નાગાલેન્ડના ગામ ચિજામીમાં દરેક સ્ત્રી-પુરુષ કર્મશીલ સ્ત્રી-પુરુષની કમાણીમાં પણ સમાનતા

Wednesday 05th February 2020 06:23 EST
 
 

કોહિમા: વાત છે અહીં નાગાલેન્ડમાં આવેલા ફેક જિલ્લાના ચિજામી ગામની. અહીં તમામ પુરુષો જ નહીં, સ્ત્રીઓ પણ કામકાજી છે. આ ગામની સ્ત્રી અને પુરુષની લઘુત્તમ મજૂરી પણ એકસરખી રૂ. ૪૫૦ છે. આ ગામની સ્ત્રીઓએ ફેશન ડિઝાઇનિંગની તાલીમ લીધી છે અને સિવણને મોડર્ન બનાવ્યું છે. ગામની કેટલીક સ્ત્રીઓની કમાણી તો પુરુષોથી પણ વધુ છે. આ ગામની ‘ચિજામી વીવ્સ’ બ્રાન્ડ દેશવિદેશમાં પ્રખ્યાત બની ચૂકી છે. આ ગામની મહિલાઓએ બનાવેલી ચીજો જેવી કે શાલ, સ્ટોલ, મફલર, પર્સ, વોલ હેન્ગિંગ મુંબઇ, દિલ્હી, બેંગલુરુ સહિત દેશવિદેશોના બજારોમાં પણ ધોમ વેચાય છે. આમ તો કામકાજી સ્ત્રીઓ સૌથી ઓછી હોય એવા દેશોમાં ભારત ૧૦મા ક્રમે છે અને આર્થિક સર્વેક્ષણ પ્રમાણે દેશમાં સૌથી ઓછી લઘુત્તમ મજૂરી નાગાલેન્ડમાં ૧૩૬ છે. આ બંને હકીકતથી ચિજામી ગામના કામકાજી વર્ગની વાત સાવ વિપરીત છે.
ચિજામી ગામની મહિલાઓએ પારંપરિક ભરતગૂંથણ, સિવણની કળાને આજના સમય પ્રમાણે અને ગ્રાહકોની માગ પ્રમાણે બનાવીને તેને કમાણીનું માધ્યમ બનાવી છે. તે માટે તેમણે મુંબઇ-દિલ્હીના ફેશન ડિઝાઇનર્સ પાસેથી ટ્રેનિંગ પણ લીધી છે. ‘ચિજામી વીવ્સ’ બ્રાન્ડ નેમ સાથે હેન્ડિક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન આ સામાન વિદેશમાં પણ મોકલી રહ્યું છે.

ગૂંથણનું બિઝનેસ મોડલ

ચિજામી ગામની મહિલાઓ દ્વારા આમ તો પરંપરાગત ગૂંથણકળાથી બનતી ચીજો વખણાતી જ આવે છે. ચિજામીની પરંપરાગત ગૂંથણકળાથી બનેલી ચીજોના માર્કેટિંગ અને બિઝનેસ માટે વર્ષ ૨૦૦૮માં અતિઆધુનિક બિઝનેસ મોડલ બનવાનું શરૂ થયું હતું. નોર્થ-ઇસ્ટ સોશિયલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર ડો. હેક્ટર ડિસોઝા જણાવે છે કે, વર્ષ ૨૦૦૮માં ગૂંથણનો બિઝનેસ મોડલ બનાવવાનો આઇડિયા નોર્થ-ઇસ્ટ નેટવર્ક સંસ્થાની સેનો સુહાહનો હતો. સેનો જણાવે છે કે, ચિજામીની મહેનતુ મહિલાઓ સવારે ૩-૪ વાગ્યે ઊઠી જાય છે. સવારે લૂમ પર ગૂંથણ, બપોરે ખેતીકામ અને સાંજે ફરી ગૂંથણ કરે છે. આ દરમિયાન પરિવાર અને રસોઇનું કામ પણ તેઓ સુપેરે સંભાળે છે. ચિજામી સહિત આ વિસ્તારમાં દરેક ઘરમાં ગૂંથણ થાય છે. નાગાલેન્ડના આસપાસના ૧૬ ગામની ૬૦૦ મહિલાઓ પણ હવે તો અમારી સાથે જોડાઇ છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૫૦ લાખથી પણ વધુ છે. ચિજામીની એતશોલે થોપી જણાવે છે કે, અહીં દરેક મહિલા કમાય છે. પોતાના દરેક નિર્ણયો પણ સ્વતંત્રતાથી જાતે જ કરે છે. અમે ખેતીમાં પણ નવી પદ્ધતિઓ અપનાવી છે. અંદાજે ૬૧ જાતના અનાજ અને શાકભાજીના બીજની બેંક બનાવી છે. ઝૂમ ખેતી પણ અપનાવી છે.
ઝૂમ એટલે સામૂહિક કામ. તેમાં બધા ભેગા મળીને કામ કરે છે અને પાક પણ સરખા ભાગે વહેંચી લે છે. ચિજામીની મહિલાઓએ સમાન વેતન માટે ૭ વર્ષ સંઘર્ષ કર્યો છે. એ પછી વર્ષ ૨૦૧૪માં ગ્રામ પરિષદે સ્ત્રીઓ અને પુરુષોનું મહેનતાણું એક સમાન કર્યું છે. મહિલા-પુરુષ બંનેને ખેતીમાં રોજિંદુ સરેરાશ રૂ. ૪૦૦થી ૪૫૦ રૂ. મહેનતાણું મળે છે જ્યારે ભારતમાં મહિલા ખેડૂતોને પુરુષોથી ૨૨ ટકા ઓછું મહેનતાણું મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter