ગુજરાતમાં કેન્સર-રોગના નિષ્ણાત તરીકે ખ્યાતિ પામેલા અને પાંચ દાયકાથી ચિકિત્સા-વિદ્યાને વ્યવસાયરૂપે નહીં પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ અને માનવકલ્યાણના સાધનરૂપે અપનાવનારા પદ્મશ્રી ડો. પંકજભાઈ શાહને સદવિચાર પરિવાર હિરક મહોત્સવ એવોર્ડ-2025થી સન્માનિત કરાયા હતા. પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈના હસ્તે એનાયત કરાયેલા આ સન્માનપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે પદ્મશ્રી ડો. પંકજભાઈ શાહની ચિકિત્સા પદ્ધતિમાં વૈજ્ઞાનિક કુશળતા સાથે કરુણાભાવ, સંવેદનશીલતા અને નૈતિક પ્રતિબદ્ધતા ગાઢ રીતે જોડાયેલી છે. તેમના માટે સારવાર માત્ર રોગમુકિત નથી, પરંતુ માનવીય ગૌરવનું સંરક્ષણ કરવાની આત્મિક પ્રક્રિયા છે. સમાજના વંચિત, પીડિત અને અવગણાયેલા વર્ગ સુધી આરોગ્યસેવા પહોંચે એ તેમની સતત ચેષ્ટા રહી છે. આ સન્માન સમારોહ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા, શૈલેષ પટવારી, જ્યોતિબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


