ડો ગ્લેડીસના પુસ્તક ‘વોકિંગ વિથ ગોરિલાઝ’નું લોકાર્પણ

યુગાન્ડામાં પ્રાણીસંરક્ષણના સઘન પ્રયાસો થકી માઉન્ટેઈન ગોરિલાની વસ્તીમાં વધારોઃ યુનો દ્વારા ડો. ગ્લેડીસને ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ બિરુદ

મહેશ લિલોરિયા Wednesday 31st May 2023 05:12 EDT
 
ડો. ગ્લેડીસ કાલેમા-ઝિકુસોકા દ્વારા લિખિત પુસ્તક ‘વોકિંગ વિથ ગોરિલાઝ’ના લોકાર્પણ સમયે (જમણેથી ડાબે) યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણી, લેખિકા ડો. ગ્લેડીસ કાલેમા-ઝિકુસોકા, યુગાન્ડાના ફોરેન મિનિસ્ટર જેજે ઓડોન્ગો, યુગાન્ડા સરકારના અધિકારી અને ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા'(તસવીર સૌજન્ય- રાજ ડી. બકરાણીઆ)
 

લંડનઃ યુગાન્ડા હાઉસ લંડન ખાતે યુગાન્ડાના પ્રથમ અને પ્રસિદ્ધ વાઈલ્ડલાઈફ પશુચિકિત્સક ડો. ગ્લેડીસ કાલેમા-ઝિકુસોકા દ્વારા લિખિત પુસ્તક ‘વોકિંગ વિથ ગોરિલાઝ’નું લોકાર્પણ યુગાન્ડાના ફોરેન મિનિસ્ટર જે જે ઓડોન્ગાના હાથે કરવામાં આવ્યું હતુ. આ સમયે નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ રિચાર્ડ ટોડવોન્ગ, યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણી, શાળાના બાળકો, વન્યજીવન અને સંરક્ષણપ્રેમીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે યુગાન્ડાના ફોરેન મિનિસ્ટર જે જે ઓડોન્ગાએ જણાવ્યું હતું કે, ‘આપણે ડો. ગ્લેડીસનાં કાર્યની કદર કરવાં એકત્ર થયાં છીએ. આપણામાંથી ઘણાને આ મહાકાય પ્રાણીને નિહાળવાની ઈચ્છા થતી હોય છે અને માઉન્ટેઈન ગોરિલા માત્ર આફ્રિકામાં જ અસ્તિત્વ ધરાવે છે અને યુગાન્ડામાં તેની સૌથી વધુ વસ્તી છે. જ્યાં સુધી ડો. ગ્લેડીસ જેવાં લોકો સંકળાયા ન હતા ત્યાં સુધી આ સુંદર મહાકાય પ્રાણી જોખમમાં હતું. આપણા બાળકો અથવા તો તેમના પણ બાળકો આ પ્રાણીને જોઈ શકશે નહિ તેવું પણ જોખમ હતું. પ્રાણીસંરક્ષણના સઘન પ્રયાસો થકી ગોરિલાની વસ્તી હવે વધી રહી છે. જો તમને યુગાન્ડાનો પ્રવાસ કરવાની ઈચ્છા થાય તો મહેરબાની કરી યુગાન્ડા હાઉસ પહોંચી જજો.’

નેશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ પાર્ટીના સેક્રેટરી જનરલ રિચાર્ડ ટોડવોન્ગે જણાવ્યું હતું કે, ‘આ પહેલ હવે રેકોર્ડ્સમાં નોંધાઈ છે તે જાણીનવે આનંદ થાય છે. આ એક પુસ્તક કરતાં પણ વધુ છે. અમે તમને યુગાન્ડાની મુલાકાત લેવા આમંત્રણ આપીએ છીએ. આ અદ્ભૂત મિત્રોનો અનુભવ મેળવજો. યુગાન્ડા તમારા માટે ખુલ્લું છે, ત્યાં પ્રવેશ અને એક્ઝિટ બંને નિઃશુલ્ક છે.’

યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણીએ જણાવ્યું હતું કે, ‘ ડો. ગ્લેડીસ અમને તમારાં માટે ભારે ગર્વ છે. તમે ઘણી નમહેનત કરી છે અને યુવા મહિલાઓ માટે તમે પ્રેરણાસ્રોત છો. હું લોકોને વન્યજીવન, પ્રકૃતિ અને તેમના મૂળિયાની ખોજ કરવા યુગાન્ડા આવવા વિનંતી કરું છું. યુગાન્ડાનો પ્રવાસ સરળ, સલામત અને તમામ પાસામાં લાભકારી છે.’

વોલ્કેનોઝ સફારીઝના સ્થાપક પ્રવીણ મોમાને સમાપન પ્રવચનમાં કહ્યું હતું કે, ‘જે લોકો છેલ્લા 25 વર્ષથી ગ્રેટ એપ કન્ઝર્વેશન માટે કામ કરી રહ્યા છે તેમના માટે આ ઘણી લાંબી યાત્રા રહી છે. હું ડો. ગ્લેડીસને અભિનંદન આપવા ઈચ્છું છું, તેઓ અને તેમના જેવા લોકો થકી જ આ યાત્રા સફળ રહી છે. આપણા આરોગ્યની ફીલોસોફી ગોરિલા અથવા માનવી પર ધ્યાન કેન્દ્રિત કરવાની રહી છે પરંતુ, આ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવાની ડો. ગ્લેડીસની ફીલોસોફી વ્યવહારુ રણનીતિ છે. હું પણ ગત 25 વર્ષથી ટુરિઝમ અને કન્ઝર્વેશન વચ્ચે સમતુલા બનાવી રાખવાનો પ્રયાસ કરું છું.’

