ચોરનો અંતરાત્મા જાગ્યોઃ ૧૨ વર્ષે માફી માગી રકમ પરત કરી!

Tuesday 12th April 2016 11:05 EDT
 
 

લંડનઃ લેંકેશાયરના બ્લેકબર્ન ખાતે રહેતા અને ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરતાં મૂળ ગુજરાતના ૪૯ વર્ષીય અબુબકર લોર્ગાટનું ૨૫૦ પાઉન્ડ સાથેનું પાકિટ ૨૦૦૪માં ચોરાઈ ગયું હતું. તે તો આ ઘટના ભૂલીને રોજિંદા જીવનમાં પરોવાઈ ગયા હતા. જોકે, અંતરાત્મા જાગતા ચોરે ‘જાગ્યા ત્યાંથી સવાર’ ઉક્તિને સાર્થક કરતાં ૧૨ વર્ષ પછી એક માફીપત્ર સાથે ૫૦ પાઉન્ડની પાંચ નોટ લોર્ગાટના ઘરે પોસ્ટ દ્વારા મોકલીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ચોરે લખ્યું હતું, ‘પાકિટ ચોરવા બદલ હું દિલગીર છું અને આશા રાખું છું કે તમે મને માફ કરી દેશો.’ ૨૦૦૪માં અબુબકરે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ શરૂ કર્યું હતું. તે બ્લેકબર્ન ટાઉન સેન્ટરમાં કેબ મૂકીને લીટલ હાર્વુડમાં ઘરે જવા બસમાં બેસવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી. ઘરે ગયા બાદ પાકિટ ન મળતાં તે મુંઝાયા હતા કારણકે બિલ્સ ચૂકવવા અને ગ્રોસરી લાવવાની બાકી હતી.

લોર્ગાટે જણાવ્યું હતું કે આટલા વર્ષે ચોરાયેલી રકમ પાછી મળતાં તેમને આનંદ સાથે ખૂબ આશ્ચર્ય થયું હતું. તે દર વર્ષે ગુજરાતમાં માતાપિતાની મુલાકાતે જાય છે, તે દરમિયાન ત્યાં કેટલાક ગરીબોને દાન તથા પોતાના બાળકો માટે ભેટ પાછળ આ રકમનો ઉપયોગ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter