દુઃખીજનો ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાને બદલે અંધશ્રદ્ધામાં અટવાઈને દુઃખનો ગુણાકાર કરે છેઃ પૂ. ભાઈશ્રી

કોકિલા પટેલ Thursday 16th August 2018 03:21 EDT
 
 

સોમવારે સવારે વ્રજભાઈ પાણખણિયાના નિવાસસ્થાને (હેરો ઓન ધ હીલ) પૂ. ભાઈશ્રી રમેશભાઇ ઓઝા સાથે પ્રશ્નોત્તરી કરવાનો અવસર સાંપડ્યો, જેને અમારું સદ્ભાગ્ય ગણીએ છીએ. લગભગ પોણો કલાક સુધી ચાલેલી આ પ્રશ્નોત્તરી દરમિયાન પૂ. ભાઈશ્રીએ ખૂબ સરસ વિચારો વ્યક્ત કર્યા જે અમે અત્રે રજૂ કરીએ છીએ.
પ્રશ્નઃભાઈશ્રી આપશ્રીએ કાલે વ્યાસપીઠ પરથી એક રસપ્રદ વાત કહી હતી કે આપ પટણા (બિહાર)માં ભાગવત કથા કરવા ગયા ત્યારે ત્યાંથી વહેતી ગંગા નદીમાં ડૂબકી મારી ગંગાજીનું પાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં આપશ્રીને ગંગાઘાટે લઈ જવાયા એ વખતે ત્યાં બે પત્રકારો પણ ઉપસ્થિત હતા. આપે ત્યાં જઈને ગંગા નદીને અત્યંત ગંદકીથી પ્રદૂષિત થયેલી જોઈ આપને સ્નાન અને ગંગાપાન કરવાનું યોગ્ય નહિ લાગતાં આપ પાછા આવ્યા એ જોઈ પત્રકારોએ છાપામાં લખી નાખ્યું કે, કથાકાર પૂ. ભાઈશ્રી ગંગાસ્નાન કર્યા વગર પરત આવ્યા!! શું ગંગાસ્નાન કે યમુનાપાન કરવાથી માણસનું તન અને મન પવિત્ર થઈ શકે છે?
પૂ.ભાઇશ્રી: આપણે ત્યાં પ્રકૃતિને શ્રદ્ધાપૂર્વક જોડવામાં આવે છે. નદીઓ, પર્વતો, વૃક્ષો, પશુ-પ્રાણી સૌને શ્રદ્ધા સાથે જોડવામાં આવ્યાં છે. પર્વતોમાં ગિરનાર, ગિરીરાજ, હિમાલયમાં ચારધામની યાત્રા થાય. વૃક્ષો પ્રત્યે શ્રદ્ધા જગાવી પીપળાના વૃક્ષ, તુલસીમાં ઈશ્વરનો વાસ ગણીએ. આમ, પ્રકૃતિમાતા પ્રત્યે સદવ્યવહાર કરવાનું શીખવ્યું. આપણે ઋષિઓના સંદેશને સમજ્યા જ નહીં અને નિજી સ્વાર્થમાં પ્રકૃતિ વિરુદ્ધ કર્મો કરતા ગયા. કર્મકાંડ વિસરી ગયા અને નદીઓમાં ગંદકી ફેલાવી દીધી. વૈષ્ણવ થઈ ચૂંદડી મનોરથ કરે પણ વૃદ્ધાશ્રમમાં અેની સગી મા કોઈનો સાડલો પહેરી કકળતી હોય, રડતી હોય અને એ ચુંદડી મનોરથ કરે એનો શું અર્થ??
પ્રશ્નઃઆપણો સનાતન ધર્મ વિશાળ અને પુરાણો છે, પણ એ અનેક સંપ્રદાયોને કારણે વિભાજીત છે. દરેક વચ્ચેના મતમતાંતરને કારણે આપણી યુવાપેઢી કનફ્યુઝ છે, ગુમરાહ થઈ રહી છે. એનો લાભ લઈ યુનિવર્સિટીઓ કોલેજોમાં વિધર્મીઓ આપણા યુવાનોને ધર્મ પરિવર્તન તરફ આકર્ષી રહ્યા છે. એ બાબત અંગે આપ કોઈ માર્ગદર્શન કરી શકો?
 (પૂ. ભાઈશ્રી)ઃ તમે સામે પેલું વિશાળ વૃક્ષ જોઈ શકો છો? એનું થડ એક જ છે. જેવું એ વિકસીને ઉપર વધતું ગયું એમાં ડાળીઓ જુદી થઈ. આ સ્વાભાવિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા હિન્દુધર્મમાં જ નહિ, પણ ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ તમામ ધર્મોમાં પ્રવર્તે છે. વૈદિક ફીલોસોફી એ મૂળ છે એના ઉપર થડ વિકસતાં ડાળીઓ થઈ, પાંદડાં થયાં. જ્યારે ડાળીઓ એકબીજા સામે ઘર્ષણ પામે, ડાળીઓ અંદરોઅંદર લડે ત્યારે થડને એટલે કે આપણા પૌરાણિક ગ્રંથોને ગાળ પડે છે. તેમ છતાં દરેક ડાળીને પોતાનું મહત્ત્વ હોય છે. અનેકતામાં એકતા અને એકતામાં અનેકતાનો સંદેશ સનાતન ધર્મ પાસે છે એટલે આપણે દરેક ધર્મને સાંભળીએ, આદર કરીએ, સ્વીકારીએ છીએ. પરંતુ કેટલાક લોકો સાવ દરવાજા બંધ કરીને બેઠાં છે ત્યાં એ ધર્મ કટ્ટરતાને વર્યો છે. જ્યાં માણસાઈ ભૂલી જવાય એવો ધર્મ ભટકાવે છે પછી એ કોઈપણ ધર્મ હોય.
પ્રશ્નઃવ્યક્તિ એટલે કે માણસની સાત્ત્વિકતા કેવી રીતે માપી શકાય?
પૂ. ભાઈશ્રી: એ માણસનું વ્યક્તિત્વ, જીવન આકૃતિ, વ્યવહાર વૃત્તિ તરત પ્રતિબિંબ પાડશે કે એ તમોગુણી છે, રાજસી છે કે સાત્ત્વિક છે.
પ્રશ્નઃધર્મની આડ હેઠળ (દુરુપયોગ કરી) કેટલાક લેભાગુ જ્યોતિષીઓ, તાંત્રિક બાબાઓ ૨૪ કલાકમાં આધિ-વ્યાધિ ઉપાધિઓનો ઉકેલ લાવી આપવાની લાલચ આપી વખાનાં માર્યા લોકોને લૂંટવાનો, સ્ત્રીઓનું શોષણ કર્યાના કિસ્સા બહાર આવ્યા છે. આ અંગે આપનું શું મંતવ્ય છે?
પૂ. ભાઈ શ્રીઃ જીવનમાં સુખ અને દુ:ખ એક સિક્કાની બે બાજુ જેવા છે. એ સત્યનો સ્વીકાર કરવો જોઈએ. સુખ અને દુઃખ એકમેક સાથે જોડાયેલા છે. દુઃખ આવે ત્યારે ધીરજ, સહનશીલતા અને ઇશ્વરમાં સાચી શ્રદ્ધા-આસ્થા રાખો. શ્રદ્ધા અને સહનશીલતાને છોડી નાસીપાસ ને દુઃખી થઇ અહીં-તહીં ભટકીએ, અંધશ્રદ્ધામાં અટવાઈએ ત્યારે આપણે દુઃખનો ગુણાકાર કરીએ છીએ, ભાગાકાર નહીં. શ્રદ્ધાથી બહાર નીકળવા હનુમાન ચાલીસા અથવા બીજા કોઈ અનુષ્ઠાન કરો. તાત્કાલિક પરિણામની લાલચ આપનારાથી ચેતો. એ એક રૂપિયા અથવા પાઉન્ડ કમાવવાની દુકાન સિવાય છે, એમાં કંઈ મળતું નથી. દુઃખથી ડરો નહી, શ્રદ્ધાથી ધીરજ રાખી સુખની રાહ જોઈએ. અંધકાર પછી સૂરજ ઊગે જ છે. અંધશ્રદ્ધાના ઓઠા હેઠળ ૨૪ કલાકમાં પરિણામ લાવી આપવાની લાલચ આપી જંતરમંતર કરતા લેભાગુ તાંત્રિક બાબાઓ, જ્યોતિષીઓની જાહેરાતો નહિ છાપવાનો ‘ગુજરાત સમાચાર’ના તંત્રીશ્રી સી.બી. પટેલે નિર્ણય લીધો છે એ અત્યંત અભિનંદનીય પગલું છે.
પ્રશ્નઃઆપ યુરોપ સહિત યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, અમીરાત જેવા અનેક દેશોમાં ભાગવત કથા કરવા જાવ છો. આપશ્રીને ધર્મ પ્રત્યેનો અહોભાવ વધારે ક્યાં જોવા મળ્યો?
પૂ. ભાઈશ્રી: ભારતથી વર્ષો પહેલાં આફ્રિકા ગયેલા આપણા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ મોટી સંખ્યામાં બ્રિટનમાં વસે છે. એમનામાં આપણા પરંપરાગત ભારતીય ધર્મસંસ્કારો સારી રીતે જળવાઈ રહ્યા છે. સાથે સાથે અંધશ્રદ્ધા પણ વિશેષ પ્રમાણમાં દેખાય છે. અંધશ્રદ્ધાથી દૂર રહી સાત્ત્વિક શ્રદ્ધા વધે એ રીતે સત્સંગ કરો.
છેલ્લે વ્રજભાઇની ઉપસ્થિતિમાં ભારતની ખાસ કરીને ગુજરાતની શાળાઓમાં શિક્ષણ નીતિમાં સુધારા કરવાની ચર્ચા કરી ત્યારે ભાષા અને શિક્ષણક્ષેત્રે રસ દાખવી સક્રિય બનેલા ભાઇશ્રીએ જણાવ્યું કે, "ભારતની શિક્ષણનીતિમાં ફેરફારો થઈ રહ્યા છે. વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે આખી શિક્ષણ નીતિમાં ફેરફાર કરવાનો આરંભ કરી દીધો છે. એક વખત નરેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં કથાના મંચ પરથી મેં વિચારો વ્યક્ત કર્યા હતા કે જેમ અંગ્રેજી ભાષાને આજે વધુ પ્રાધાન્ય અપાય છે સાથે આપણી માતૃભાષાને પણ મહત્તા મળવી જોઈએ. ગુજરાત સરકારે ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ભાષા અનિવાર્ય ગણાવી છે. સાથે સંસ્કૃત ભાષાની પણ એક વિષય તરીકે ગણના થઈ છે. આપણા સાંદિપની આશ્રમના ગ્રેજ્યુએટ થયેલા છે એમાં અધિકાંશ શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ અદા કરી રહ્યા છે. દૂધમાં ધીરે ધીરે કેસર ભળે એમ રાજ્યસ્તરે અને કેન્દ્રમાં શિક્ષણ નીતિમાં પરિવર્તન થઈ રહ્યું છે.”
ભાઈશ્રીએ કહ્યું કે, "સાપુતારામાં અમે એક શાળા દત્તક લીધી છે. જેમાં છઠ્ઠાથી ૧૨ ધોરણ સુધીના ૪૦૦ આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ આદિવાસી, ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલનો ડ્રેસ, પુસ્તકો-નોટબુકો સહિત લોજીંગ, બોર્ડિંગની સુવિધા આપવામાં આવે છે. આ સ્કૂલમાં ૧૮% રીઝલ્ટ આવતું એની જગ્યાએ હવે ૧૦૦% રીઝલ્ટ આવે એવી તમામ સવલતો સાથેની ઉત્તમ શિક્ષણ નીતિ અપનાવવામાં આવી છે.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter