તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો છે. યુકે, આફ્રિકા અને વિશ્વભરમાં લોહાણા કોમ્યુનિટી જે પ્રકારે બિઝનેસમાં સફળતા અને સખાવતોના કામ કરે છે તેની રસપ્રદ માહિતી અવારનવાર ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં આપવામાં આવે છે તે ખરેખર મહત્ત્વપૂર્ણ છે. તેનાથી યુવાનોને પ્રેરણા મળે છે. લોહાણાઓને બિઝનેસ કરવાની રીતરસમ ગળથૂથીમાં જ મળે છે.તમે લોહાણા કોમ્યુનિટી અને તેના અગ્રણીઓ વિશે જે રજૂઆતો કરો છો તેમાંથી બધાને શીખવાનું મળે છે. આ બદલ હું આપને ખાસ અભિનંદન પાઠવું છું.
મારા ગ્રાન્ડફાધર કેન્યાના કિસુમુમાં હતા અને તેઓ પ્રદીપભાઈના પરિવારને ઓળખતા હતા. અહેવાલમાં તેમની તસવીર નિહાળીને મને આનંદ થયો. અમારી એટલે કે મારા પિતાની શોપ હેન્ડનમાં હતી અને મારા પિતા હંમેશાં ધામેચા કેશ એન્ડ કેરીમાંથી ખરીદી કરવાનો આગ્રહ ધરાવતા હતા. આનુ કારણ જથ્થાબંધ અને રિટેઈલ વેચાણમાં અગ્રેસર ધામેચા પરિવારની પ્રતિષ્ઠા અને તેમના માલસામાનની ક્વોલિટીમાં રહ્યું હતું.
હું સત્તાવીસ ગામનો મેમ્બર છું. અહીં પણ જે હોલ છે તેમાં ધામેચા પરિવારનું ઉદાર સખાવતનું યોગદાન છે. લંડન, સાઉથ લંડન અને વેસ્ટ લંડન તેમજ લંડનના અન્ય વિસ્તારો, બર્મિંગહામ, લેસ્ટર,ક્રોલી સહિત અન્ય સ્થળોએ મંદિર અને કોમ્યુનિટી હોલ્સના નિર્માણમાં ધામેચા પરિવારે ઉદારદિલે માતબર સખાવતો કરેલી છે. લોહાણા કોમ્યુનિટીનું હિત તેમના હૈયે વસેલું છે.
પ્રદીપભાઈ ધામેચા, તેમના પિતા મુરબ્બી ખોડીદાસભાઈ, તેમના કાકા શાન્તિભાઈ, આ બધા લોકો આપણા સમાજના મોભી નરરત્નો છે અને સીબીએ તેમનું સન્માન કર્યું છે. આપણા સમાજે તેમનું સન્માન કરવું જોઈએ.
ચેતન પટેલ
લંડન