લંડનઃ વિશ્વની સૌથી મોટી કાનૂની પેઢીઓ ‘મેજિક સર્કલ’માંની એક ક્લિફોર્ડ ચાન્સ દ્વારા તેની ભારતીય મૂળની ૫૪ વર્ષીય ટેક્સ કન્સલ્ટન્ટ પ્રીતિ ધૂલિયાની ભારે કાર્યબોજ તેમજ વિદેશી (ગુજરાતી) ભાષામાં અંગત ફોન કોલ્સ કરવાના મુદ્દે કનડગત કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. મિસિસ પ્રીતિ ધૂલિયાએ ક્લિફોર્ડ ચાન્સ વિરુદ્ધ વધુપડતા કાર્યબોજ દ્વારા હેરાનગતિ અને ધાકધમકીના આરોપસર નુકસાનીના વળતર પેટે ૧૫૦,૦૦૦ પાઉન્ડનો દાવો માંડ્યો હોવાનું કહેવાય છે. હાઈ કોર્ટમાં દાખલ રીટમાં આક્ષેપ કરાયો છે કે ક્લિફોર્ડ ચાન્સમાં કામગીરી દરમિયાનના અનુભવે તેને ભાંગી નાખી હતી.
વેસ્ટ લંડનના હંસલોની પ્રીતિ ધૂલિયાએ સપ્ટેમ્બર ૧૯૯૫થી સપ્ટેમ્બર ૨૦૧૫ના ગાળામાં ક્લિફોર્ડ ચાન્સમાં કામ કર્યું હતું. તેને આ સમયગાળામાં મેનેજર્સ દ્વારા ભારે કાર્યબોજ અને સાથી કર્મચારીઓ દ્વારા મશ્કરીના પરિણામે, તે એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર, ભારે ડિપ્રેશન અને ચિંતાતુરતાનો ભોગ બની હતી અને એક વર્ષ કામ છોડી દેવાની તેને ફરજ પડી હતી. તેના અંગત ફોન કોલ્સ અંગ્રેજીના બદલે ગુજરાતીમાં થતાં હોવાથી અન્ય કર્મચારીઓની સરખામણીએ તેના પર વધુ નજર રખાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
પ્રીતિના પતિ વીરેન ધૂલિયાએ ટેલિગ્રાફ અખબારને જણાવ્યું હતું કે,‘આ સમયગાળો ખરાબ સ્વપ્ન જેવો હતો. તેઓ તેની પાછળ પડી ગયા હતા. તે પોતાના કાર્ય પ્રતિ સમર્પિત હતી અને ઘણી વખત રાત્રિના બે વાગ્યા સુધી ઘરમાં કામ કરતી હતી. એમ કહેવાય છે કે પ્રીતિના અંગત કોલ્સના મુદ્દે પણ તેની પજવણી કરાતી હતી. તે સાથી કર્મચારીઓની મજાકનું સાધન બની હતી. પ્રીતિ કહે છે કે તેના સાથી કર્મચારીઓની સરખામણીએ તેના અંગત કોલ્સ ઓછાં હતાં પરતુ, તેમના કોલ્સ ઈંગ્લિશમાં થતાં હોવાથી તેમના પર ખાસ ધ્યાન અપાતું ન હતું. સ્ટેશનરી અને આર્ટ્સના સાધનોની શોપ ચલાવતા વીરેન ધૂલિયાએ એવો દાવો કર્યાનું મનાય છે કે, આ મુદ્દો હાસ્યાસ્પદ છે. તેમની પત્ની તેની બીમાર બહેન સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરતી હતી.
મિસિસ ધૂલિયાએ દાવો કર્યો હતો કે તેના ડિપાર્ટમેન્ટ હેડ ફિલિપ કોર્ટની દ્વારા તેને વધુને વધુ કામ સોંપાતું હતું. હાઈ કોર્ટમાં થયેલી રીટ અનુસાર સપ્તાહના ૩૫ કલાકના કામના કોન્ટ્રાક્ટથી વધારે તેમજ ઘરમાં સાંજે અને વીકએન્ડ્સમાં પણ ઓફિસનું કામ કરવાની તેને ફરજ પડાતી હતી. એવો પણ દાવો કરાયો છે કે તેને પાર્ટનર્સના ટેક્સ રિટર્ન્સના અડધોઅડધની પ્રોસેસ સોંપાતી હતી, જ્યારે તેની બે સાથી કર્મચારીને ૩૩ અને ૧૭ ટકા કામ સોંપાતું હતું. આટલી કામગીરી છતાં તેના કામમાં ભારે વિલંબ થતો હોવાની અને કામ યોગ્ય નહિ હોવાની ટીકાઓ મિ. કોર્ટની અને અન્યો દ્વારા થતી હોવાનો આક્ષેપ પણ મૂકાયો છે.
પ્રીતિએ તેની પાસે ભારે કાર્યબોજ હોવાની રજૂઆત કંપનીના હ્યુમન રિસોર્સીસ ડિપાર્ટને કરી હતી પરંતુ, તેને મદદ થાય તેવું કશું જ થયું ન હોવાનો આક્ષેપ પણ કરાયો છે. તેણે એવો આક્ષેપ કર્યાનું કહેવાય છે કે તેની અન્ય સાથી સ્ટ્રેસ અને વધુ પડતા કાર્યબોજથી બીમાર પડી ગયા પછી પણ તેની વધુ કાર્યબોજની ફરિયાદ કાને ધરવામાં આવી ન હતી. પ્રીતિ જુલાઈ ૨૦૧૧માં ‘assertiveness at work’ કોર્સ દરમિયાન ભાંગી પડી હતી. આ સમયે પણ તેને ધાકધમકી અપાતી હોવાની ફરિયાદ કરી હતી, જેના પર ધ્યાન અપાયું ન હોવાનું કહેવાય છે.
ત્રણ વર્ષ બાદ પ્રીતિને કાઢી મૂકાઈ હતી. જોકે, થોડાક દિવસમાં તેની હકાલપટ્ટીને પાછી ખેંચી લેવાઈ હતી. આ પછી, ગંભીર તણાવ, અનિદ્રા, એંગ્ઝાઈટી અને ડિપ્રેશન સાથે પ્રીતિ ધૂલિયાએ સપ્ટેમ્બર ૨૦૧૪માં ક્લિફોર્ડ ચાન્સમાંથી રાજીનામુ આપી દીધું હતું. એક વર્ષ પછી તેણે ૩૦ ટકા ઓછાં પગારે એસ્ટેટ એજન્ટને ત્યાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામગીરી સ્વીકારી હતી.
ગત નાણાકીય વર્ષમાં ક્લિફોર્ડ ચાન્સની રેવન્યુ ૧.૫૪ બિલિયન પાઉન્ડ હતી અને તેના સિનિયર પાર્ટનર્સ વર્ષે એક મિલિયન પાઉન્ડથી વધુ કમાણી કરે છે. ક્લિફોર્ડ ચાન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ કેસમાં દર્શાવેલી ઘટનાઓ સાથે અમે અસંમત છીએ પરંતુ, કાનૂની કાર્યવાહી ચાલુ હોવાથી વધુ ટીપ્પણી કરવી અયોગ્ય લેખાશે.’


