લંડનઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 156મા જન્મ દિન અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના પ્રસંગે સેન્ટ્રલ લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરસ્થિત ગાંધીપ્રતિમા પર પુષ્પાંજલિનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીપ્રતિમા પર થોડા દિવસ પહેલા જ અપશબ્દોનું ચિતરામણ થયું હતું અને પ્રતિમાને બરાબર સાફસફાઈ સાથે કાર્યક્રમ માટે પુનઃસ્થાપિત કરાઈ હતી. પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે પણ ગાંધીજીના વારસાનું સ્મરણ કરતો અન્ય કાર્યક્રમ પણ યોજાયો હતો. બંને કાર્યક્રમોમાં માનવંતા મહેમાનો અને ભારતીય ડાયસ્પોરાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભારતીય હાઈ કમિશન અને ઈન્ડિયા લીગ દ્વારા દર વર્ષે ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે વિશેષ કાર્યક્રમ સાથે ગાંધીજયંતી ઉજવાય છે. પુષ્પાંજલિ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, કેમડેન કાઉન્સિલના મેયર એડી હેન્સન તેમજ ઈન્ડિયા લીગના પ્રેસિડેન્ટ અલ્પેશ પટેલ OBE, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને તંત્રી સીબી પટેલ સહિત કોમ્યુનિટીના અગ્રનેતાઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજીના શાશ્વત આદર્શો સત્ય અને અહિંસા પ્રતિ સહભાગી પ્રતિબદ્ધતાના પ્રતીકરૂપે ગાંધીપ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ગાંધીજયંતી પ્રસંગે ભારતીય વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરાઈ હતી તેમજ બૌદ્ધ સાધુઓ દ્વારા શાંતિ અને સંવાદિતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આ દિવસનું મહત્ત્વ દર્શાવતા જણાવ્યું હતું કે,‘ આપણે આજે ગાંધીજયંતી અને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસના પ્રસંગે એકત્ર થયા છીએ તેની સાથે તાજેતરમાં ગાંધીપ્રતિમા અને તેના ફાઉન્ડેશન પર જે હુમલો કરાયો તે સમય પણ છે. 50 કરતાં વધુ વર્ષથી ભારત-યુકે મિત્રતાના પ્રતીકરૂપ ગાંધીપ્રતિમા આજે તેજથી ચમકી રહી છે તેનો યશ કેમડન કાઉન્સિલ અને હાઈ કમિશનના સહિયારા પ્રયાસોથી ઝડપી પુનઃ સ્થાપનાને જાય છે. આ પુનઃસ્થાપિત પ્રતિમા શક્તિશાળી સ્મરણ કરાવે છે કે જેનો સમય આવી પહોંચ્યો છે તેવા વિચારને તોડફોડના કોઈ પણ આવેશપૂર્ણ કૃત્ય નુકસાન પહોંચાડી શકશે નહિ.
ધ્યાનમગ્ન મુદ્રામાં ગાંધીજીને દર્શાવતી પ્રતિમાને ઊજવણીના થોડા દિવસ અગાઉ જ ખરાબ ચિતરામણથી નુકસાન કરાયું હતું. કેમડન કાઉન્સિલ અને ભારતીય હાઈ કમિશને પ્રતિમાને સ્વચ્છ કરી પુનઃસ્થાપિત કરવાની કાર્યવાહી કરી હતી જેના થકી સ્મરણ સમારંભ માટે વધુ તેજપૂર્ણ લાગતી હતી.
પાર્લામેન્ટ સ્ક્વેર પર બાપુને યાદ કરાયા
પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ગાંધી બાપુના જન્મદિનની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં લોર્ડ ક્રિશ રાવલ, લોર્ડ જેફ રૂકર અને લોર્ડ કુલવીર રેન્જર, ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના ડાયરેક્ટર બેન મેલ્લોર, પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા સહિતનો સમાવેશ થયો હતો. હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું હતું કે દેશની લોકશાહી યાત્રાનું પ્રતીક યુકેની પાર્લામેન્ટના હાર્દમાં ગાંધીજીની પ્રતિમા ખડી છે તે યથોચિત છે. તેમણે રાજકારણમાં નૈતિકતા તેમજ સમાવેશી, કરુણાદર્શી સમાજની ગાંધીજીની કલ્પના વિશેનું ચિંતન પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીવાદી વિચારધારાને આગળ વધારવામાં જીવન સમર્પિત કરી દેનારા અને પાર્લામેન્ટ સ્ક્વેર પર ગાંધીજીની પ્રતિમાને સ્થાપિત કરવામાં અગ્રેસર રહેલા લોર્ડ મેઘનાદ દેસાઈની પૂણ્યસ્મૃતિમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ગાંધીપ્રતિમા પર પુષ્પાંજલિ અને હારમાળા પધરાવી મહાત્મા ગાંધીના શાશ્વત આદર્શો પ્રતિ સન્માન અને કટિબદ્ધતાના પુનરુચ્ચાર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.