દહેરાદૂનઃ આ વર્ષે 19 એપ્રિલના રોજ ચાર ધામ યાત્રા શરૂ થઇ રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (બીકેટીસી)ના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનું કહેવું છે કે યાત્રાની તમામ તૈયારી પૂરી થઈ ચૂકી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંદિરમાં બિનસનાતનીના પ્રવેશ પરના પ્રતિબંધનો કડકપણે અમલ થશે. મોબાઇલથી તસવીરો ખેંચવી કે રીલ બનાવવા સામે પણ પ્રતિબંધ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી કે કોઈક અન્ય ધર્મી વ્યક્તિ સનાતન ધર્મ પ્રતિ આસ્થાવાન હોય તો તેને દર્શન માટે પ્રવેશની મંજૂરી મળશે.
બીકેટીસીના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ કહ્યું કે ચારધામ યાત્રાના શ્રદ્ધાળુઓને દર્શન સુલભ કરવા માટે વીડિયો રીલ બનાવવા પર પ્રતિબંધ લગાવાયો છે. મંદિર સંકુલથી 70 મીટરના અંતરમાં ફોન લઈ જવા સામે પ્રતિબંધ રહેશે. તેમણે કહ્યું કે શ્રદ્ધાળુની સુવિધાને ધ્યાને રાખીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ચારધામ યાત્રા માટે 11,68,644 શ્રદ્ધાળુ નોંધણી કરાવી ચુક્યા છે.
દ્વિવેદીએ એમ પણ કહ્યું હતું કે વિભાગની વેબસાઈટ પરથી ટૂંકમાં પૂજા બુકિંગ શરૂ થશે. શ્રદ્ધાળુ ઘેરબેઠા જ પૂજા વ્યવસ્થા સુનિશ્ચીત કરી શકશે. શ્રદ્ધાળુઓ માટેના વિશ્રામગૃહમાં બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. દર્શન વ્યવસ્થાને સુગમ અને સરળ કરવા પગલાં લેવાઈ રહ્યા છે. યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ 19 એપ્રિલે અક્ષય તૃતીયા પ્રસંગે ખુલશે. કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે સવારે 8 અને બદરીનાથ ધામના કપાટ 23 એપ્રિલે સવારે 6.15ના સુમારે ખુલશે.


