નકુરુઃ કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક અને ભક્તિભાવની ઉજવણીમાં સેંકડો હિન્દુ ભક્તો એકત્ર થયા હતા. આ પ્રદેશના હિન્દુ સમુદાય માટે આ સીમાચિહ્ન સમાન પળો હતી.
શુક્રવાર 23 જાન્યુઆરીએ બૈરાગી ભજન મંડળી દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા જેનાથી મહોત્સવનો આધ્યાત્મિક માહોલ રચાયો હતો. શનિવાર 24 જાન્યુઆરીએ પવિત્ર હવનવિધિ યોજાયો હતો અને સાંજના સમયે હનુમાન દાદાના જીવનચરિત્રનું શક્તિશાળી સ્ટેજ પરફોર્મન્સ પ્રસ્તુત કરાયું હતું. ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દેનારી આ પ્રસ્તુતિમાં 79 સમર્પિત કળાકારોએ ભાગ લીધો હતો.
રવિવાર 25 જાન્યુઆરીએ મુખ્ય કાર્યક્રમનું આયોજન હતું જેમાં ભાગ લેવા કેન્યાના અનેક વિસ્તારોમાંથી ભક્તો વહેલી સવારથી આવવા લાગ્યા હતા. સવારના 7.30 કલાકે એકતા અને સેવાભાવનાથી પૂર્ણ કોમ્યુનિટી બ્રેકફાસ્ટ સાથે દિવસનો આરંભ થયો હતો. આ પછી, ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેને કેન્યાસ્થિત ડેપ્યુટી ભારતીય હાઈ કમિશનર સુશીલ પ્રસાદ અને ઓનરરી કોન્સલ સુદીપજી કુલસારીએ પ્રસ્થાન કરાવ્યું હતું. નકુરુની શેરીઓમાં લગભગ ત્રણ કલાક સુધી ‘જય હનુમાન દાદા’ના સતત ઉચ્ચારણો તેમજ પરંપરાગત સંગીત અને ભક્તિસભર નૃત્યો સાથે ભવ્ય શોભાયાત્રા શ્રી કૃષ્ણ ટેમ્પલ પહોંચી હતી.
મુખ્ય યજમાન નિકુભાઈ અને કિશોરભાઈ તેમજ સહયજમાનો શૈલેશભાઈ શેઠ અને ઈલેશભાઈ પટેલ અને સહુના પરિવારજનો દ્વારા હનુમાન દાદાની મૂર્તિનો અનાવરણ વિધિ કરવામાં આવ્યો હતો. પવિત્રતા અને ભક્તિના આ સમારંભમાં મહાનુભાવો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરેક કાર્યક્રમ પછી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.


