લંડનઃ બ્રેન્ટમાં નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નજીકના મેડો ગાર્થ રોડના એક હિસ્સાનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના નામે ‘પ્રમુખ સ્વામી રોડ’ કરવામાં આવ્યું છે. નજીકમાં રહેનારા કેટલાક લોકોના વિરોધ છતાં બ્રેન્ટ કાઉન્સિલની કેબિનેટે મંદિરની અરજી સંદર્ભે ૧૨ ઓક્ટોબર, સોમવારે આ નિર્ણય લીધો હતો. કાઉન્સિલે બ્રેન્ટમાં “આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન” તરીકે મંદિરની સ્થિતિ તેમજ બરોમાં તેના યોગદાનનો સ્વીકાર કર્યો હતો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના પ્રમુખ અને સ્વામીનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક વારસદાર હતા. તેમનું ૨૦૧૬માં ૯૪ વર્ષની વયે નિધન થયું હતું.
બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મોહમ્મદ બટ્ટે કેટલાક સ્થાનિક લોકોની ચિંતાઓની કદર કરવા સાથે રોડનું નામ બદલવું એકંદરે સકારાત્મક પગલું હશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આપણે સમાજમાં એક એવા તબક્કે ઉભાં છીએ જ્યાં આપણે સમુદાયના મુદ્દાઓની સંપૂર્ણ ચર્ચા કરીશું. બ્રેન્ટ હંમેશાં આવકારદાયક સમુદાય રહ્યો છે. વૈવિધ્ય તેને અનોખું અને સફળ બરો બનાવે છે. આપણી તમામ કોમ્યુનિટીઓની સિદ્ધિઓને બિરદાવવાની પદ્ધતિ થકી આપણે સુસંવાદી સમાજનું નિર્માણ કરી શકીશું.’
ડડન હિલ વોર્ડના પ્રતિનિધિ કાઉન્સિલર કૃપેશ હિરાણીએ નીસડન સ્વામીનારાયણ મંદિરને યુરોપના સૌથી મોટા હિન્દુ મંદિર અને ‘બ્રેન્ટના જ એક અંગભૂત હિસ્સા’ તેમજ વૈશ્વિક મહત્ત્વના સ્થળ તરીકે ગણાવી નામકરણ અરજીને આવકારી હતી. તેમણે કહ્યું હતું કે માર્ગના નામને બદલવાને નકારાત્મક ઈતિહાસ સાથે નહિ પરંતુ, ‘સકારાત્મક યોગદાન’ સાથે સાંકળવાનું ખરેખર યોગ્ય છે.
કેટલીક પ્રોપર્ટીઝ દ્વારા સંભવિત નામકરણ બાબતે તેમને થનારી અસર વિશે ચિંતા વ્યક્ત કરાવા સાથે બિનજરુરી તણાવ અને તકલીફ સર્જાશે તેવો દાવો પણ કરાયો હતો. મેડો ગાર્થની નિવાસી એક મહિલાએ સ્ટ્રીટના એક હિસ્સાનું નામ બદલવાનું અયોગ્ય ગણાવી તેનાથી મુશ્કેલી ઉભી થશે તેમ જણાવ્યું હતું. જોકે, તેણે કોમ્યુનિટીને મંદિરના યોગદાન અને જેમને મુશ્કેલી થાય તેમને મંદિર દ્વારા વળતરની ઓફરની તેણે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે એકાદ સકારાત્મક પાસાની સામે નકારાત્માક અસરો પર વધુ ધ્યાન અપાવું જોઈએ. મહિલાના સમર્થનમાં બ્રેન્ટફિલ્ડ પ્રાઈમરી સ્કૂલના પ્રતિનિધિઓએ કોઈ ફેરફારની તેમના સરનામાને અસર થશે તેમજ તે ‘આપણી કોમ્યુનિટી કે સ્કૂલ કોમ્યુનિટીને પ્રતિબિંબિત કરતું નથી’ ચેતવણી પણ આપી હતી. લંડન ફાયર એન્ડ ઈમર્જન્સી પ્લાનિંગ ઓથોરિટીએ નવા સૂચિત નામના સ્પેલિંગ અને ઉચ્ચારના કારણે ‘ઈમર્જન્સીના સમયે ગૂંચવાડો અને સંભવિત વિલંબ સર્જાઈ શકે’ તેમ જણાવ્યું હતું.