લંડનઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં છેલ્લાં 40 વર્ષથી જેમના લેખો પ્રકાશિત થતા રહે છે તેવા નીતિનભાઈ મહેતા MBEએ તાજેતરમાં 70મી વર્ષગાંઠ ઉજવી હતી. કેન્યાના કિસુમુમાં 1954ની પહેલી જાન્યુઆરીએ જન્મેલા નીતિનભાઈ પ્રાણીઓના અધિકારો, શાકાહારી અને વેગન લાઈફસ્ટાઈલના ઉત્સાહી હોવાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આજે લાખો લોકો વનસ્પતિજન્ય આહારને અનુસરે છે અને આ ચળવળ વધતી જ રહે છે.
નીતિનભાઈએ 1974થી 1994 સુધી 20 વર્ષ ગુજરાતી ભાષા શીખવી છે. તેમણે પ્રાણીઓને પ્રેમ કરતા અને સંભાળ લેનારા લોકોના સપોર્ટથી 1991માં જૈન એનિમલ સેન્ક્ચુઅરીની સ્થાપના કરી હતી. આજ દિન સુધી યુકે, બારત અને અન્ય દેશોમાં પ્રાણી અભયારણ્યોને 400,000પાઉન્ડથી વધુ રકમની ફાળવણી કરાઈ છે. નીતિનભાઈએ આઠ વર્ષ સુધી ક્રોયડન કોલેજના ગવર્નર તરીકે હોદ્દો સંભાળવા સહિત અનેક નાગરિક સંસ્થાઓમાં સેવા આપી છે. તેઓ કમ્પેશન ઈન વર્લ્ડ ફાર્મિંગના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં અને ક્રોયડનના રમખાણોની તપાસ સમિતિના સભ્યપદે છે.
નીતિનભાઈએ ગુજરાતી ભાષા અને શાકાહારને ઉત્તેજન આપવા બદલ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ તરફથી 2006માં સંસ્કાર ગરિમા એવોર્ડ સહિત ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે. તેઓ રેડલેટમાં હરે કૃષ્ણ મંદિરને બંધ થતું બચાવવા રચાયેલી સર્વપ્રથમ કમિટીમાં સભ્યપદે હતા. તેમણે પાંચ વર્ષ અગાઉ ક્રોયડનમાં BAPS સ્વામિનારાયણ મંદિર માટે જગ્યા શોધવામાં મદદ કરી હતી. આ જ અરસામાં ક્રોટડનમાં કૃષ્ણા અવંતી સ્કૂલની સ્થાપનામાં તેમણે મદદ કરી હતી. તેઓ 39 વર્ષથી મિત્રતાને પ્રોત્સાહન આપવા અને બ્રિટિશ મિત્રોને ભારતીય વેગન ફૂડની વાનગીઓનો આસ્વાદ કરાવવા કોમ્યુનિટી માટે ક્રિસમસ લંચનું આયોજન કરતા રહ્યા છે.
નીતિનભાઈ સફળ લેખક છે અને તેમણે આ નિમ્નલિખિત પુસ્તકો લખ્યા છેઃ
• ફ્યુચર ઈન અવર હેન્ડ્સ • એ રિક્વેસ્ટ ટુ ધ પીપલ ઓફ ઈન્ડિયા ફ્રોમ વેજિટેરીઅન્સ ઓફ ધ વર્લ્ડ • બેનિફિટ્સ ઓફ વેજિટેરીઅનીઝમ ટુ આફ્રિકા • નીતિન્સ કેન્યન ડેઝ • ઈઝી ગુજરાતી • ઈન્ડિયા- એ સિવિલાઈઝેશન ધ વર્લ્ડ ફેઈલ્સ ટુ રેકગ્નાઈઝ • એન્સીએન્ટ ઈન્ડિયાઝ ઈમ્પ્રિન્ટ્સ એન્ડ ઈન્ફ્લુઅન્સીસ ઓન ધ વર્લ્ડ
તેઓ 25 કરતાં વધુ વર્ષથી અહિંસા મેગેઝિનના એડિટર છે. તેમના લેખો નિયમિતપણે ગુજરાત સમાચાર, એશિયન વોઈસ અને અન્ય પ્રકાશનોમાં પ્રસિદ્ધ થતા રહે છે. નીતિનભાઈએ ભારતવિરોધી અને હિન્દુવિરોધી પ્રચારને સતત પડકાર્યા છે. તેમના લેખોનો સંગ્રહ તેમની વેબસાઈટ www.nitinmehta.co.uk પર જોવાં મળી શકે છે. નીતિનભાઈને તેમના પત્ની પ્રતિભાબહેન મહેતાનો અને તેમની દીકરીઓ જ્યોતિ અને જાનકીનો અથાક સપોર્ટ મળતો રહ્યો છે.
નીતિનભાઈ સ્પષ્ટ સંદેશો આપે છે કે આપણે આપણા વારસા અને ધર્મ વિશે ગર્વ અનુભવવો જોઈએ. દરેક વ્યક્તિની બે કારકિર્દી- એક તો જીવનનિર્વાહ માટે અને બીજી સતત સારું કાર્ય કરી શકાય તે માટે હોવી જોઈએ. આના થકી વ્યક્તિને જીવનમાં કશું રચનાત્મક કર્યું હોવાનો અંગત સંતોષ મળી શકે છે.


