અમદાવાદઃ શક્તિ અને ભક્તિની ભૂમિ તરીકે જાણીતા ગુજરાતનાં તીર્થધામોમાં ઘણી વખત દર્શનાર્થીઓના અભદ્ર પરિધાન અંગે વિવાદ સર્જાય છે. આ પ્રકારનાં ટૂંકાં વસ્ત્રોથી ગરિમાનો ભંગ થતો હોવાનું જણાતાં અનેક મોટાં મંદિરોમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શન કરવા જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
તાજેતરમાં દ્વારકા જગતમંદિરમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને જવા પર બંધી લદાયા બાદ હવે ડાકોર મંદિરમાં પણ આવો નિયમ લાગુ કરાયો છે. સામાન્યતઃ દર્શનાર્થીઓ જાતે જ અરુચિકર વસ્ત્રો પહેરીને મંદિરોમાં જવાનું ટાળતા હોય છે, પરંતુ પાશ્ચાત સંસ્કૃતિના કારણે અને ક્યારેક કમ્ફર્ટ કે અન્ય કા૨ણોસ૨ દર્શનાર્થીઓ બરમુડા, શોટર્સ કે એ પ્રકારનાં ટૂંકાં વચ્ચે પહેરી દર્શન કરવા પહોંચી જતા હોવાથી હવે અનેક મંદિરોએ પરિધાન માટે નિયમો લાગુ કર્યા છે.
શક્તિપીઠ પૈકીના એક એવા અને વર્ષે એક કરોડ કરતાં વધુ શ્રદ્ધાળુ જ્યાં દર્શને જાય છે એવા આરાસુરી અંબાજી માતાના મંદિરમાં ટૂંકાં કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ નથી, કે કોઈ ચોક્કસ ડ્રેસકોડ નથી. જો કોઈ ટૂંકાં વસ્ત્ર પહેરી જતું રહે તો આવાં કપડાં પહેરીને દર્શન કરવા ન આવવા વિનંતી કરવામાં આવે છે.
અલગ અલગ મંદિરમાં અલગ અલગ નિયમ
• અંબાજી મંદિરમાં ટૂંકાં વસ્ત્રો પર પ્રતિબંધ નહીં, પરંતુ આવાં વસ્ત્રો ન પહેરવા ભક્તોને વિનંતી કરાય છે.
• પાવાગઢ મંદિરે બરમૂડો કે ટૂંકાં વસ્ત્રો પહેરી દર્શન કરવા જવા પર પ્રતિબંધ. જોકે ગર્ભગૃહમાં પૂજારી કે અન્યએ લાલ અને ભક્તોએ શ્વેત પિતાંબર પહેરવું ફરજિયાત.
• બહુચરાજી મંદિરમાં 12 વર્ષથી વધુ વયના લોકોને ટૂંકાં વસ્ત્રો સાથે પ્રવેશ અપાતો નથી.
• ખોડલધામમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને જવા પર સખત મનાઈ છે.
• ચોટીલા મંદિરે વસ્ત્રો અંગે કોઈ માર્ગદર્શિકા નથી.
• સોમનાથમાં ટૂંકાં વસ્ત્રો પહેરી જવા પર મનાઈ.
• દ્વારકા મંદિરે ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શને જવા પર પ્રતિબંધ.
• ડાકોર મંદિરે ટૂંકાં વસ્ત્રો પહેરીને દર્શને જવા પર પ્રતિબંધ.
• ભવનાથ ટૂંકાં વસ્ત્રો પહેરીને જવાની મનાઈ છે.


