ડો. ભાવેશ પારેખે જૈન ડોક્ટર્સ ફેડરેશનના પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો

Wednesday 29th July 2026 07:19 EDT
 
 

અમદાવાદઃ જૈન ડોક્ટર્સ ફેડરેશન (JDF) અમદાવાદ દ્વારા રવિવાર 26 જુલાઈ 2026ના રોજ શ્રી જૈન વિશા ઓશવાલ ક્લબ ખાતે તેની નવી એક્ઝિક્યુટિવ સમિતિનો પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો હતો. ડો. ભાવેશભાઈ બી. પારેખે ફેડરેશનના પ્રમુખ અને ડો. દેવેન ઝવેરીએ સેક્રેટરી તરીકે 2026-2029ની ટર્મ માટે સત્તાવારપણે કાર્યભાર સંભાળી લીધો હતો. આચાર્ય શ્રી યશોવિજયસૂરિશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય ઉપસ્થિતિ અને આશીર્વાદ સાથે સમારંભ યોજાયો હતો.

આ ઈવેન્ટમાં સમગ્ર અમદાવાદના 200થી વધુ જૈન ડોક્ટર્સ અને તેમના પરિવારજનોએ હાજરી આપી હતી. ચીફ ગેસ્ટ તરીકે કુમારપાળભાઈ વી. શાહ (કલિકૂંડ) ઉપસ્થિત રહ્યા હતા જ્યારે દીપકભાઈ શાહ (બારડોલીવાલા)ની વિશેષ ઉપસ્થિતિ હતી.

નવનિયુક્ત પદાધિકારીઓએ કરુણાસભર હેલ્થકેર, પ્રીવેન્ટિવ મેડિસીન, પ્રોફેશનલ એક્સેલન્સ અને કોમ્યુનિટીની સેવાના ફેડરેશનના લક્ષ્યને મજબૂત બનાવવા તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. તેમણે સમાજને લાભકારી ઈનિશિયેટિવ્ઝને સપોર્ટ કરવાની સાથોસાથ જૈન મેડિકલ પ્રોફેશનલ્સ વચ્ચે વિશેષ સહકારને ઉત્તેજન આપવાની બાંયધરી પણ દર્શાવી હતી. આભાર પ્રસ્તાવ અને તે પછી સભ્યો અને મહેમાનોની હાજરી સાથે ફેલોશિપ લંચ સાથે સમારંભનું સમાપન થયું હતું.

ડો. ભાવેશભાઈ પારેખ અમદાવાદની મારેન્ગો CIMS હોસ્પિટલમાં મેડિકલ ઓન્કોલોજી વિભાગના વડા તરીકે સેવા આપે છે. લાંબા સમયથી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના સમર્થક રહેલા ભાવેશભાઈ પ્રતિષ્ઠિત પત્રકાર સ્વર્ગસ્થ ભૂપતભાઈ પારેખ અને સ્વર્ગસ્થ સરલાબહેન પારેખના પુત્ર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter