દેશ-વિદેશમાં વસતા રામભક્તો અને નાગરિકોને સત્ય, જ્ઞાન અને પ્રેમનો સંદેશ આપ્યો

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા પૂ. મોરારિબાપુ

Wednesday 04th November 2026 04:52 EST
 
 

મહુવા (ભાવનગર)ઃ વૈશ્વિક કથાકાર પૂ. મોરારિબાપુએ દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે દેશ અને દુનિયાભરમાં વસતાં તમામ રામભક્તો અને નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. નવા વર્ષના પ્રારંભે સનાતન સંસ્કૃતિ અને બાળપણની યાદોને તાજી કરતા તેમણે એક વિશેષ સંદેશ પાઠવ્યો હતો. આ મંગલ સંદેશથી હજારો ભક્તોમાં નૂતન વર્ષના ઉત્સાહની સાથે આધ્યાત્મિક ઉર્જાનો પણ સંચાર થયો છે.
પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવ્ય સંદેશ આપતું પર્વ
નવા વર્ષના પ્રારંભે તેમણે બૃહદારણ્યક ઉપનિષદનો પ્રસિદ્ધ વૈદિક શાંતિ મંત્ર અને શાળાકાળમાં લગભગ દરેક વિદ્યાર્થીઓ ગાયેલી પવિત્ર પ્રાર્થના ‘અસતો મા સદ્ ગમય...’ ને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર એ માત્ર અંજવાળા કે દીવાઓનો ઉત્સવ નથી, પરંતુ તે જીવનમાંથી અંધકારને દૂર કરી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવ્ય સંદેશ આપનારું પર્વ છે.
અસત્ય છોડી પરમાત્માના પ્રકાશ તરફ વધવા આહવાન
પૂ. મોરારિબાપુએ પોતાના સંદેશમાં ઉમેર્યું હતું કે દિવાળી અને નૂતન વર્ષ આપણને સહુને અજ્ઞાન, અસત્ય અને અંધકારરૂપી નકારાત્મકતાને છોડીને જ્ઞાન, સત્ય અને પરમાત્માના પ્રકાશ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. આ નવા વર્ષે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સદવિચારોનો દીવો પ્રગટાવે તેવી આકાંક્ષા તેમણે સેવી હતી.
સમાજમાં પ્રેમ અને કરુણા ફેલાવવાની આકાંક્ષા
પૂ. મોરારિબાપુએ દેશ અને વિદેશમાં વસતા તમામ શ્રદ્ધાળુઓ સમાજમાં પ્રેમ, કરુણા તથા સદ્ભાવનાનો પ્રકાશ ફેલાવે તેવી હાર્દિક કામના કરી હતી. તેમના આ મંગલમય આશીર્વચનો સાથે જ સમગ્ર શ્રદ્ધાળુ વર્ગમાં નૂતન વર્ષ નિમિત્તે ખુશીઓનો માહોલ જોવા મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter