જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

શ્રદ્ધાંજલિ

Wednesday 11th March 2026 05:29 EDT
 
 

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે. ૯૬ વર્ષની વય હોવા છતાં શરીરે સ્વસ્થ મનુભાઇના ચહેરા પર સદાય મૃદુ સ્મિત ફરકતું. કયારેય કોઇ સાથે વાદવિવાદમાં પડ્યા વગર સમાજની નિ:સ્વાર્થ સેવા કરનાર મનુભાઇ શ્રી સત્તાવીશ પાટીદાર સમાજ (યુરોપ) સાથે લગભગ ૫૦ વર્ષથી વધુ સમય સુધી સક્રિય રહ્યા. તેઓએ વાઇસ પ્રેસિડેન્ટ, એકઝીક્યુટીવ કમિટિ મેમ્બર તેમજ શ્રી સત્તાવીશ પાટીદાર સમાજના નવનિર્મિત બિલ્ડીંગ કમિટી મેમ્બર તેમજ ફેડરેશન ઓફ પાટીદાર એસોસિએશનના સક્રિય સભ્ય તરીકે સમાજને સેવા આપી છે. સદગત એમની પાછળ ધર્મપત્ની કમળાબહેન, દિકરો અશ્વિનભાઇ, પુત્રવધૂ ભાવનાબેન, બહેન ભારતીબહેન તેમજ ભાભી કલ્પનાબેન સહિત બહોળો પરિવાર છોડી ગયા છે.
"ગુજરાત સમાચાર"ના વર્ષોથી અત્યંત ચાહક મુ.શ્રી મનુભાઇ દર શુક્રવારે આતુરતાપૂર્વક એમના પ્રિય "ગુજરાત સમાચાર"ની રાહ જોતા જ હોય. કોઇક વખત શુક્રવારે અથવા શનિવારે પોસ્ટમાં એમનું પ્રિય અખબાર ના મળે તો તરત જ ઓફિસમાં પૂજાબેન રાવલને અથવા કોકિલાબેન પટેલના ઘરે ફોન કરી પૃચ્છા કરતા. પરમ કૃપાળુ પરમાત્મા સદગત મનુભાઇના આત્માને પરમ શાંતિ આપે એવી "ગુજરાત સમાચાર" પરિવારની સહ્દય પ્રાર્થના. વધુ માહિતી માટે ફોન અશ્વિનભાઇને 07849 986062.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter