લંડનઃ ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર વેન્ડી થોમ્સનના હસ્તે ડોક્ટર ઓફ લિટરેચર ઓનરિસ કૌસાની માનદ્ ડોક્ટરેટ ડીગ્રી એનાયત કરાઈ હતી. યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ દર વર્ષે પ્રતિષ્ઠા અને વિશિષ્ટતા ધરાવતી વ્યક્તિઓને માનદ્ ડીગ્રી એનાયત કરે છે. આ વર્ષે યુનાઈટેડ કિંગ્ડમમાં ભારતીય કળાઓ, સાહિત્ય અને સંસ્કૃતિને આગળ વધારવામાં અનન્ય યોગદાન બદલ ડો. નંદકુમારા MBEને આ ડીગ્રી અપાઈ છે.
ડો. નંદકુમારાએ માનદ ડીગ્રીનો સ્વીકાર કરતા સંબોધનમાં યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડના વાઈસ ચાન્સેલર, પ્રો વાઈસ ચાન્સેલર અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘ ભારતના ઘણા પુત્રો અને દીકરીઓએ ભવ્ય કારકિર્દીઓ મેળવવાં અને મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા આ દૂરસુદૂર ભૂમિમાં સ્થળાંતર કર્યું છે પરંતુ, હું તેમાંનો એક નથી. 1970ના દાયકાના મધ્ય સુધી હું સંસ્કૃત વિલેજ તરીકે ખ્યાતનામ મારા ગામ મટ્ટુરથી પરંપરાગત માર્ગે ચાલી રહ્યો હતો. MAની ડીગ્રી સાથે મારી ઈચ્છા હાઈ સ્કૂલ અથવા કોલેજમાં શિક્ષક બનવાની હતી. વિદેશ તો અલગ બાબત છે, મારા વતન કર્ણાટક રાજ્યથી બહાર જવાની પણ મારી કોઈ યોજના ન હતી.
મારા જીવનની ત્રણ પ્રભાવક બાબતોએ મને માર્ગ બદલી યુકે જવા અને યુનિવર્સિટી ઓફ લંડનની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે PhD હાંસલ કરવા મોકલી આપ્યો હતો. મારા પ્રભાવકો આ હતાઃ
• મારા ભાવિ સસરા મથૂર કૃષ્ણામૂર્તિએ કન્નડ સાહિત્ય પ્રતિ મારો ઉત્સાહ પારખી મને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું. • મહાન દિવંગત ઈન્ડોલોજીસ્ટ અને SOAS ફેકલ્ટી સભ્ય ડો. જ્હોન માર, જેમણે મારી એકેડેમિક યાત્રા અને પ્રોફેશનલ કારકિર્દી પર અમીટ છાપ છોડી.• મારા PhD એડવાઈઝર અને યુકેમાં મારી માતા સમાન ડો. જિનીન ‘શાન્તિ’ મિલર. આ અતુલનીય વ્યક્તિઓમાંથી કોઈ પણ વિના હું આજે આપ સહુ સમક્ષ ઉભો રહી શક્યો ન હોત.
નવેમ્બર 1977માં આગમન પછી પણ યુકેમાં મારું રોકાણ PhD અભ્યાસ પૂર્ણ કરવા જેટલું જ અને કોલેજ લેક્ચરર તરીકે ભૂમિકા ભજવવા ભારત પાછા ફરવા માટેનું જ હતું. જોકે, સંજોગો બદલાતા ગયા અને ધારણા કરતાં પણ વધુ 45 વર્ષથી હું અહીં છું. મેં યુકેમાં ભારતીય શાસ્ત્રીય કળાઓને ઉત્તેજન આપવા કાર્યરત મુખ્ય સંસ્થા ભારતીય વિદ્યા ભવનમાં શિક્ષણની કામગીરી શરૂ કરી. સંજોગોવશાત, હું એવી સંસ્થા સાથે સંકળાયો હતો જેનું મિશન મારા રસના વિષયો- ભારતના સંગીત, નૃત્ય, નાટક અને સાહિત્ય સાથે જોડાયેલું હતું.
PhD કર્યા પછી ભવન સાથે કામ કરવાની તક હું નકારી શક્યો નહિ. આપણે જેને આપણા પેશન્સ માટે આદર્શ માનતા હોઈએ તેવી સંસ્થામાં નોકરી મળવી ભાગ્યે જ બને છે. મારી કામગીરી દરમિયાન, યુકે અને ભારતના વિશિષ્ટ વ્યક્તિત્વો સાથે મુલાકાતની મને તક સાંપડી. ગત 40 વર્ષ દરમિયાન ભવનના દ્વારેથી પસાર થયેલી વ્યક્તિઓની સંખ્યા અને ભારતીય શાસ્ત્રીય કળાઓ પ્રતિ તેમના જાગેલા ઉત્સાહે મારા માટે ઘણો સંતોષ આપ્યો છે. ભારતીય કળાઓ હવે યુકેના સાંસ્કૃતિક પોતમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આભાર વ્યક્ત કરવા અસંખ્ય લોકોની યાદી છે પરંતુ, હું થોડા વિશિષ્ટ મહાનુભાવોને યાદ કરીશઃ ડો. મથૂર કૃષ્ણામૂર્તિ, ડો. જ્હોન માર, ડો. જિનીન મિલર, ભવનમાં મારા ચેરપર્સન્સ – શ્રી માણેક દલાલ, શ્રી જોગિન્દર સંઘેર, અને વર્તમાનમાં શ્રી સુભાનુ સક્સેના અને અભૂતપૂર્વ સાથી અને સપોર્ટ આપનારી મારી પ્રેમાળ પત્ની જાનકી.’
ડો. નંદકુમારાએ વેદિક પરંપરાના સૂત્રો ‘આ નો ભદ્રાઃ ક્રતવો યાન્તુ વિશ્વાતઃ’ અને વસુધૈવ કુટુમ્બકમ્’ ઉચ્ચારી તેમની સમજ પણ આપી હતી.