પવિત્ર શ્રાવણના આરંભે પૂ.ભાઇશ્રીની શ્રીમદ ભાગવત કથા શ્રવણનો અણમોલ લહાવો

શ્રીમદ ભાગવત આધ્યાત્મનો દીપ છે એ વિશ્વની માનવતામાં અજવાળું ફેલાવવા આવ્યો છે: પૂ.ભાઇશ્રી

અહેવાલઃ કોકિલા પટેલ Thursday 16th August 2018 03:17 EDT
 
વ્યાસપીઠ પર બિરાજમાન પૂ. ભાઇશ્રી અને શ્રીમદ ભાગવતજી ગ્રંથનું પુષ્પ વડે પૂજન કરી રહેલ પાણખાણિયા પરિવાર તથા લોર્ડ ગઢિયા
 

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જ વેમ્બલીના વિખ્યાત અરેનામાં પૂ. રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી)ની શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ થયો છે. પરમ ભગવદીય શ્રી વ્રજભાઇ પાણખાણિયા પરિવાર આયોજિત આ કથાના આરંભે જ વિશાળ અરેનામાં હકડેઠઠ્ઠ ભાવિકજનો જોવા મળ્યા. બપોરે ૨.૦૦ વાગ્યે વ્રજભાઇ તથા જ્યોત્સનાબેન પાણખાણિયાની પુત્રવધૂઓ માથે પોથી લઇ અરેનાના હોલમાં પ્રવેશ્યા ત્યારે હરે કૃષ્ણ, હરે રામની ધૂન કરતા ભાવિકજનોએ વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. પાણખાણિયા પરિવારના પિતૃઓ દિવંગત પરસોત્તમભાઇ તથા દિવંગત જશોદાબેનના આત્માઓના કલ્યાણાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથાનો મુખ્ય ઉદેશ્ય વોટફોર્ડ મંદિર ખાતે શ્રીકૃષ્ણ હવેલીના નિર્માણકાર્યમાં યથાશક્તિ ભંડોળ એકત્રિત કરવામાં નિમિત્ત બની સનાતનધર્મની સેવા કરવી. રવિવારે (૧૨ ઓગષ્ટે) કથાના પ્રારંભે ગુજરાત (અમદાવાદ)થી ખાસ પધારેલા વિદ્વાન પત્રકાર, વિવેચક, ઉદઘોષક શ્રી તુષારભાઇ જોષીએ વ્યાસપીઠ પર બિરાજમાન પૂ.ભાઇશ્રીનું અભિવાદન કરી લંડનમાં ભવ્ય આયોજન સાથે પાણખાણિયા પરિવારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે એની પ્રસંશા કરી. એ વખતે વ્રજભાઇના દીકરા કમલ પાણખાણિયાએ સૌ હરિભક્તોને હર્ષભેર આવકારી એમના પિતાશ્રીની હરેકૃષ્ણ મંદિરની હવેલી માટે મદદરૂપ થવાની અંતરેચ્છાને પ્રગટ કરી હતી. વોટફોર્ડ હરેકૃષ્ણ મંદિરના સેવકોએ સૌને અપીલ કરતાં જણાવ્યું કે, "૭.૫ મિલિયનના ખર્ચે તૈયાર થઇ રહેલ આ કૃષ્ણ હવેલી માટે હવે માત્ર અઢી મિલિયનની જરૂરત છે. એ માટે આ કથા દરમિયાન વ્રજ પાણખાણિયા પરિવારે વિશ્વભરના હરિભક્તોને જાહેર અપીલ કરી છે એમના અમે ઋણી છીએ.” હરેકૃષ્ણ મંદિરના સંચાલકોએ શ્રીમદ ભાગવત કથા શરૂ થાય એ પહેલાં પૂ.ભાઇશ્રીને હરેકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં નિર્માણ થઇ રહેલી હવેલીમાં પગલાં કરવા ખાસ આમંત્રિત કર્યા હતા.
રવિવારે બપોરે આઠ દિવસની આ ભાગવત સપ્તાહની શરૂઆતમાં વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાઇશ્રીએ એમની આધ્યાત્મિક રસાળ શૈલીમાં શ્રોતાજનોને કેટલીક ગાંઠે બાંધવા જેવી વાતો કરી એનો કેટલોક અંશ અત્રે રજૂ કરવા અમે પ્રયાસ કર્યો છે.
• તમારી વેલ્યુ (કિંમત) તમે જાતે ઉભી કરો તો કોઇની તાકાત નથી કે તમને એ ફેંકી દે.
• આજકાલ થાક બહુ લાગે છે. થાકેલાની અંદર ઉત્સાહ જ ન હોય. એવા સાથે તમે કંઇક કરવા જાવ તો એ તમારો ઉત્સાહ મારી નાખે. જે બલહીણ છે એને આત્મજ્ઞાન નહિ થાય જેથી આનંદ નહિ મળે, એમાં બળ નહિ હોય. બળ હશે ત્યાં ઉર્જા હોય છે. તમારે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરતાં થાકવાનું નહિ, પાકવાનું છે.
• હિન્દુ કેલેન્ડરમાં વર્ષના ચાર મહિના (ચાર્તુમાસ) ભગવાન આરામ કરે જેને આપણે દેવપોઢી અગિયારસ કહીએ. દેવપોઢી અગિયારસ એટલે નિમી અગિયારસ. નિમી એટલે નિયમ. અર્થાત આપણે નિયમ લેવાનો કે ભગવાન સૂતા હોય ત્યારે મારે જાગતા રહેવું. ચોમાસાના એ ચાર મહિના જગતનો તાત-ખેડૂત સૂતો રહે તો જગ ભૂખે મરે..
• ગુરૂ અને શિષ્યના સંબંધો આધ્યાત્મિક અને અલૌકિક હોય. ગુરૂપૂર્ણિમા એટલે આપણે એવા સદગુરૂની શરણે જઇ, એની પૂજા-ઉપાસના કરી માગણી કરવાની કે આધ્યાત્મિક જ્ઞાનનો સાગર અમારા દિલો-દિમાગમાં ભરી દો. શ્રાવણમાં ગુરૂને સાંભળો તો ભદ્ર થાય એટલે કે ભાદરવા જેવો ભરપૂર જ્ઞાનસાગરનો લહાવો સાંપડે. શ્રાવણમાં ભાગવત કથા સાંભળી જે કથા શ્રવણ કરે એ "સુભદ્ર" થાય.
• જન્મજન્માંતરનાં પૂણ્યો એકત્ર થાય ત્યારે ભાગવત કથા પ્રાપ્ત થાય. કથા પિતૃઓના પૂણ્યાર્થે નહિ પણ પિતૃઓના પૂણ્યના લીધે કથા મળે અને આપ સૌને કથા શ્રવણનો લાભ મળે છે. પૂણ્ય કર્યા હોય એના ફળસ્વરૂપ કથા કરવાનું, આયોજન કરવાનું અને સાંભળવાનું મળે એટલે એને એમ કહેવાય કે પૂણ્ય પાક્યાં. શ્રીમદ ભાગવતની સેવામાં જે આવ્યા છે એના પૂણ્ય પાક્યાં છે. અહીં સ્વયંસેવકો ખડા પગે સેવા આપે છે, વ્યવસ્થાપકો અને આયોજકો અહીંતહીં દોડધામ કરી સૌની વ્યવસ્થામાં જોડાયા છે કારણ કે એમને માનવતા માટે પ્રેમ છે. ધર્મનું મૂળતત્વ છે માનવતાને સમજે. આતંકવાદ વિશ્વને ડરાવી રહ્યો છે ત્યારે માનવતાને સૌ સમજે.
• સતથી સત્તા થાય. સત એટલે પરમ અસ્તિત્વ. ભગવાન બીજે કયાંય નથી રહેતો, ભગવાન અહીંજ છે. ઇશ્વરની અંદર જે ભળી ગયો એ બૂંદ સાગરમાં ભળી ગઇ સમજવી. માટીને ઘડાથી દૂર કરી માટીની કલ્પના કેવી રીતે થઇ શકે એમ ભગવાનને આ સૃષ્ટિથી અલગ કરી બીજે કયાં જોઇ શકાય. આપણા પુરાણો કહે છે, ભગવાન વૈકુંઠમાં રહે છે. હું વૈકુંઠને ભક્તની ભૂમિકા માનું છું. જેમ યોગની ભૂમિકા હોય એમ વૈકુંઠની એક ભૂમિકા છે. આ અનુમાનનો વિષય નથી, અનુભવની વાત છે. ઇશ્વર અહીં જ છે એના માટે દૂર દેશ જવાની જરૂર નથી.જ્ઞાન માર્ગ, યોગ માર્ગની ભૂમિકા છે એમ ભક્તિમાર્ગની ભૂમિકા હોય છે. તીર્થધામની યાત્રા કરવી એ પ્રથમ પગથિયું (સીડી), તીર્થધામમાંથી તમારા ઇષ્ટદેવની મૂર્તિ લાવી સ્થાપિત કરી પૂજા કરો એ બીજી સીડી, એ સાથે ગીતાપાઠ કરો, ઉપવાસ કરો, રોજ માળા કરો, ધ્યાન ધરણા એ ત્રીજી સીડી. એમ કરતાં કરતાં સહજા અવસ્થાની છેલ્લી સીડી એ વૈકુંઠ લોક છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર ઇશ્વર એ અલગ જગ્યાએ રહેનારો પ્રમુખ નથી, ઇશ્વર એ સત્તા છે-સચ્ચિદાનંદ રૂપાય".
• ભાગવત એ પરિપકવ ફળ છે. દુરાચારી હોય એને પણ આ ભાગવતની સ્કૂલમાં એડમિશન મળે છે. રસોડે રાંધતી બહેનોને ખબર છે કે કૂકરની કેટલી વ્હીસલે મગ પાકી (ચઢી) જાય. ભાગવત એ વેદવ્યાસનું રસોડું છે. અહીં દુરાચારી વિદ્યાર્થી પાકી જાય. પાક્યા પછી શોષક એ પોષક બને. ભગવાન જુદા જુદા સ્વરૂપ લઇને પકવે છે. એકશન, ઇમોશન એન્ડ થોટ્સ એ તમારું ચરિત્ર છે.
• આધ્યાત્મ વિનાની ભૌતિકતા તમને તોડી નાખશે. "સચ્ચિદાનંદ રૂપાય" જે કંઇ છે એ અહીં જ છે. ભગવાનને સર્વત્ર જોવાની ભાવના જાગૃત થાય તો આતંકવાદ જન્મે નહિ, શસ્ત્રોનો વેપલો થાય નહિ, યુધ્ધો લડાય નહિ, કોઇ ભૂખ્યો ના મરે. વિશ્વની માનવતા ભાન ભૂલી છે. વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતને આધ્યાત્મનો દીપ કહ્યો છે. એ માનવીના જીવનમાં અજવાળુ કરવા આવ્યો છે.
• તમે થાકેલા છો પણ પાકેલા થાવ.આપણા ઋષિમુનિઓએ કહ્યું છે એમ જ્ઞાનમાર્ગ, યોગ માર્ગ કે ભક્તિમાર્ગથી ઇશ્વર સુધી પહોંચી શકાય. તમારા ગુરૂને ખબર પડી જાય કે મગની જેમ આ કેટલી સીટીએ (વ્હીસલે) પાકશે.”
વોટફોર્ડ, હરેકૃષ્ણ હવેલી નિર્માણકાર્યમાં યથાશક્તિ દાન આપવા www.bhagvatkathalondon.com ઉપર જઇ પૂણ્ય કમાવ.

•••

પૂજ્ય ભાઈશ્રી હિન્દુત્વના મૂલ્યો અને પાયારૂપ સિદ્ધાંતોને આગળ વધારી રહ્યા છે: લોર્ડ જીતેશ ગઢિયા

ભાગવતકથાના બીજા દિવસે સોમવારે આપણા ગુજરાતીઓના ગૌરવ સમા લોર્ડ જીતેશ ગઢિયાને ખાસ આમંત્રિત કરાયા હતા. તેમણે જણાવ્યું કે,' કથાના યજમાન પાણખાણિયા પરિવાર દ્વારા મને આમંત્રિત કરી મારૂ વક્તવ્ય રજૂ કરવા તક આપી તે મારા માટે બહુમાન છે. હું ૨૫ કરતા વધુ વર્ષથી પૂજ્ય ભાઈશ્રીને જાણું છું અને લંડનમાં તેમને ફરી આવકારતા આનંદ થાય છે.
સામાન્યપણે વેમ્બલી એરીના ઓડિટોરિયમાં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ ગાયકો, સંગીતકારો અને અન્ય કલાકારોને આપણે જોવા-સાંભળવા અાવીએ છીએ પરંતુ, આજે પૂજ્ય ભાઈશ્રીના રુપમાં આધ્યાત્મિક રોકસ્ટાર આપણી સમક્ષ છે. આશરે પાંચ દાયકામાં પોતાના ઉપદેશો થકી વિશ્વના લાખો લોકોને તેમના જીવનમાં પરિવર્તન લાવવામાં તેમણે મદદ કરી છે. વિશ્વમાં અસહિષ્ણુતા, સંકીર્ણતા વધી રહી છે ત્યારે પૂજ્ય ભાઈશ્રી હિન્દુત્વના મૂલ્યો અને પાયારુપ સિદ્ધાંતોને આગળ વધારી રહ્યા છે, જે અગાઉની સરખામણીએ વધુ મહત્ત્વપૂર્ણ છે. હિન્દુત્વના મૂલ્યો ‘વસુધેવ કુટુંબકમ-સમગ્ર વિશ્વ આપણો પરિવાર’ની ભાવના ધરાવે છે. હિન્દુત્વ સૌથી શાંતિપૂર્ણ, સહિષ્ણુ અને સમાવિષ્ટ ધર્મ છે. પૂજ્ય ભાઈશ્રી પોરબંદરમાં શૈક્ષણિક સંસ્થાન સાંદિપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્તમાન અને ભાવિ પેઢીના લાભાર્થે આપણી પ્રાચીનતમ વેદિક સંસ્કૃિતને જીવંત રાખી રહ્યા છે.
ગત વર્ષે સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી પ્રવચનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત એટલે શાંતિ, એકતા અને સદ્ભાવના એમ કહી હિન્દુત્વ વિશેની આ લાગણીનો પડઘો પાડ્યો હતો. સ્વાતંત્ર્ય દિનની વાત કરીએ તો ૧૫ ઓગસ્ટ પૂજ્ય ભાઈશ્રી સાથે ઉજવવાની તક આપણને મળશે, જ્યારે વેમ્બલી અરેના કેસરિયા, શ્વેત અને લીલા રંગની સાથે લાલ, શ્વેત અને ભૂરા રંગથી રંગાઈ જશે કારણકે આપણે આપણી ભારતીય અને બ્રિટિશ એમ બંને ઓળખનું ગૌરવ ધરાવીએ છીએ.
શ્રાવણ માસમા જ આપણને કૃષ્ણ જન્મ ઉજવવાની તક મળશે.. આ કથા બધા માટે ગહન ચિંતન અને અવલોકનનો સમય છે. ગઈ કાલે ભાઈશ્રીએ કાચા અને પાકા વચ્ચેનો તફાવત સારી રીતે સમજાવ્યો હતો. તેઓ આપણો આધ્યાત્મિક માર્ગ પાકો બનાવવામાં મદદરુપ બનશે અને આ પ્રક્રિયામાં આપણા દરેકમાં રહેલી દિવ્યતાની મધુરતાને બહાર લાવશે.
હું ત્રણ મહત્ત્વના મુદ્દા પર ધ્યાન દોરીશ. સૌપ્રથમ તો સમગ્ર કથાને ઉદારતાપૂર્વક સ્પોન્સર કરવામાં યજમાન વ્રજભાઈ પાણખાણિયા અને તેમના પરિવારે સમય, પ્રયાસ અને સ્રોતો કામે લગાવ્યા છે તે બદલ આપણે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ. કથાના આયોજનમાં બે વર્ષથી વધુ સમય લાગ્યો છે. આવી મહાન સામુદાયિક સેવા આગળ વધારવા માટે પાણખાણિયા પરિવાર પર તન, મન, અને ધનની ઇશ્વર મહેર કરતા રહે તેવી પ્રાર્થના પણ કરીએ. મહાન ચેરિટેબલ ઉદ્દેશને સપોર્ટ કરવા વૈશ્વિક ટેલીવાઈઝ્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે વ્રજભાઈ પ્રશંસાના અધિકારી છે. બ્રિટનમાં હિન્દુ કોમ્યુનિટી માટે આવશ્યક કેન્દ્ર હરે કૃષ્ણ મંદિર તરીકે પ્રસિદ્ધ ભક્તિવેદાંત મેનોરમાં શ્રી કૃષ્ણ હવેલી નિર્માણની વાત આપણે સાંભળી. વોટફર્ડનું હરે કૃષ્ણ ટેમ્પલ ભાવિ પેઢીઓ માટે આપણા સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી અને ઓળખની સુરક્ષિત રાખવામાં મદદરૂપ બને છે. આપણે લંડનમાં ઐતિહાસિક ભાગવત કથાના કાયમી વારસા સ્વરુપે આ મહાન ઉદ્દેશમાં ઉદારતાપૂર્વક દાન આપીએ.” એમ લોર્ડ ગઢિયાએ જણાવ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter