લંડનઃ ધર્મજ સોસાયટી ઓફ લંડન (DHASOL) દ્વારા 14 સપ્ટેમ્બર 2025ના રોજ હેરોના બ્લુ રૂમ ખાતે વાર્ષિક મેળાવડાનું આયોજન કરાયું હતું, જેમાં હેરોના મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સૌ પહેલા પ્રાર્થનાઓ અને ધર્મજ ગીત ‘મારું ધર્મજ’ના ગાન સાથે ઈવેન્ટનો આરંભ કરાયો હતો. મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલનું સ્વાગત સેક્રેટરી રશ્મિબહેનના હસ્તે કરાયું હતું.
ધર્મજ સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ પટેલે તેમનો પરિચય આપતા જણાવ્યું હતું કે સૌપ્રથમ 2002માં બેલમોન્ટ વોર્ડના કન્ઝર્વેટિવ પાર્ટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા અંજનાબહેન 2025માં હેરોના 73મા મેયર તરીકે ચૂંટાયા છે. તેઓ વર્ષોથી નવરાત્રિ અને બાર્બેક્યુ ઈવેન્ટ્સ અને કોમ્યુનિટીના કાર્યક્રમો મારફત DHASOL સાથે સંકળાયેલાં છે અને યુકે અને ભારતમાં DHASOLના કોમ્યુનિટી અને સખાવતી કાર્યો વિશે સંપૂર્ણ જાણકારી ધરાવે છે. ધર્મજ ગામ સાથે પણ તેમના સંપર્કો વિશે ભાર મૂક્યો હતો.
મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલે તેમના દિવંગત પિતા મુજીભાઈ ધર્મજની શાળામાં શિક્ષક હતા તેનું સ્મરણ કરવાં સાથે જણાવ્યું હતું કે તેઓ આજે પણ નિયમિતપણે ધર્મજની મુલાકાત લેતાં રહે છે. તેમણે ધર્મજ ગામના વિકાસ અને ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં DHASOLના સખાવતી યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે DHASOLની ફ્રીહોલ્ડ પ્રોપર્ટીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેમની જાણકારી મુજબ મૂળ વતનથી દૂર પોતાની જ ફ્રીહોલ્ડ પ્રોપર્ટીની માલિકી ધરાવતી એકમાત્ર ગ્રામીણ કોમ્યુનિટી ધર્મજની જ છે. તેમણે ધર્મજ ગીત માટે ગર્વ વ્યક્ત કરી બધાને તે શીખી લેવાની સલાહ આપી હતી. તેમણે આ વર્ષ માટે પોતાની પસંદગીની ચેરિટી VIA Harrow હોવાની જણાવી ઉમેર્યું હતું કે ચેરિટી આલ્કોહોલ, ડ્રગ્સ, ધૂમ્રપાન અથવા વેપિંગ વગેરેથી અસરગ્રસ્ત વયસ્કોને નિઃશૂલ્ક અને ખાનગી રીતે સપોર્ટ પૂરો પાડે છે.
આ ઈવેન્ટમાં મેયર અને કમિટીના સભ્યોએ DHASOLને લાંબા સમયથી સેવા આપી રહેલા વર્તમાન ટ્રસ્ટીઓ ભુપેન્દ્રભાઈ અંબાલાલભાઈ અને દિનુભાઈ રાવજીભાઈનું પુષ્પહાર અને શાલ ઓઢાવીને સન્માન કરી તેમની પ્રતિબદ્ધતા અને કોમ્યુનિટીને આપેલી દીર્ઘકાલીન માનદ સેવાને બિરદાવી હતી. પ્રમુખ મુકુંદભાઈએ તાજેતરમાં થોડા અંતરે ચિરવિદાય લઈ ગયેલાં કોલ્ચેસ્ટરના ભાસ્કરભાઈ મનુભાઈ અને જ્યોત્સનાબહેન ભાસ્કરભાઈ દ્વારા DHASOL અને CGNM કોમ્યુનિટીને અપાયેલી સેવા અને યોગદાનને ગર્વ સાથે યાદ કર્યા હતા. મુકુંદભાઈએ સભ્યોને યાદ અપાવી હતી કે 188-190 કેન્ટન રોડ, કેન્ટનની મૂલ્યવાન ફ્રીહોલ્ડ પ્રોપર્ટી DHASOLના બેલેન્સશીટમાં દર્શાવાતી રહેશે. આ પ્રોપર્ટી સમાજના શ્રેષ્ઠ હિતમાં કોમર્શિયલ ધોરણે લીઝ પર આપવાના ટ્રસ્ટીઓના નિર્ણયને ડહાપણભર્યો ગણાવ્યો હતો.
પ્રમુખ મુકુંદભાઈએ મેયરની પસંદગીની ચેરિટી માટે 251.00 પાઉન્ડ આપવાની જાહેરાત કરી હતી. તેમણે મેયર, મહેમાનો અને દાતાઓનો આભાર માનવા સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું.


