વોશિંગ્ટનઃ ગુજરાતમાં જન્મેલા ભારતીય અમેરિકન પ્રોફેસર કરીમભાઈ એમ. મારડિયાને નોન-ટેકનિકલ ઓડિયન્સીસને કૃષિવિજ્ઞાનની સમજ આપવાના કાર્ય બદલ 2026ના બોર્લોગ CAST કોમ્યુનિકેશન એવોર્ડ જાહેર કરાયો છે. આ વાર્ષિક એવોર્ડ નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા અને હરિયાળી ક્રાંતિના જનક નોર્મન ઈ. બાર્લોગના માનમાં કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચર સાયન્સ એન્ડ ટેકનોલોજી (CAST) દ્વારા અપાય છે. એવોર્ડ સમારંભ 10 ડિસેમ્બરે લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ ખાતે યોજાશે. બોર્લોગે 1970ની 10 ડિસેમ્બરે શાંતિ પારિતોષિક સ્વીકાર્યું હતું.
મૂળ ગુજરાતના મારડિયા મેક્સિકોમાં ઈન્ટરનેશનલ મેઈઝ એન્ડ વ્હીટ ઈમ્પ્રુવમેન્ટ સેન્ટર (CIMMYT)માં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યા પછી 1989માં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં જોડાયા હતા. તેમણે 35 કરતાં વધુ વર્ષના ગાળામાં સંશોધકો, ખેડૂતો અને અન્ય પ્રોફેશનલ્સને કૃષિજ્ઞાન, માહિતી અને ટેકનોલોજીઓ સુલભ બનાવવા માટે સઘન ઈન્ટરનેશનલ સાયન્સ કોમ્યુનિકેશન પ્રોગ્રામ વિકસાવ્યો હતો. વર્લ્ડ નોલેજ એન્ડ ટેકનોલોજી એક્સેસ પ્રોગ્રામ (WorldTAP)ના ડાયરેક્ટર તરીકે મારડિયાએ કૃષિજ્ઞાન, માહિતી અને ટેકનોલોજીઓનું વિશ્લેષણ કરવા 60થી વધુ દેશનો પ્રવાસ ખેડ્યો હતો. તેમના વિદ્વત્તાપૂર્ણ કાર્યોમાં 130 પેપર્સ, પોલિસી બ્રીફ્સ અને પુસ્તકોના પ્રકરણો તેમજ ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, ટેકનોલોજી ટ્રાન્સફર અને એગ્રિકલ્ચર એક્સ્ટેન્શ પર પુસ્તકોના સહસંપાદનનો સમાવેશ થાય છે. તેમણે યુનિવર્સિટી ઓફ આર્કાન્સાસથી પ્લાન્ટ બ્રીડિંગ એન્ડ ઈન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટમાં સ્પેશિલાઈઝેશન સાથે ડોક્ટર ઓફ ફિલોસોફીની ડીગ્રી હાંસલ કરી છે.
તેમના કાર્યને USAID, યુએસ કૃષિવિભાગ, યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન, વર્લ્ડ બેન્ક, રોફેલર ફાઉન્ડેશન, વિનરોક ઈન્ટરનેશનલ અને ગેટ્સ ફાઉન્ડેશન સહિત અનેક સંસ્થાઓનો સપોર્ટ પ્રાપ્ત થયો હતો. CAST CEO ક્રિસ બૂમ્સ્મા, મિશિગન સ્ટેટ યુનિવર્સિટીની કોલેજ ઓફ એગ્રિકલ્ચર એન્ડ નેચરલ રિસોર્સીસના એસોસિયેટ પ્રોવોસ્ટ મૈથ્યુ ડોમે પ્રોફેસર કરીમભાઈ મારડિયાને બિરદાવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય એગ્રિકલ્ચર કોમ્યુનિટીના પ્રતિષ્ઠિત સ્તંભ ગણાવ્યા હતા.
પ્રોફેસર મારડિયાએ એવોર્ડ મળવા સંદર્ભે જણાવ્યું હતું કે એવોર્ડ ખૂબ જ સન્માન અને વિનમ્રતા લાવનારો છે. તેમણે પોતાના કાર્યમાં પાર્ટનરશિપ્સ અને સહકારની ભૂમિકાઓ પર ભાર મૂક્યો હતો. આ સન્માન અન્ન સુરક્ષિત વિશ્વ તરફ સાયન્સ, ટેકનોલોજી અને ઈનોવેશનને આગળ વધારવાની સહભાગી પ્રતિબદ્ધતા તેમજ વિજ્ઞાનને સમાજ સાથે સાંકળવામાં અસરકારક કોમ્યુનિકેશનની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.
પ્રોફેસર મારડિયા 2017થી ઈમર્જિંગ ટેક્નોલોજીસ પરની આફ્રિકન યુનિયન ઉચ્ચસ્તરીય પેનલ પર સેવા આપી રહ્યા છે. તેઓ 2023માં ભારતની નેશનલ એકેડેમી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ (NAAS)ના ફેલો તરીકે ચૂંટાયા હતા અને હાલ તેના ફોરેન સેક્રેટરી તરીકે સેવા આપે છે. તેઓ 2025માં કેન્યાના નાઈરોબીમાં આફ્રિકન એકેડેમી ઓફ સાયન્સીસ (AAS)ના ફેલો તરીકે ચૂંટાયા હતા.