વાઈલ્ડલાઈફ પશુચિકિત્સક ડો. ગ્લેડીસ કાલેમા-ઝિકુસોકાએ પોતાના સંસ્મરણો ‘વોકિંગ વિથ ગોરિલાઝ’ના કરેટલાક પ્રસંગો બીબીસીના પ્રેઝન્ટર ક્લોડીઆ હેમન્ડ સાથે શેર કર્યાં હતાં. તેમણે વન્યજીવન સંરક્ષણ અને જાહેર આરોગ્ય ક્ષેત્રમાં કામગીરીના અનુભવો પણ જણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે,‘તમારે સમગ્રતયા પરિણામો હાંસલ કરવા માટે માનવ અને વન્યજીવન આરોગ્ય વિશે એકસાથે ઉપાયો હાથ ધરવાં જોઈએ. કન્ઝર્વેશન કોમ્યુનિટીમાં વન હેલ્થને ટકાઉ વિકાસ હાંસલ કરવાના યોગ્ય માર્ગ તરીકે ગણવામાં આવે છે. લોકો આ સમીકરણનો હિસ્સો છે તે સમજવું એ જ કન્ઝર્વેશન છે.’

ગોરિલાની જાળવણીનો ડો. ગ્લેડીસ અનેCTPH નો અભિગમ વિશ્વમાં અન્ય પ્રાણીસંરક્ષણ કાર્યક્રમો માટે આદર્શ અને અસરકારક ગણાયો છે. વન્યજીવનમાં માઉન્ટેઈન ગોરિલાઓને યાતનાનું સારું દસ્તાવેજીકરણ કરાયું છે. ગોરિલાની વસ્તી વધીને 1,000 થયા પછી 2018માં તેમને ગંભીર જોખમ હેઠળના પ્રાણીના લિસ્ટમાંથી દૂર કરી માત્ર જોખમ હેઠળની યાદીમાં રખાયા છે.

CTPH ના સહસ્થાપક લોરેન્સ ઝિકુસોકાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ન્ધેગો અને ટેન્ડો ઝિકુસોકાએ વોકિંગ વિથ ગોરિલા પુસ્તકમાંથી અંશો વાંચ્યાં હતાં.

‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ ડો. ગ્લેડીસ

બીબીસી ડોક્યુમેન્ટરી ‘ડો. ગ્લેડીસ, ધ આફ્રિકન વેટ’ના સ્ટાર ડો. ગ્લેડીસને 2022માં એડિનબરા મેડલ સહિત સંખ્યાબંધ સન્માન, અકરામ પ્રાપ્ત થયાં છે અને તેમને યુનાઈટેડ નેશન્સ દ્વારા ‘ચેમ્પિયન ઓફ ધ અર્થ’ નિયુક્ત કરાયાં છે. વિશ્વપ્રસિદ્ધ કન્ઝર્વેશનિસ્ટ અને વિજ્ઞાની ડો. ગ્લેડીસ પૂર્વ આફ્રિકામાં લુપ્ત થવાના ભારે જોખમ હેઠળના માઉન્ટેઈન ગોરિલાને બચાવવાનું કાર્ય કરી રહ્યાં છે. કન્ઝર્વેશન થ્રુ પબ્લિક હેલ્થ- CTPH ના સ્થાપક અને સીઈઓ ડો. ગ્લેડીસ કન્ઝર્વેશન અને જાહેર આરોગ્ય સંબંધે ‘વન હેલ્થ’ અભિગમના પ્રણેતા છે જેમાં ઈકોસિસ્ટમ્સ, વાઈલ્ડલાઈફ અને તેમની નાજૂક વસાહતોમાં હિસ્સેદાર કોમ્યુનિટીઓ વચ્ચે પારસ્પરિક સંબંધો પર ધ્યાન અપાય છે. ડો. ગ્લેડીસે તેમના દેશના પ્રથમ વાઈલ્ડલાઈફ પશુચિકિત્સક બનવામાં ઘણા અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. તેમણે અશ્વેત મહિલા કન્ઝર્વેશન ક્ષેત્રે અગ્રેસર બની ન શકે તેવી શંકા સેવનારા લોકોને ખોટા પુરવાર કર્યાં છે. અવરોધો તોડી સફળ થવાના તેમના નિર્ધારથી યુગાન્ડા અને આફ્રિકા ખંડમાં મહિલા કન્ઝર્વેશનિસ્ટ્સની ભાવિ પેઢીઓ માટે માર્ગ મોકળો થયો છે.

તેમનું કાર્યક્ષેત્ર વિશ્વમાં માઉન્ટેઈન ગોરિલાની લગભગ અડધી વસ્તી ધરાવતા બ્વિન્ડી ઈમ્પેનિટ્રેબલ નેશનલ પાર્ક છે. તેમણે સૌપ્રથમ વખત વિચાર્યું કે પ્રાણીઓની મદદ કરવાં અને તેમને રોગ અને શિકારથી મુક્ત રાખવા માટે તેમના માનવ પડોશીઓની મદદ કરવી પડશે. તેમણે પાર્કની આસપાસ રહેતા લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને સુધારવા સફળ પહેલ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter