પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઇને એનાયત થશે ‘અહિંસા’ એવોર્ડ

Wednesday 09th November 2022 07:35 EST
 
 

મુંબઇ: સાહિત્ય અને પત્રકારત્વમાં મૂલ્યનિષ્ઠા તેમજ શિક્ષણ, ધર્મદર્શન અને સમાજસેવામાં સંવેદનાત્મક યોગદાન આપવા માટે ‘જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ’ દ્વારા બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં તારીખ 16મી નવેમ્બરે પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈને ‘અહિંસા’ એવોર્ડ એનાયત કરાશે.
નોંધનીય છે કે પ્રતિ વર્ષ અહિંસા દિવસની ઉજવણી સાથે આ અહિંસા એવોર્ડ એનાયત કરાય છે. જે વ્યક્તિએ પોતાનાં જીવનકાર્ય દ્વારા અનુકંપાની ભાવનાનો વિસ્તાર કર્યો હોય તેવી વ્યક્તિને આ સન્માન એનાયત કરવામાં આવે છે. ઇંગ્લેન્ડની ત્રીસથી વધુ સંસ્થાઓના સંગઠન ‘જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ’ દ્વારા લંડનના હાઉસ ઓફ કોમન્સમાં આ એવોર્ડ અર્પણ કરાશે.
અગાઉ નેલ્સન મંડેલા, દલાઈ લામા, આચાર્ય મહાપ્રજ્ઞજી, ડો. પદ્મનાભ જૈનીને આ એવોર્ડ અર્પણ કરાયો છે. લંડનની પાર્લામેન્ટના કમિટી રૂમમાં યોજાનારા આ સમારંભમાં બ્રિટિશ પાર્લામેન્ટના સભ્યો, ઇન્ટરફેઇથ (વિવિધ ધર્મ)ના અગ્રણીઓ તેમજ ભારતીય અને જૈન સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બર્મિંગહામ યુનિવર્સિટીમાં શરૂ થનારા જૈનીઝમના અભ્યાસક્રમ અંગે સમજૂતીકરાર થશે તેમજ ઓશવાળ સેન્ટર, નવજીવન સેન્ટર તથા શ્રીમદ્ રાજચંદ્ર કેન્દ્ર દ્વારા પણ ઇંગ્લેન્ડમાં પદ્મશ્રી સન્માનિત ડો. કુમારપાળ દેસાઈનાં પ્રવચનો યોજવામાં આવ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter