પણજીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગોવાના દક્ષિણ ભાગ કાણકોણમાં પર્તગાલી ખાતે ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રતિમા શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550મી વર્ષગાંઠ નિમિત્તે સ્થાપિત કરવામાં આવી છે. ગોવા સરકારના જણાવ્યા અનુસાર, આ દુનિયાની સૌથી ઊંચી રામ પ્રતિમા છે.
મોદીએ જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ ધામનો પુનર્વિકાસ અને ઉજ્જૈનમાં મહાકાલ મહાલોકનું વિસ્તરણ ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણનું પ્રતિક છે. તેમણે કહ્યું કે આ પુનર્જાગરણ આવનારી પેઢીઓને તેમની મૂળ સાથે જોડાયેલી રહેવાની પ્રેરણા આપશે.
જગદ્ગુરુએ કહ્યું- મોદી રક્ષતિ રક્ષિત
ઉડુપીના શ્રીકૃષ્ણ મઠમાં જગદ્ગુરુ શ્રી સુગુનેન્દ્ર તીર્થ સ્વામીજીએ વડાપ્રધાનની પ્રશંસા કરી હતી. સ્વામીજીએ સંસ્કૃતમાં બોલતા કહ્યું કે અમારા નરેન્દ્ર મોદી મહોદય ભારતના ભાગ્ય વિધાતા છે. (અસ્માકં નરેન્દ્ર મોદી મહાભાગો ભારતસ્ય ભાગ્યવિધાતા, અથીતિ કથનીયં!) તેમણે કહ્યું, મોદી રક્ષા કરે છે, તેથી અમે સુરક્ષિત છીએ. (મોદી રક્ષતિ રક્ષિતઃ). આ નિવેદન તેમણે સભાને સંબોધિત કરતાં આપ્યું તે સાથે જ ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધું હતું. ગોવાના જાહેર બાંધકામ વિભાગના મંત્રી દિગંબર કામતે જણાવ્યું હતું કે સદીઓથી આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સેવા આપતા મઠ સંકુલનું સંપૂર્ણપણે નવીનીકરણ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણ મઠમાં ગીતા પઠન
વડાપ્રધાન મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રીકૃષ્ણ મઠમાં આયોજિત 'લક્ષ કંઠ ગીતા પારાયણ' કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે એક લાખથી વધુ શ્રદ્ધાળુ, વિદ્યાર્થીઓ, સંતો અને વિદ્વાનો સાથે મળીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કર્યું. કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ શહેરમાં રોડ શો પણ કર્યો. મોદીએ શ્રીકૃષ્ણ મંદિર સામે બનેલા સુવર્ણ તીર્થ મંડપનું ઉદ્ઘાટન કર્યું અને કનકન કિંદિ માટે કનક કવચ (સોનાનું આવરણ) સમર્પિત કર્યું. માન્યતા છે કે સંત કનકદાસે આ જ બારીમાંથી ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા.


