મોમ્બાસાઃ સમગ્ર વિશ્વમાં વસતા કચ્છી લેવા પટેલોનો સૌ પ્રથમ સમાજ એવું મોમ્બાસા પોતાની સ્થાપનાનું અમૃતપર્વ ન્યાલી ખાતે નૂતન સંકુલમાં ઊજવશે. લાભપાંચમના દિને આ સંકુલના ખાતમુહૂર્ત સાથે કચ્છીઓની આફ્રિકા હિજરતનો નવો અધ્યાય આલેખાયો હતો. સમાજ સંકુલના મુખ્ય દાતા ફોટડી-કચ્છના યુવા ઉદ્યોગપતિ હસમુખભાઇ કાનજી ભુડિયા છે.
લાભપાંચમના પાવન દિવસે સમાજ હોલનું ખાતમુહૂર્ત યોજાયું હતું. ૩,૦૦૦ વ્યકિત માટેના કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાર્કિંગ અને ભોજનવ્યવસ્થા જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર લગ્નવિધિ સહિત વિવિધલક્ષી સામાજિક હોલ બનાવવાનું કાર્ય યજમાન પરિવારના હસમુખભાઇ ભુડિયાની આગેવાનીમાં શરૂ થયું છે. મંદિર અને સમાજના સંપૂર્ણ સહયોગસાથે આ કાર્ય ચાલી રહ્યું છે તેમાં મંદિરના ચેરમેન નારાણભાઇ મેપાણી અને સમિતિના સર્વે સભ્યોનો સાથ-સહકાર મળી રહ્યો છે.
લાભપાંચમે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે એક નાના કાર્યક્રમમાં પૂજનવિધિ કરાઇ હતી. તેમાં અગ્રણીઓ-આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. નૂતન નિર્માણને ભૂજ સમાજ પ્રમુખ વેલજીભાઇ પિંડોરિયા, ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરિયા, મંત્રી કેશરાભાઇ પિંડોરિયાએ શુભેચ્છા આપી હતી અને મોમ્બાસાના જ્ઞાતિજનો અને દાનવીર હસમુખભાઇ ભુડિયાના ભૂજ સમાજને મળી રહેલા સાથને ઐતિહાસિક ગણાવ્યો હતો.
મોમ્બાસાથી સમાજ પ્રમુખ ધનજીભાઇ પિંડોરિયા (સૂરજપર)એ જણાવ્યું કે, ન્યાલી વિસ્તારમાં હાલની સ્વામિનારાયણ એકેડેમી પાછળ સમાજ અને સ્વામિનારાયણ મંદિર મોમ્બાસા બંનેએ સાથે મળીને ૧૦ એકર જમીન ખરીદી છે, તેમાંથી ૧ એકર જમીન સમાજે ખરીદી છે. જ્યારે ૧.૫ એકર જમીન દાતા હસમુખભાઇ ભુડિયા પરિવાર દ્વારા સમાજને દાન મળનારી છે. બાકીની સાડા સાત એકર ભૂમિ પર સ્વામિનારાયણ એકેડેમી સ્કૂલના નવા વિભાગનું નિર્માણ થશે.
મોમ્બાસાથી હસમુખભાઇ ભુડિયાએ કહ્યું કે મોમ્બાસા સમાજ કચ્છી પટેલોનો સૌ પ્રથમ સમાજ છે, જેની સ્થાપના આઝાદી પહેલાં ૧૯૪૬ માં થઇ હતી. વડીલોની દીર્ધદૃષ્ટિ જૂઓ આજ સુધી આ સુવિધા ઘટી નથી. હવે ૧૬૫૦ની સંખ્યા થઇ છે. એટલે નૂતન સંકુલનું સર્જન નવી પેઢી દ્વારા થઇ રહ્યું છે. એમણે ઉમેર્યું કે ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત જેવા ઉદાર સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને માતૃ સંસ્થા ભુજ લેવા પટેલ સમાજના વડીલોનું માર્ગદર્શન મળી રહ્યું છે. મોમ્બાસાથી નારાણભાઇ મેપાણીએ જણાવ્યું હતું કે સમાજ અને સત્સંગના આ સંકુલોમાં ક્રિકેટ સહિતની રમત-ગમત પ્રવૃત્તિઓ માટે મેદાન, સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા, કોલેજ, ટેકનિકલ શિક્ષણ સંકુલ નિર્માણ પામશે. જ્યારે હાલની સ્વામિનારાયણ એકેડેમીમાં નર્સરી અને પ્રાથમિક શાળા રખાશે.
ભૂમિપૂજન પ્રસંગે મોમ્બાસા સમાજના સૂત્રધાર એવા કરશન પ્રેમજી ભુડિયા, કેશવલાલ પ્રેમજી ભુડિયા, નારાણ ગોપાલ ભુડિયા (સુખપર રોહા), હરજી લધા વરસાણી (સામત્રા), વિશ્રામ દેવશી (માનકૂવા), મનજી કરશન વરસાણી (માધાપર), ખીમજી દેવજી (બળદિયા), શામજી લાલજી (સુખપર), ખીમજી વસ્તા ગોરસિયા (માધાપર), હરિભાઇ કેશરા હાલાઇ, મૂળજી દેવરાજી પરિવાર સહિતના પૂર્વજોનું સ્મરણ કરવામાં આવ્યું હતું.