ચિન્મય મિશનના સ્વામી સ્વરૂપાનંદ યુકેની મુલાકાતે

Wednesday 12th September 2018 06:29 EDT
 
 

ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વામી સ્વરૂપાનંદ તા.૧૩થી ૨૩ સપ્ટેમ્બર સુધી યુકેની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન ચિન્મય મિશન યુકે દ્વારા સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ભારતના મુંબઈ માં જન્મેલા અને ઉછરેલા સ્વામી સ્વરૂપાનંદ નાના હતા ત્યારે તેમના પિતાના બુકશેલ્ફમાંથી તેમને 'શ્રીમદ ભગવત ગીતા' વિષે પૂ. ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદે કરેલ અનુવાદ અને ભાષ્ય પ્રકાશન વાંચ્યું હતું અને તેમનાથી ખૂબજ પ્રેરિત થયા હતા. ત્યાર બાદ તેઓ ચિન્મય મિશન હોંગકોંગમાં યુવા કેન્દ્રના સક્રિય સભ્ય બન્યા હતા.

પુખ્ત વયે પૂ. ગુરુદેવ થી અને વેદાંતના અભ્યાસ બાદ તેઓ ખૂબજ પ્રભાવિત થયા હતા. તેમણે પરિવારનો ધમધમતો વેપાર છોડી ને ૧૯૮૪માં મુંબઈના સાંદિપની સાધનાલય આશ્રમમાં પૂ.ગુરુદેવ અને પૂ.ગુરુજી તેજોમયાનંદના શિષ્ય બનીને વેદાંતનો અભ્યાસ શરુ કર્યો. ત્યારબાદ તેમને બ્રહ્મચર્યની દીક્ષા અપાઈ અને ફરી હોંગકોંગ મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી તેમણે ફાર ઈસ્ટમાં નવા મિશન સેન્ટરો શરુ કરવાની કામગીરી સંભાળી હતી. ૧૯૯૨માં શિવરાત્રીના પવિત્ર દિવસે ગુરુજી તેજોમયાનંદજીએ તેમનો મઠની પરંપરામાં સ્વામી સ્વરૂપાનંદ તરીકે સમાવેશ કર્યો હતો.

ત્યારબાદ તેમણે તરતજ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સેન્ટરની સ્થાપના કરી હતી. ૨૦૦૫માં કોઇમ્બતુરની ચિન્મય ઇન્ટરનેશનલ રેસિડેન્શ્યલ સ્કૂલના ડિરેક્ટર -ઈન-ચાર્જ તરીકે તેમની નિમણુંક કરવામાં આવી હતી.

જ્ઞાન યજ્ઞોમાં અધ્યક્ષ પદ સંભાળવા ઉપરાંત સ્વામીજીએ ઈક ઓમકાર, સંકટ મોચન અને મહા મૃત્યુંજય મંત્રની સમીક્ષા લખી છે. તેમણે આધ્યાત્મિક તેમજ આધુનિક પુરુષો અને મહિલાઓ માટે જીવનશૈલી વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. તેમણે Make It Happen નો સેલ્ફ ડેવલોપમેન્ટનો (આત્મ વિકાસ) અભ્યાસક્રમ પણ રચ્યો છે. આ અભ્યાસક્રમ હાલમાં વિવિધ કોર્પોરેટ સંસ્થનોમાં હ્યુમન રિસોર્સીસની તાલીમના મોડેલ તરીકે ઉપયોગ થઇ રહ્યો છે.

તેઓ હાલ સંસ્કૃત અને ભારતીય પરંપરાઓના અભ્યાસ માટેની વિશ્વવિદ્યાલય, ‘ચિન્મય વિશ્વ વિદ્યાપીઠ' ના ચાન્સલર તરીકે સેવા આપે છે. તેઓ ચિન્મય મિશન યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એશિયા પેસિફિક, ફાર ઈસ્ટ અને આફ્રિકાના વડા રહી ચૂક્યા છે. સ્વામી તેજોમયાનંદે તેમના શિરે ચિન્મય મિશન વર્લ્ડ વાઈડના મુખ્યા તરીકે ની જવાબદારી સોંપી છે.

કાર્યક્રમમાં પધારવા સૌને જાહેર આમંત્રણ:

ચિન્મય મિશન યુકે દ્વારા તા. ૧૭થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન સાંજે ૭.૩૦ થી ૯ દરમિયાન અંગ્રેજી ભાષામાં ' સિક્રેટ્સ ઓફ હનુમાન ચાલિસા ' વિષય ઉપર સ્વામી સ્વરૂપાનંદના પ્રવચનનું ધામેચા લોહાણા સેંટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે આયોજન કરાયું છે. છ દિવસ ના સાંધ્ય કાર્યક્રમમાં પ્રવચન સાથે દરરોજ મનોરંજક કાર્યક્રમો અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા છે. તા.૨૨.૦૯.૧૮ શનિવારે, સવારના ૧૧થી સાંજના ૬ વાગ્યા સુધી, ‘ફેસ્ટિવલ ઓફ હનુમાન’ કાર્યક્રમ યોજાશે. પ્રવેશ મફત છે. વધારે માહિતી માટે સંપર્ક કરો: [email protected] , 07810 384 311 અથવા જુઓ www.chinmayauk.org


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter