લંડનઃ પ્રેમિકાએ સંબંધનો અંત લાવી દીધાં પછી પણ તેનો પીછો કરનારા અને ધમકીભર્યા સંદેશા મોકલનારા પ્રેમી પ્રદીપ થોમસને હેરો ક્રાઉન કોર્ટે ૨૭ સપ્ટેમ્બર, બુધવારે ૧૦ મહિનાની જેલની સજા ફરમાવી હતી. થોમસે ૧૫ ઓગસ્ટે હેન્ડન મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ ગુનાની કબૂલાત કરી હતી.
આશરે ૫૦ વર્ષની આસપાસની વય ધરાવતી પૂર્વ પાર્ટનર અને થોમસ વચ્ચે ચાર વર્ષથી સંબંધ હતો, જે અવારનવાર તૂટતો હતો. પ્રેમિકાએ આ વર્ષના આરંભે સંબંધ આખરે તોડી જ નાખ્યો હતો, જે થોમસને ગમ્યું ન હતું. તેણે પૂર્વ પાર્ટનરની કનડગત શરૂ કરી હતી અને વાતચીતની ના પાડી હોવાં છતાં હેરોસ્થિત તેનાં ઘેર પણ જતો હતો. પીડિતાને ૧૨ અને ૧૩ ઓગસ્ટે થોમસ તરફથી ૭૩ મિસ્ડ કોલ્સ અને ૩૫ વોઈસ મેસેજ મળ્યા હતા. આ સંદેશામાં તેની હત્યા કે નુકસાન પહોંચાડવાની ધમકીઓ હતી.
પીડિતાએ પોલીસને ફરિયાદ કરી હતી અને ડિટેક્ટિવોએ આ સંદેશા સાંભળ્યા હતા. આ પછી થોમસની ધરપકડ કરાઈ હતી. પીડિતા સાથે સંબંધ પૂરો થઈ ગયાનું થોમસ માનતો જ ન હતો.


