગયો કે તરત જ મારે બહાર જવાનું હોઇ હું દાદર ચઢી ઉપર ગયો ત્યાં બેડરૂમોમાં બધું વેરવિખેર થયેલું જોઇ હું અવાક બની ગયો. આ લૂંટારા સોનાના ઘરેણાં માટે મેટલ ડિટેકટર મશીન લીને આવતા હોય એવું લાગે છે. કબાટમાં સોના સાથે જૂઠ્ઠી જ્વેલરી પણ હતી એ બધી દબાવી દઇ ફલોર પર ફેંકેલી હતી. બેડરૂમમાં એક લોક કરેલી બ્રીફકેસ હતી એ પણ ઉઠાવી ગયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter