જાણીતા સોશિયલ વર્કર અને સંઘ પરિવારના અગ્રણી લાલુભાઈ પારેખનું નિધન

Wednesday 28th July 2021 02:45 EDT
 
 

શ્રી લાલુભાઈ પારેખ હવે આપણી વચ્ચે રહ્યા નથી. થોડા દિવસ અગાઉ  કોવિડ – ૧૯ની બીમારીને લીધે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. લાલુભાઈએ ૨૬ જુલાઈ, ૨૦૨૧ને સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૮ વર્ષના હતા. લાલુભાઈ લંડનમાં ખૂબ જાણીતા સોશિયલ વર્કર અને ભારતીય કોમ્યુનિટીના અગ્રણી હતા.  
૧૯૩૩માં તેમનો જન્મ ગુજરાતના રાજકોટમાં થયો હતો. તેમણે શિક્ષણ પણ ત્યાંજ લીધુ હતું. તેઓ લોમાં ગ્રેજ્યુએટ થયા હતા. પછી તેઓ પૂર્વ આફ્રિકા ગયા હતા. તેમણે ટાન્ઝાનિયાના મ્વાન્ઝામાં પોતાની લો ફર્મ સ્થાપી હતી.  
૧૯૭૧માં તેઓ યુકે આવ્યા હતા અને લંડનમાં સ્થાયી થયા હતા. સેન્ટ્રલ લંડનમાં તેમની માલિકીની એક પોસ્ટ ઓફિસ હતી. જોકે, થોડા વર્ષ પછી તેમણે તે વેચી દીધી હતી અને સેન્ટ પેન્ક્રાસ સ્ટેશન પાસે આવેલી કિંગ હેડ હોટલ ખરીદી હતી. આગની એક કરુણ ઘટનામાં તેમણે પોતાનો યુવાન પુત્ર ગુમાવ્યો હતો. આ ઘટનાની તેમના પરિવાર પર ખૂબ ઉંડી અસર થઈ હતી.    
તેઓ બિઝનેસ ઉપરાંત સામાજિક રીતે ખૂબ સક્રિય હતા.૧૯૪૪માં માત્ર ૧૧ વર્ષની નાની વયે તેઓ RSSમાં સ્વયંસેવક બન્યા હતા અને કેશુભાઈ પટેલ (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) અને કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા જેવા રાજકીય અગ્રણીઓના ગાઢ મિત્ર બની ગયા હતા. તેઓ રાજકારણમાં જોડાયા તે પહેલા  ઘણાં વર્ષોથી નરેન્દ્રભાઈ મોદી (હાલના વડા પ્રધાન) ને ઓળખતા હતા. નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ નિયમિતપણે તેમના સંપર્કમાં હતા.યુકેમાં તેઓ સંઘ પરિવારના સિનિયર અને આદરણીય અગ્રણી હતાં. તેઓ ઘણાં વર્ષો સુધી OFBJP (UK) ના પ્રેસિડેન્ટ પદે રહ્યા હતા. તેઓ નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાત ઓર્ગેનાઈઝેશન (NCGO) ના પણ પ્રેસિડેન્ટ અને નવનાત વણિક એસોસિએશનના ટ્રસ્ટી હતા. તેમની ઉંમર વધુ થઈ હોવા છતાં તેઓ સક્રિય હતા અને પોતાના જીવનના છેલ્લાં દિવસો સુધી તેમણે શિબિરો સહિત સંઘ પરિવારના તમામ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેઓ ખૂબ શાંત પરંતુ, સ્વભાવે ખુશમિજાજ અને મૈત્રીપૂર્ણ હતા. તેમને ખૂબ આત્મવિશ્વાસ હતો અને તેઓ ખાસ કરીને સોશિયલ મીડિયામાં જોડાવા સહિતની નવી ટેક્નોલોજી શીખવા સતત તત્પર રહેતા હતા.    
તેમના ઘણાં મિત્રો હતા. તેઓ તેમને માન આપતા હતા અને તેમની સલાહ અને માર્ગદર્શનને અનુસરતા હતા. કોમ્યુનિટી અને ખાસ કરીને યુકેના સંઘ પરિવારને તેમની ખૂબ જ ખોટ વરતાશે.  
તેઓ તેમની પાછળ નીમુબેન (પત્ની), મમતા (પુત્રી) અને સુનિલ (જમાઈ) તેમજ ગ્રાન્ડચીલ્ડ્રનને છોડી ગયા છે.
આ પુણ્યશાળી આત્માને ચિર શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય તથા ભગવાન તેમના પરિવારને આ ખૂબ મોટો આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના.
ઓમ શાંતિ શાંતિ, શાંતિ.... 

===========

પ્રાર્થના સભા
NCGO UK અને ગુજરાત સમાચાર, એશિયન વોઈસ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સ્વ. લાલુભાઈ પારેખની સ્મૃતિમાં શ્રધ્ધાંજલિ પ્રાર્થનાનું ઝૂમના માધ્યમથી  (લિંક https://us02web.zoom.us/j/82862598555?pwd=T29XYnVyMGp2QUoraEx1NW1hR2N0QT09) (Meeting ID: 828 6259 8555 - Passcode: 123456)
તા.૨૯.૭.૨૦૨૧ને ગુરુવારે સાંજે ૮ વાગે  (London BST) આયોજન કરાયું છે.
-------------------------


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter