કોંગ્રેસયુક્ત ગુજરાત

Monday 07th December 2015 13:58 EST
 

ગુજરાતમાં તાજેતરમાં જ નગરપાલિકા, જીલ્લા અને નગર પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીઅો યોજાઇ ગઇ. શહેરી વિસ્તારોમાં ભાજપને ઢગલાબંધ મત સાથે સત્તાના સુકાન સોંપાયું. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને મત અપાયો. જે રીતે કોંગ્રેસને મત મળ્યા છે તે જોતાં ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચિંતા કરવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.

કોંગ્રેસમુક્ત ભારતનું સૂત્ર આપનાર ભાજપ માટે ગુજરાતમાં વરવી સ્થિતી ઉભી થઇ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં કોંગ્રેસનો મતનો પાયો વધારે મજબૂત થયો છે તે ખરેખર ભાજપ માટે ચિંતાજનક છે.

જો વિધાનસભાની ચૂંટણી અત્યારે થઈ હોત તો ભાજપ માટે કપરાં ચઢાણની સ્થિતિ સર્જાઈ હોત.

અતુલ પટેલ, હેરો.

પ્રારબ્ધ અને પુરુષાર્થ

'ગુજરાત સમાચાર'ના સર્વે કાર્યકર્તાઓને દિવાળી મુબારક પાઠવું છું. પરમ કૃપાળુ પરમાત્મા આપ સર્વેને સેવાના કામો કરવાની વિશેષ શક્તિ-ભક્તિ પ્રેરણા આપે. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ' પરોપકાર, તન-મન-ધનથી સર્વે વડીલોને સેવા આપે છે અને વિશેષ આપતા જ રહે તે માટે મુ. સી. બી.ને ખુબ ખુબ ધન્યવાદ.

આપણા દરેક વડીલો, ભાઈઓ અને બહેનો ફક્ત 'ગુજરાત સમાચાર' વાંચીને આનંદ કરે છે, સંતોષ માને છે. કારણ કે તેમાં દરેક જાતના વિગતવાર સમાચાર મળે છે અને ખરેખર 'જીવંત પંથ'માથી જેટલું વાંચીએ, જાણીએ, અનુભવીએ અને અમલ કરીએ તેટલું ઓછું છે.

શ્રી સી. બી. સાહેબે તેમના 'જીવંત પંથ'માં જણાવેલ છે કે પુરુષાર્થ સાથે જ પ્રારબ્ધ સમાયેલું છે. પ્રારબ્ધ શરીરને ભોગ પ્રદાન કરે છે. પુરુષાર્થ ભવિષ્યને સૃષ્ટિને તૈયાર કરે છે, જેથી બંને ભવિષ્ય ભોગ પ્રદાન કરે છે. એટલે જ અંગ્રેજીમાં કહેવત છે કે 'માણસ પોતાની જાતે જ પુરુષાર્થ ઘડી શકે છે. પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ આંધળું છે અને પ્રારબ્ધ સિવાયનો પુરુષાર્થ પાંગળો છે. એક આંધળા અને લંગડાની વાત જેવું છે.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

અસહિષ્ણુતા અને આમિર ખાન

વિખ્યાત અભિનેતા આમિર ખાને પ્રતિષ્ઠિત રામનાથ ગોએંકા એવોર્ડ સમારોહમાં સાહિત્યકારો અને ફિલ્મકારો દ્વારા એવોર્ડ પરત કરવાના અભિયાનનું સમર્થન કરી દેશમાં વ્યાપેલા અસહિષ્ણુતાના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરતા દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

વોટ્સએપ, ફેસબુક અને ટ્વીટર પર આ મુદ્દે આમિર ખાન વિરૂધ્ધ જાણે કે જુવાળ જાગ્યો છે.

આમિર ખાને કહ્યું કે "આતંકવાદને કોઈ ધર્મ સાથે જોડવો ન જોઇએ અને બાળકોની સુરક્ષાને લઇને ભયભીત મારી પત્ની કિરણ રાવે એક વખત કહ્યું હતું કે, આપણે ભારત છોડીને ક્યાંક જતાં રહીએ.”

અવારનવાર પોતાના મત વ્યક્ત કરવા માટે વિખ્યાત આમિર ખાને કમનસીબે આ અગાઉ ઘણી વખત દેશભરમાં બનેલી લોહિયાળ ઘટનાઅો વખતે પોતાનો મત વ્યક્ત કર્યો નથી જે ખરેખર દુ:ખદ બીના છે. એકાદી ઘટના માટે ચિંતીત આમિર ખાને ખરેખર દેશની અન્ય ઘટનાઅોને લક્ષમાં લઇને જો નિવેદન કર્યા હોત તો આ નિવેદનથી લોકોમાં ઉશ્કેરાટ ન ફેલાત તે ચોક્કસ છે.

- નીલેશ પટેલ, હેરો.

આદિત્ય પંચોલી અને સુપ્રિમ કોર્ટ

વિતેલા જમાનાના જાણીતા ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીને તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે મુંબઈના જૂહુ સ્થિત બંગલાનું બાકી રહેતું રૂ. ૧,૩૮૪ ભાડુ ભરવા અને તે પછી બંગલો ખાલી કરવા હુકમ કરતા બંગલાના માલિકે રાહતોનો શ્વાસ લીધો છે. સુપ્રિમ કોર્ટે કરેલો હુકમ આવા મકાન ભાડે રાખીબે કબ્જો જમાવી રાખતા તત્વોને માટે ચેતવણી સમાન છે. મોટો અભિનેતા હોવા છતાં અને ખૂબજ સુંદર કમાણી હોવા છતાં આદિત્ય બાકી રહેતું માત્ર રૂ. ૧,૩૮૪ ભાડુ ભરવા અને બંગલો ખાલી કરવા રાજી નહોતો.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલીની આર્થિક ક્ષમતા છે કે તેઓ મુંબઈમાં ક્યાંય પણ રહેઠાણ ખરીદી શકે તેથી અન્યની મિલકત પર નજર રાખવાનું તેમનું વર્તન યોગ્ય નથી.’ મોટા ગજાના અભિનેતા તરીકે આદિત્યનું આવું વર્તન કેટલી હદે યોગ્ય કહેવાય? આપણા ઘણાં બીનનિવાસી ભારતીયોના મકાનો પર આવી રીતે કબ્જો જમાવાયો છે. આશા છે કે આ ચુકાદા પછી અન્ય લોકોને પણ પોતાના મકાનોનો કબ્જો મળશે.

- રાજેન્દ્ર અધ્વર્યુ નોર્બરી.

ખાંડ - મીઠું ઝેર?

મોટાભાગની વ્યક્તિઓને ગળ્યો (મીઠો) ખોરાક પસંદ હોય છે. અમુક માણસોને તો ભોજનના અંતે મીઠી વાનગી ખાવા ન મળે તો સંપૂર્ણ આહાર લીધાનો સંતોષ થતો નથી. ભારતમાં સામાજિક-ધાર્મિક પ્રસંગો અને વાર-તહેવારો અપવાસ-એકટાણાં કરતી વખતે મીઠ્ઠી વાનગીઓ ખાવાની પ્રથા છે. પરંતુ તે આપણા આરોગ્યને કેટલું નુકસાન કરે છે તે કદાચ જાણતાં નથી. ભારતના ડો. અરૂણ લાલના મંતવ્ય મુજબ ભારતમાં ૬૭ મિલિયન પુખ્ત વ્યક્તિઓ ડાયાબિટીક છે અને તેઓ કહે છે કે ૨૦૩૦ સુધીમાં આ દર્દીઓનો આંકડો ૯૭ મિલિયન થઈ જશે. યુ.કે.માં ગયા વર્ષ દરમિયાન NHSએ માત્ર ડાયાબીટીસના દર્દીની દવાઓ માટે ૮૪૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે.

૧લી જુલાઈ ૨૦૧૫ના રોજ પ્રસિદ્ધ થયેલા ‘જર્નલ સરક્યુલેશન’માં જણાવાયું છે કે વિશ્વમાં દર વર્ષે ૧,૮૪,૦૦૦ પુખ્ત વયની વ્યક્તિઓ વધુ મીઠાં પીણાંઓ પીવાથી મૃત્યુ પામે છે. ડાયાબીટીસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ડો. સી. બી. વાધવાએ કહ્યું છે કે ડાયાબીટીસ અને કેન્સરનો ઈલાજ માત્ર હોસ્પિટલમાં જ નથી, તમારા રસોડામાં પણ છે. તેમના મંતવ્ય મુજબ આ દર્દોના નિવારણ માટે આપણી રસોઈની પ્રણાલિકામાં ફેરફાર કરીને ઘી-તેલ, ખાંડનો ઉપયોગ ઓછો કરવાની જરૂર છે.

‘પહેલું સુખ તે જાતે નર્યા’ મુજબ તંદુરસ્ત જીવન જીવવા માટે આપણે નિત્ય ખોરાક લેતા પહેલા આહારની ગુણવત્તા જોઈને માત્ર આહારનો સ્વાદ જોઈને કરીશું તો ભયંકર દર્દોને આપણા શરીરથી દૂર રાખવાનું શક્ય બનશે.

- મુકુંદ આર. સામાણી, લેસ્ટર

ટપાલમાંથી તારવેલું

* રજનીકાંતભાઇ શાહ, કિંગ્સબરીથી જણાવે છે કે 'વડોદરાના મહારાજા સર સયાજી રાવ ગાયકવાડ દ્વારા વડોદરામાં ૧૯૦૮માં શરૂ કરાયેલી બેન્ક અોફ બરોડાની દિલ્હીની શાખામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરનારા કેટલાક લોકોએ મની લોન્ડરીંગ કૌભાંડ કર્યું તે જાણી દુ:ખ થયું. આજના જેવી ખાનગી અને વિરાટ બેન્કોનો ઉદય થયો નહોતો ત્યારે બેન્ક અોફ બરોડા ગામેગામ ગ્રાહકોની સેવા કરતી હતી.

* અર્જુનભાઇ પટેલ, ફીંચલીથી જણાવે છે કે 'ગુજરાત સમાચાર'માં સીબી પટેલ સાહેબની 'જીવંત પંથ' કોલમ વાંચવાની ખૂબજ મઝા આવે છે. ખરેખર આનંદ સાથે બ્રિટન વિષે ઘણું બધું નવુ નવું જાણવાનું મળે છે. જે મારા જેવા વિઝીટર વિસા પર આવેલા લોકોને ઘણી જ ઉપયોગી થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter