જનસેવાના યજ્ઞની જીવનજ્યોત

Tuesday 24th November 2015 06:02 EST
 

નમસ્કાર, વિક્રમ સંવત ૨૦૭૨થી શરૂ થતા નૂતનવર્ષાગમનના પવિત્ર અવસરે અમે અંતરથી અભિલાષા રાખીએ છીએ કે આનંદ ઉમંગના કિરણ કેસુડાં વેરતું સુવર્ણ નવપ્રભાત હો. વિધવિધ દિશાઓમાંથી મિલનના સુર જલ-પ્રવાહો સાગરને મળવા ઉમટે તેમ આપ સર્વના મુખમંડળ પર આનંદ-મંગળની રમ્ય રંગોળી દીપતી રહે, સમગ્ર વાતાવરણ ખુશનુમા રહે, જન્મભૂમિ-કર્મભૂમિના કલ્યાણકાજે જનસેવાના યજ્ઞની જીવનજ્યોત વિશ્વના વિરાટ તેજપુંજમાં સદા જલતી રહે. સ્વપ્ન અને સિદ્ધિની વચ્ચે સર્વદા સાધનાની સરિતા વહેતી હોય છે. અખંડ શ્રદ્ધાના હલેસાં અને અવિરત પુરુષાર્થની નૈયાવડે ભગીરથ સાધના-સરિતાને સફળતાપૂર્વક પાર કરી શકાય એવું કાર્ય આપ કરી રહ્યા છો.

સ્નેહીશ્રી સી.બી. સાહેબ, મારી પાસે આપના માટે શબ્દો ખૂટી પડ્યા. ખરેખર ધન્ય છે, આપની ધરીજ, કાર્યદક્ષતા, આદર્શવાદ, વિચારશક્તિ, શૈલી, સમય, અતૂટ પરિશ્રમ, સમાજના વિકાસ માટે આપી રહેલ યોગદાન સાથે આપની વ્હાલી અર્ધાંગિની પુષ્પાબહેન, સ્વજનો તેમજ 'ગુજરાત સમાચાર - એશિયન વોઈસ'ની કાર્યકર્તા સમિતિના સાથ સહકાર માટે કોટિ કોટિ અભિનંદન.

- સરયુબહેન શિરીષભાઈ પટેલ, બર્મિંગહામ.

માણસાઈના દીવા

દીપાવલી અને નૂતનવર્ષનું આગમન થઈ રહ્યું છે. એ પ્રસંગે સર્વેનું જીવન પવિત્ર, રસમય અને પ્રેમમય અને પ્રામાણિક તથા પ્રકાશમય બની રહે, દરેક વાચક મિત્રોને નવું વર્ષ સુખમય રહે તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. નવા વર્ષે જીવનમાં એવો સંકલ્પ લઈએ જેથી કરીને આપણે સમાજમાં ઉપયોગી થઈ શકીએ. અહીંની વસાહત પાસેથી એક વસ્તુ આપણે અપનાવી શકીએ છીએ અને તે છે માણસાઈના દીવા. તો આપણે સહુ માણસાઈના દીવા બની અરસપરસ મદદરૂપ થવાની આકાંક્ષા રાખી જીવન સુગંધી બનાવીએ.

અહીં સર્વેને અનુભવ થયો હશે કે બસમાં, ટ્રેઈનમાં અગર બીજી કોઈ જાહેર જગ્યામાં જે વ્યક્તિ ડિસેબલ હોય તેને પહેલો પ્રેફરન્સ અહીંની પ્રજા આપે છે. પણ અમુક સમયે આવું જોવા મળતું નથી. તો આ એક સોનેરી સંકલ્પ નવા વર્ષમાં અપનાવી માણસાઈના દીવા પ્રગટાવીએ અને જીવન સુંદર બનાવીએ. આ શુભ પ્રસંગે માનનીય શ્રી સી.બી સાહેબને તેમજ ગુજરાત સમાચારના કાર્યકર્તાઓને પરમકૃપાળુ પરમાત્મા સુખમય જીવન આપે અને 'ગુજરાત સમાચાર' દિન પ્રતિદિન પ્રગતિના શીખરો સર કરે તેવી મારા તરફથી સર્વે ગ્રાહકમિત્રો તરફથી શુભકામના પાઠવું છું.

- ચંદુભાઈ કાનાણી, નોર્થ હેરો

દાળ મોંઘી અને દારૂ સસ્તો?

આજકાલ ભારતના ટીવી-અખબારોમાં ગરીબ માણસો દાળ ખૂબ જ મોંઘી થઈ ગઈ હોવાની અને દાળ લેવી પોષાતી નથી તેથી દાળ સાવ પાણી જેવી ખાવી પડે છે વગેરે ફરિયાદો કરતા જોવા મળે છે. આજ ગરીબ માણસોને દર અઠવાડિયે પરિવાર સાથે સિનેમામાં જઇને ફિલ્મ જોવી મોંઘી નથી પડતી. દર રવિવારે પરિવાર સાથે ફરવા જાય ત્યાં મસાલા-ઢોંસા, પાણીપુરી, ભાજીપાંઉ ઝાપટવા મોંઘા નથી લાગતા. આજે તો દરેક ઘરમાં જેટલા સભ્યો એટલાં મોંઘામાંના ઈન્ટરનેટ સાથેના મોબાઈલ ફોન વસાવે છે. એક વ્યક્તિ રોજના રૂ. પચાસના પાન-મસાલા, ગુટખા પેટમાં પધરાવે છે. ઝૂંપડપટ્ટીમાં રહેતો માણસ પણ દરરોજ દારુ પીતો હોય છે. આ બધું જ બિનજરૂરી અને મોંઘું છે. છતાં તેના વગર ગરીબ માણસ ચલાવી લેતો નથી અને સૌને માત્ર દાળ જ મોંઘી પડે છે. જે વસ્તુ બિનજરૂરી છે તેનો ઉપયોગ ન કરીએ તો દાળ મોંઘી ન લાગે.

દાળ મોંઘી છે તેવા બહાનાં હેઠળ નમો અને નમો સરકારને નિષ્ફળ સરકાર ઠરાવવાના વાહિયાત પ્રયાસો થઈ રહ્યા છે. દાળ મોંઘી થવાનું કારણ આ વર્ષે દુષ્કાળના કારણે દાળનું ઉત્પાદન ઓછું થયું છે અને સરકારને બદનામ કરવા કે કાળાબજાર કરવા માટે સંગ્રહખોરો દાળનો સંગ્રહ કરી રાખે છે.

નમો સરકાર આવવાથી લાંબાગાળા બાદ ભારત દેશને બીજા ઘણાં ફાયદા થશે. આપણે સ્વતંત્ર થયા તેના અડસઠ વર્ષમાં ઘણા વડા પ્રધાન આપણને સુખી નથી કરી શક્યા ત્યારે હવે ચાર વર્ષ નમોને પણ ચકાશી જુઅો. રાહ જોવામાં શું ખોટું છે? દેશના વડા તો નમો જ હોવા જોઈએ, કોઈ દેશને વેચવાવાળા કે ગોટાળા કરવાવાળા તો નહીં જ.

- નવનિત ફટાણિયા, હેનવેલ

રાજકારણ અને ધર્મ

રાજકારણમાંથી ધર્મને સંપૂર્ણ રૂખસદ આપવાને બદલે દેશમાં ધાર્મિક આળપંપાળ અને વોટબેંકોની ગંદી અને હાનિકારક રમતોથી પ્રજામાં કેટકેટલી વિટંબણાઓ અને ધાર્મિક અસહિષ્ણુતા વકરી રહી છે. ધર્મ અને ઈશ્વર એ તો વ્યક્તિગત વિષય છે એને દેશના રાજતંત્રમાં કોઈ સ્થાન આપી શકાય જ નહીં. દેશની પ્રજાને, ધર્મ, જાતિ, જ્ઞાતિ રીત, રૂઢી, ભાષા અને અનામતોનું ભૂત વળગી ગયું છે. એને લીધે પ્રજાના માનસમાં વરવું રૂપ ધારણ કરીને દેશની સુવ્યવસ્થાને ગળે ટૂંપો દઈ રહ્યું છે. પ્રજાને વિભાજીત કરી વધારે ને વધારે સ્વાર્થી, સ્વચ્છંદી અને ઉછાછળી બનાવીને છાશવારે હડતાલો, તોફાનો, અનિષ્ટ વર્તન અને ભાંગફોડભર્યા વિરોધોથી દેશની પ્રગતિને અવરોધે છે.

દેશની પાર્લામેન્ટમાં પણ પ્રજાના હિતની વાટાઘાટો અને વિચારોની આપ-લે કરવાને બદલે અનીચ્છનીય અને અણછાજતા વિરોધો અને વોકઆઉટ થાય છે. કેટલાક વખતે તો ધક્કામુક્કી અને ભાંગફોડ સાથે ખુરશીઓ ફેંકાય છે. આ લોકશાહીનું લક્ષણ નથી. ૬૮ વર્ષો પછી પણ અપરિપક્વ અને કેટલેક અંશે અજ્ઞાની પ્રજાને લોકશાહી પાકે પાયે પચી હોય એમ લાગતું નથી.

માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો નિર્મળ અને ઉમદા દેશપ્રેમ જગજાહેર છે. યુવા પેઢીને નોકરીઓ મળવાની તકો વધે અને દેશના અર્થતંત્રમાં તેમજ પરદેશી મૂડીના રોકાણની તકો વધે એવી એમની 'મેઈક ઈન ઈન્ડિયા'ની નીતિને પણ જોરશોરથી વખોડી નખાય છે. વધતી જતી વસ્તી અને ગરીબોની લંગારને અંકુશમાં લાવવાની તાતી જરૂર છે. જ્યાં ટોચથી માંડીને છેક નીચલા સ્તર સુધી, ભ્રષ્ટાચાર અને અનીતિનો ભરડો હોય, સાચા દેશપ્રેમનો અભાવ હોય ત્યાં ગમે તેવી સારામાં સારી સરકારો પણ નિષ્ફળ નીવડે એવી શક્યતા નકારી શકાય નહીં.

જે દેશોમાં ધર્મને અતિશય આધિપત્ય અપાતું હોય તે સર્વે દેશો દુનિયાની પંગતમાં પાછળ જ રહી ગયેલા નજરે પડે છે. જ્યારે વિક્સિત દેશોમાં ધર્મને જાહેર જીવનમાં ઓછામાં ઓછી અગત્યતા અપાતી હોય છે. દેશમાં ધાર્મિક સંસ્થાઓ અને પંથોનો રાફડો ફાટી નીકળ્યો છે કે જેનાથી પ્રજા એકતાથી વિમુખ થઈને અંદરોઅંદર લડી મરતી થઈ જતી હોય છે. I am an indian firstની દેશદાઝ ભરી ઘોષણાઓ, કોઈ વ્યક્તિ, સંસ્થા કે પાર્ટીએ જગજાહેર કરીને એનો નારો લગાવ્યો હોય એવી જાણમાં નથી. આમ નહીં બને તો દેશ એક જ સૂત્રમાં બંધાય એવી શક્યતા ઓછી જણાય છે.

ડો. નગીનભાઈ પી. પટેલ, લંડન.

પેરીસમાં આંતકી હુમલો
આપણાં ગુજરાત સમાચારમાં તાજેતરમાં ફ્રાન્સ ખાતે આંતકવાદીઓએ કાળો કેર કર્યો તેના સમાચાર વાંચીને જણાવવાનું કે ૧૩મી નવેમ્બરના રોજ ભારત અને યુકેના વડા પ્રધાનોએ સંકલ્પ કર્યો છે કે અમો આતંકવાદને ખતમ કરીશું. તેના બીજા દિવસે ફાન્સ ખાતે આંતકવાદીઓએ ભયંકર આંતક મચાવીઓ છે ૧૩૦ કરતા વધુના જીવ હોમાયા. આ ઘટનાની વિશ્વના અનેક દેશોએ આલોચના કરી છે. હવે વિશ્વના દેશોએ એક થઇને વિશ્વ વ્યાપી આંતકનો ખાત્મો કરવો જ રહ્યો. દુનિયાને પાયમાલ કરનારા આવા રાક્ષસોને વીણીવીણીને ખતમ કરવા જ જોઇએ અને તેમને મદદ કરનારાઓને પાઠ ભણાવવાનો સમય આવી ચુક્યો છે.

ફ્રાન્સે બીજા જ દિવસે સીરિયા ખાતે આંતકવાદીઓના અડ્ડા પર બોમ્બમારો કરીને કાર્યવાહી કરી તેને ભારત સહીત વિશ્વના અનેક દેશોએ ટેકો આપ્યો છે. આજે વિશ્વ સમક્ષ બે વિકરાળ પ્રશ્ન છે, આંતક અને ગ્લોબલ વોર્મિંગ. જેનાથી વિશ્વની ઊંઘ હરામ થઇ ગઇ છે. ભારતતો વર્ષો થયા દરરોજ આંતકનો ભોગ બને છે. કાશ્મીરના પ્રશ્ને રોજ ઉઠીને સીમાઓ પર હુમલા થઇ રહ્યા છે. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે, છતાં પણ ૧૯૪૭થી પાડોશી દેશ પાકિસ્તાન સમજતું નથી, જે ખુબજ દુ:ખની બાબત છે. હવે યુએનએ પણ જાહેર કરવું જોઇએ કે કાશ્મીર ભારતનું છે અને આઝાદ કાશ્મીર પણ ભારતનું જ છે. 
ભરત સચાણીયા, લંડન. 

‘ગુજરાત સમાચારના ગુણલાં’

‘ગુજરાત સમાચાર’ના ગુણલાં કેમ ના ગાઈએ?

આખુ વરસ નિયમિત દર અઠવાડિયે વાંચકોને ‘ગુજરાત સમાચાર’ મળ્યું છે અને એ જ પ્રમાણે નવા શરૂ થતા વરસમાં એવો જ લાભ મળે એવી આશા રાખીએ છીએ અને તે માટે સર્વ કાર્યકર્તાઓને અભિનંદન અને આભાર.

સાથે દિવાળીના તથા નવા વરસના ખૂબ ખૂભ અભિનંદન અને વડિલોના આશિર્વાદ તથા સહુ વાંચકોને પણ નવા વરસની શુભકામનાઓ. સી.બી.ના ‘જીવંત પંથ’ વાંચવાની ખૂબ જ મઝા આવે છે ખૂબ જ જાણવાનું મળે છે. જુની કવિતાઓ યાદ કરાવો છો મઝા આવે છે પેપર ખોલું કે પહેલાં જ ‘જીવંત પંથ’ જ વાંચુ છું.

આપણા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વેલકમ કહીએ એમનામાં મૈત્રીભાવના ખૂબ જ છે. નરેન્દ્ર મોદી કવિ પણ છે એમની કવિતા ‘કાગળ પરના દીવા’ કેમ ભૂલી શકાય? જે અત્રે પ્રસ્તુત કરૂ છું.

‘પ્રારબ્ધને અહિંયા ગાંઠે કોણ?

હું પડકાર ઝીલનારો માણસ છું.

હું તેજ ઉછીનું લઉં નહિ

હું જાતે બળતું ફાનસ છું.

ઝળહળાંની મોહતાજ નથી

મને મારું અજવાળું પૂરતું છે.

અંધારામાં વમળને કાપી, કમળ તે જ તો સ્ફુરતું છે.

ધુમ્મસમાં મને રસ નથી, હું ખૂલ્લો અને નિખાલસ છું.

કુંડળીને વળગવું ગમે નહિ. ને ગ્રહો ને શિર નમે નહિં.

કાયરોની શતરંજ પર જીવ સોગઠાં બાજી રમે નહિ.

હું પોતે જ મારો વંશ જ છું. હું પોતે મારો વારસ છું.

પ્રારબ્ધને અહિંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનાર માણસ છું.

- નરેન્દ્ર મોદી.

મેં એમની આ કવિતા વાંચી છે. મને ખૂબ જ ગમી છે. સી.બી પટેલ તથા ‘ગુજરાત સમાચાર’ના સર્વ કાર્યકર્તાઓને નૂતન વર્ષાભિનંદન અને ખૂબ પ્રગતિ કરતું રહે એવી અભ્યર્થના.

- નીરુબેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter