લંડનઃ 'ગુજરાત સમાચાર' યુ.કે.ના નેજા હેઠળ 'ગુજરાત સમાચાર' ના તંત્રી સી. બી. પટેલના અધ્યક્ષસ્થાને ગુરુવાર તા.૨૪/૮/૨૦૧૭ના રોજ માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, વેમ્બલીમાં જાણીતા સાહિત્યસર્જક વલ્લ્ભ નાંઢાના લેખોના સંચય ' દરિયાપારનું દૃષ્ટિબિંદુ' નું લોકાર્પણ રાખવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારતથી આવેલા ‘ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ ના નિયામક ડો. બળવંત જાનીએ નાંઢાનો ટૂંક પરિચય આપી એમની સર્જકતાની સરાહના કરી હતી. સી. બી. પટેલે પુસ્તકના લોકાર્પણ બાદ અધ્યક્ષસ્થાનેથી બોલતાં, લેખક સાથે એમના ૪૦ વર્ષના પરિચયને યાદ કરી, ' ગુજરાત સમાચાર' પરત્વે લેખકની ભાવના અને પ્રીતિની કદર કરી હતી.
ડો. જગદીશ દવેએ એમની માર્મિક શૈલીમાં પુસ્તકનું રસવિવેચન કરાવ્યું હતું અને નાંઢાની લેખક તરીકેની સજ્જ્તાની વાત કરી હતી. ભાનુ પંડ્યાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. રમણભાઈ પટેલ, અનુપસિંહ સરવૈયા જેવા શ્રોતામિત્રોએ પણ લેખક વિષે પ્રતિભાવો આપ્યા હતા. આશરે ૫૦ જેટલા શ્રોતાઓ ઉપરાંત ' ગુજરાત સમાચાર' ના અમદાવાદ ખાતેના પ્રતિનિધિ જીતેન્દ્ર ઉમતિયાએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. શરદ રાવલે ફોટોગ્રાફી અને પંચમ શુક્લએ વીડિયો રેકોર્ડિંગનું સૌજન્ય દાખવ્યું હતું.


