નકુરુઃ લાયન્સ ક્લબ ઓફ મેનેન્ગાઈ દ્વારા નકુરુના હિરજી બાપા હોલમાં શનિવાર 13 ડિસેમ્બર 2025ના રોજ અત્યંત સફળ પ્રી-ક્રિસમસ પાર્ટી ઉજવાઈ હતી, જેમાં રેડ અને બ્લેક ડ્રેસ કોડ સાથે 70થી વધુ મહિલાએ ભાગ લીધો હતો. મહેમાનોએ સ્વાદિષ્ટ વાનગીઓ સાથેના ભોજન, મનોરંજક રમતો, જીવંત મ્યુઝિક અને ઈનામોના રોમાંચ સાથે પાર્ટીની મોજ માણી હતી.
લાયન્સ ક્લબ ઓફ મેનેન્ગાઈ ડો. રાની રામચંદાનીનાં પ્રમુખપદ હેઠળ સંપૂર્ણપણે મહિલાઓની ક્લબ છે. પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સુશી શાહની ઉપસ્થિતિમાં ડો. રાની રામચંદાનીએ ક્લબનાં એન્જોરોસ્થિત ચાવીરૂપ પ્રોજેક્ટ એન્જોરો ગર્લ્સ હોમ વિશે વાત કરી હતી. આ ગર્લ્સ હોમ 40 અનાથ બાળાઓને સપોર્ટ કરે છે તેમજ તેમના અભ્યાસ અને આવશ્યક જરૂરિયાતો પૂરી કરે છે. વર્ષો દરમિયાન, આ પ્રોગ્રામની ઘણી લાભાર્થીઓ શ્રેષ્ઠ ડીગ્રીઓ સાથે સ્નાતક બની છે અને હાલ સારી જગ્યાઓ પર કામ કરે છે.
આ મુખ્ય પ્રોજેક્ટ ઉપરાંત, ક્લબ સેનેટરી ટોવેલ અભિયાન, બોક્સર્સ ફોર બોઈઝ કેમ્પેઈન્સ, શાળાઓને લાઈબ્રેરી બુક્સનું દાન, ભોજન કાર્યક્રમો, અક્ષમ વ્યક્તિઓ માટે હેરફેરના સાધનો, મેડિકલ કેમ્પ્સ, ડાયાબિટીસ જાગૃતિ શિબિરો સહિત વિવિધ ચેરિટેબલ ઈનવિશિયેટિવ્ઝ તથા કોમ્યુનિટી આધારિત અન્ય ઘણી પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે.
આ ઈવેન્ટમાં ડાયરેક્ટર ફોર જેન્ડર, સોશિયલ સર્વિસીસ એન્ડ ઈન્ક્લુઝિવિટી, સેલિના નકાથાએ ખાસ ઉપસ્થિત રહી મહિલાઓના અધિકારો અને સશક્તિકરણ વિશે સુંદર સંબોધન કર્યું હતું. ક્લબના પૂર્વ ચાર્ટર લાયન્સ મીનાબહેન ખગ્રામે એન્જોરો ગર્લ્સ હોમ પ્રોજેક્ટ માટે પેન્ટીઝ અને સેનેટરી પેડ્ઝનું દાન કર્યું હતું. ક્લબના પ્રેસિડેન્ટ ડો. રાની રામચંદાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લાયન્સ ક્લબ ઓફ મેનેન્ગાઈના દ્વાર શુભેચ્છકો સાથે ભાગીદારી માટે હંમેશાં ખુલ્લાં છે. તેમણે સાથે મળીને કોમ્યુનિટીની સેવા કરવામાં રસ ધરાવતી મહિલાઓને ક્લબમાં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું.


