નકુરુઃ કેન્યા હોર્ટિકલ્ચરલ સોસાયટી (KHS)એ નકુરુના હિરજી બાપા હોલમાં રવિવાર 7 ડિસેમ્બર 2025ના રોજ 10મો સફળતાપૂર્ણ ફ્લાવર શો યોજ્યો હતો. જેની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેવા મઘમઘતા બાગાયતી પ્રદર્શનમાં સમગ્ર વિસ્તારમાંથી આવેલા હોર્ટિકલ્ચરલ શોખીનો, પરિવારો અને મુલાકાતીઓએ પ્રકૃતિ, રચનાત્મકતા અને સામુદાયિક ભાવનાને એકસાથે નિહાળી અને માણી હતી. ચીફ ગેસ્ટ પ્રવીણભાઈ બોવરીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરી તેને સત્તાવાર ખુલ્લો મૂક્યો હતો.
કેન્યા હોર્ટિકલ્ચરલ સોસાયટીની વર્ષ 2025ની કમિટીના નૂતનબહેન પટેલ (ચેરપર્સન), લવિનાબહેન ચાપલોત (સેક્રેટરી) અને શબાનાબહેન પારકર (ટ્રેઝરર)ની રાહબરી હેઠળ યોજાએલા ઈવેન્ટ સાથે 2016માં આરંભાયેલી સુંદર પ્રવૃત્તિનો એક દશકો પૂર્ણ થયો છે. આ વર્ષના શોમાં 16 વિવિધ કેટેગરીમાં વહેંચાયેલાં 135 ડિસ્પ્લેનો સમાવેશ કરાયો હતો. મંત્રમુગ્ધ કરી દેનારી પુષ્પાવલિ અને ગોઠવણીઓ, ભરાવદાર પ્લાન્ટ્સ અને ઝીણવટપૂર્વકના રોક ગાર્ડન્સથી માંડી વિશિષ્ટ પાંદડેદાર વનસ્પતિનો સંગ્રહ તેમજ પ્રકૃતિથી પ્રેરિત કળામય એમ્બ્રોઈડરી, દરેકમાં રચનાત્મકતા વાસ્તવમાં પ્રેરણાદાયી બની રહી હતી.
એન્જોરો અને નાઈરોબીથી આવેલા જજીસે દરેક એન્ટ્રીને ધ્યાનપૂર્વક નિહાળી તેમનું મૂલ્યાંકન કર્યું હતું અને તમામ વિભાગોમાં ન્યાયી અને પ્રોફેશનલ નિર્ણયો આપ્યા હતા. ખીલી ઉઠેલાં રંગબેરંગી પુષ્પો, બગીચાઓ માટે નવીનતમ ડિઝાઈન્સ અને કાળજીપૂર્વક તૈયાર કરાયેલી સજાવટોથી મુલાકાતીઓના દિલ પણ મહેંકી ઉઠ્યાં હતાં. ફ્લાવર શોમાં સ્પર્ધાની સાથોસાથ સંપૂર્ણ આનંદ અને શીખવાનું વાતાવરણ જોવાં મળ્યું હતું. બાગાયતના અનુભવી માળીઓએ શીખાઉ અને મુલાકાતીઓએ છોડના ઉછેર અને જતન વિશે સલાહો આપી હતી અને પ્રકૃતિપ્રેમીઓ વચ્ચે મિત્રતા મહોરી ઉઠી હતી. લોકપ્રિય રેફલ ડ્રોએ વધારાની રોમાંચક ક્ષણો ઉમેરી હતી અને વિજેતાઓ તેમજ ભાગ લેનારાઓને સુંદર ઈનામો પણ મળ્યાં હતાં.
KHS ફ્લાવર શો માત્ર પ્રદર્શન નથી,પરંતુ વાર્ષિક મેળાવડો છે જે કેન્યાના સમૃદ્ધ બાગાયતી વારસાને પ્રદર્શિત કરે છે અને ગાર્ડનર્સની નવી પેઢીને પ્રેરણા આપે છે. કેન્યા હોર્ટિકલ્ચરલ સોસાયટીએ તમામ ભાગ લેનારાઓ, નિર્ણાયકો, વોલન્ટીઅર્સ અને 10મા ફ્લાવર શોને ભારે સફળ બનાવનારા મુલાકાતીઓનો આભાર માન્યો હતો. હવે 2026ના 11મા ફ્લાવર શો માટેની તૈયારી પુરજોશમાં આરંભાઈ છે.


