દહેરાદૂનઃ આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં. તેઓ ગર્ભગૃહમાં ગંગાજળ, ફૂલો કે ફળો પણ નહીં ચઢાવી શકે. તેમને ફક્ત દર્શન અને બહાર નીકળવાની મંજૂરી જ મળશે જેથી તે લાંબા સમય સુધી મંદિરમાં રોકાઈ નહીં શકે અને લાઈનમાં રહેલા શ્રદ્ધાળુઓને વધુ રાહ નહીં જોવી પડે. જે દિવસે ભીડ વધુ હશે તે દિવસોમાં આ વ્યવસ્થાનું કડક પાલન કરાશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ કહ્યું હતું કે બપોરે મંદિરમાં વિશેષ પૂજા અને ધાર્મિક વિધિઓ નહીં થાય.
બદ્રીનાથ અને કેદારનાથમાં વીઆઈપી દર્શન વ્યવસ્થામાં પણ ફેરફાર કરાયો છે. હેલિકોપ્ટરથી આવનારા ભક્તોને લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. તેઓ સીધા મંદિરમાં દર્શન કરશે કારણ કે તેમણે નિર્ધારિત સમયે પાછા જવાનું હોય છે. જો વિશેષ પૂજા કરવી હોય તો રાત્રે રોકાવું પડશે.


